કવર સ્ટોરી : જક્કાસ રહ્યો જેસીકેનો ઝળહળાટ, લેબગ્રોન હીરાની મજબુત માંગ

નવા જમાનાના ગ્રાહકો માટે જ્વેલરી પ્રદર્શિત કરવા JCK લાસવેગાસ ખાતે ઈન્ડિયા પેવેલિયનનું આયોજન, જેમા ઈન્ડિયા ડિઝાઈન ગેલેરીમાં કેટલીક સૌથી ભવ્ય જ્વેલ્ડ રચનાઓનું પ્રદર્શન થયું, ભારતીય કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશ્વના સહુથી મોટા કદના લેબગ્રોન હીરા પણ
પ્રદર્શનમાં મુકાયા.

DIAMOND TIMES : 10 થી 13 જૂન 2022 સુધી ચાર દીવસ માટે વિશ્વના સહુથી મોટા JCK લાસવેગાસ શો નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે ભારે સફળ રહ્યો હતો અને તેમા પણ ઈન્ડિયા પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતુ.જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પ્રમોટેડ ઇન્ડિયા પેવેલિયનમાં 52 એક્ઝિબિટર્સની એક મોટી ટીમ દ્વારા અમેરિકન બજારના યુવા ગ્રાહક માટે ઉમદા આભુષણો અને હીરાની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.

JCK લાસવેગાસ શો માં ઇન્ડિયા પેવેલિયન 6320 સ્કેવર ફુટ ક્ષેત્રફળમાં ફેલાયેલુ હતુ.બે ભાગમાં વિભાજીત ઇન્ડિયા પેવેલિયનના પ્રથમ ભાગમાં ડાયમંડ પ્લાઝામાં કુદરતી હીરા અને હીરા જડીત જ્વેલરી જ્યારે બીજા ભાગમાં લેબગ્રોન હીરા અને તેના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.બુથ નંબર L105 પર ઇન્ડિયા ડિઝાઇન ગેલેરી હતી જેમા લૂઝ હીરા, રંગીન જેમ્સ,સાદા સોનાના ઘરેણાં, મોતીની જ્વેલરી, ચાંદીના ઘરેણાં તેમજ હીરા અને રંગીન સ્ટોન જડેલા ઘરેણાં સહિતની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ પ્રદર્શન કમ વેચાણ માટે મુકવામાં આવી હતી.

ભારતના હીરા ઉદ્યોગ માટે JCK લાસ વેગાસ તેના નેટવર્કને વધુ મજબૂત કરવા અને યુએસએમાં હીરા -ઝવેરાતની નિકાસમાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.ભારતીય નિકાસકારો માટે બજારના નવીનતમ ટ્રેન્ડને સમજવાની પણ આ એક ઉમદા તક હતી.

જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં યુએસ બજારનો હિસ્સો 37 ટકાથી પણ અધિક : કોલિન શાહ 

GJEPCના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે JCK લાસ વેગાસ-શો એ ભારત અને યુએસએ વચ્ચે ખાસ કરીને જેમ્સ અને જ્વેલરીમાં નવેસરથી તાલમેલ સાધવાની એક ઉમદા તક પુરી પાડી છે.ભારત આજે શ્રેષ્ઠ, ટ્રેન્ડી અને સારી રીતે એન્જિનિયર્ડ ડાયમંડ સ્ટડેડ કલેક્શન માટે જાણીતું છે.અમે યુએસ માર્કેટ માટે સૌથી મોટા સ્ત્રોતોમાંના એક છીએ અને ઇન્ડિયા પેવેલિયન વિભાગ હેઠળના JCK લાસ વેગાસ શો માં અમારી સતત હાજરી એ યુએસ રિટેલ સેક્ટરની વૈશ્વિક કક્ષાની વધતી માંગનો પુરાવો છે.

2021 માં ભારતની કુલ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 38.15 બિલિયન ડોલર થઈ હતી.જેમા ભારતે અમેરીકામાં 14.01 બિલિયન ડોલરની હીરા ઝવેરાતની નિકાસ કરી હતી.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે 2021 માં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં એકલા અમેરીકાના બજારનો હિસ્સો 37 ટકાથી પણ અધિક છે.કોરોના મહામારી પછી યુએસ માર્કેટમાં આભુષણોની માંગમાં જંગી વધારો જોવા મળ્યો છે.જેસીકે ઈન્ડિયા પેવેલિયનના સહભાગીઓ પાસે ખાસ કરીને તૈયાર ઉત્પાદનો છે જે યુએસ પ્રેક્ષકો માટે સૌંદર્યલક્ષી રીતે સુસંગત છે.

ઉચ્ચતમ સ્તરની કલાત્મકતા પ્રદર્શિત કરતી ઈન્ડિયા ડિઝાઈન ગેલેરી

JCK લાસ વેગાસ શો માં આ વર્ષે ખાસ આકર્ષણો પૈકીનું બીજુ એક વિશિષ્ટ ઈન્ડિયા ડિઝાઈન ગેલેરી હતી.જેમા કેટલીક સૌથી ભવ્ય જ્વેલ્ડ રચનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.GJEPC દ્વારા ડિઝાઇનની આગેવાની હેઠળની પહેલ આર્ટીસન એવોર્ડ્સના ફાઇનલિસ્ટ્સ દ્વારા ઇન્ડિયા ડિઝાઇન ગેલેરી ખાતે પ્રદર્શિત થયેલી જ્વેલરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આર્ટિસન એવોર્ડ્સ જ્વેલરી ડિઝાઇનમાં શ્રેષ્ઠતાનીઓળખ કરી ડીઝાઈનરને પુરસ્કાર આપે છે.જેનો ઉદ્દેશ્ય ઉચ્ચતમ સ્તરની કલાત્મકતા,નવીનતા અને વ્યક્તિત્વની ઓખળ આપી જ્વેલરી ડિઝાઇનર્સને યોગ્ય દરજ્જા સુધી પહોંચાડવાનો છે. આર્ટીસન એવોર્ડ 2022 થીમ “ધ કલેક્ટર્સ” આઇકોનિક અને સુપ્રસિદ્ધ મહિલાઓ પર આધારિત હતી.જેઓ તેમની વિશિષ્ટ શૈલી માટે જાણીતી હતી જેમાં એલિઝાબેથ ટેલર,બાર્બરા હટન અને વોલિસ સિમ્પસનનો સમાવેશ થતો હતો.

આજે ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સફળતાની ટોચ પર છે.ઉદ્યોગ માટે નૈતિક વ્યાપાર પ્રથાઓ અન્ય કોઈપણ બાબત કરતાં આગળ છે. બિઝનેસ વિથ એ કોન્સાઇન્સ’ એ દાયકાઓથી ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગનો મંત્ર છે.જે આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી ઓની સુખાકારી માટે અપનાવવામાં આવેલા પગલાઓ અને પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ડિયન જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને GJEPC એ આધુનિકીકરણ, સલામતી, સ્વચ્છતા અને તબીબી સુવિધાઓ, રોજગાર સર્જન અને કામદારો માટે તાલીમ કાર્યક્રમોના ઉચ્ચ ધોરણો સહીત અન્ય સામાજિક-આર્થિક લાભોને અપનાવીને તેના કર્મચારીઓમાં ભારે રોકાણ કર્યું છે.

ઈન્ડિયા પેવેલિયનમાં પ્રદર્શિત કેટલાક સંગ્રહો 

મોડર્ન સ્ટ્રોક : નૈતિક રીતે મેળવેલી ધાતુઓ અને જેમ્સની મદદથી કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ જ્વેલરીનું ઈન્ડિયા પેવેલિયનમાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ડેરેવાલાની ટાઇમલેસ જેમ્સ જડેલી સોના અને ચાંદી આ ફેશનમાં આગળ છે.મોડર્ન જ્વેલ્સ પરંપરાગત કૌશલ્ય સમૂહોના મિશ્રણ સાથે આધુનિક ડિઝાઇન બનાવવા માટે નવીનતમ ટેકનીક સાથે જોડાઈને જીવંત બનાવી રહી છે.

હીરા સાથે બોન્ડિંગ : લોટસ જ્વેલ્સ ગોળાકાર અને ફેન્સી-કટ હીરાથી જડેલી બ્રાઇડલ વ્હાઇટ ગોલ્ડ રિંગ્સ એ કપલ માટે ઉજવણીનું યોગ્ય નિશાન છે.વાઇબ્રન્ટ રૂબી, સેપફાઇર અને બ્રિલિયન્ટ હીરાથી બનેલા આ સ્લિમ અને સ્ટ્રાઇકિંગ વ્હાઈટ અને ગોલ્ડ બેન્ડને સ્ટેક કરી શકાય છે અથવા એકલું પણ પહેરી શકાય છે.

ક્લાસિક ટ્વિસ્ટ : જ્વેલરીયા પ્રા. લિમિડેડ લખનઉ આજની આધુનિક મહિલા માટે રિડિફાઇન ઉત્તમ નમૂનાઓ રજૂ કર્યા હતા.પેરુર્સ શ્રેષ્ઠ એમરાલ્ડ, સેફાયર, તાંઝાનાઈટ અને વધુ ફેન્સી-આકારના હીરા અને કોરલ સાથે બનાવવામાં આવે છે.

આકર્ષક રિંગ્સ : ડાયલમાઝ જ્વેલરી રંગબેરંગી રત્નો સાથે પૂરક તમામ આકાર અને કદના હીરાથી ભરેલા સફેદ અને પીળા સોનામાં સ્ટેટમેન્ટ રિંગ્સની એક તાજગીભરી લાઇન અપ રજુ કરી હતી.

ગ્લોઇંગ બબલ્સ : લેસ ઇઝ મોરના ટ્રેન્ડને અનુસરીને વેલેન્ટાઇન જ્વેલરી ઇન્ટરનેશનલ વ્હાઇટ અને પિંક સોનાના જ્વેલરીની શ્રેણી રજૂ કરી હતી.જેમાં શ્રેષ્ઠ ટેન્ઝાનાઇટ,સેફાયર, એમરાલ્ડ અને હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બે-પંક્તિના હીરાના હૂપ્સ એમરાલ્ડ અને તાંઝાનાઈટથી ડોટેડ છે અને થ્રી સ્ટોન અને સિંગલ સ્ટોન રિંગ્સને આકર્ષક હીરાના બેન્ડ સાથે જોડી શકાય છે.

ક્રોમાટિક સ્પ્લેશ : વિનાયક જ્વેલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ હાઈ-ડિઝાઈનના જ્વેલ્સ રજુ કરવામાં આવી હતી.હેક્ઝાગોન,ઓવલ અને પિયર શેપ્ડ હીરા જડેલી ફ્રેમ સાથેના ટ્રિપલ-ડ્રોપ લાઇનર ઇયરિંગ્સને કોમ્પલેમેન્ટરી જેમ્સ સાથે સેટ કરવામાં આવ્યા હતા.જ્યારે સ્ટાઇલાઇઝ્ડ ફ્લોરલ રિંગ માર્ક્વિઝ-આકારના ટેન્ઝાનાઇટ અને હીરાની પેટર્નવાળી હોય છે.

હિપ હોપ જ્વેલરી : કલાકારો પર્ફોર્મ કરવા માટે અહીં કેટલીક આછકલી યુક્તિઓ છે.જોરામલ જગ્ગોમલ જ્વેલર્સ પ્રા. લિ. દ્વારા 10,14 અને 18 કેરેટ વ્હાઇટ, યેલો અને રોઝ ગોલ્ડમાં તૈયાર કરાયેલા આભૂષણો ફુલ-કટ અને સિંગલ-કટ હીરાથી મઢેલા છે.

ભારતિય કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશ્વના સહુથી મોટા કદના લેબગ્રોન હીરા પણ પ્રદર્શનમાં મુકાયા

આઇજીઆઇ દ્વારા પ્રમાણિત વિશ્વનો સૌથી મોટો 30.18 કેરેટનો લેબગ્રોન હીરો પ્રાઇડ ઓફ ઇન્ડિયા કે જેમણે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જી વિશ્વના સૌથી મોટા હિરાનો ખિતાબ મેળવ્યો છે.એચ’ કલર અને વીએસટુ કલેરીટી ધરાવતા આ હીરાને પણ લાસ વેગાસમાં બુથ નંબર 8135માં પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો.

હિરવ અનિલભાઇ વિરાણીની માલીકીની સુરતની ઇથીરીયલ ગ્રીન ડાયમંડ નામની કંપનીએ વિશ્વનો સૌથી મોટો 30.18 કેરેટનો શાનદાર લેબગ્રોન ડાયમંડ બનાવીને સૌને અચંબામાં મુકી દીધા છે. સુરતમાં બનેલા ‘પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ લેબ ગ્રોન ડાયમંડને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ એલેએલપીએ લેબમાં ઉગાડેલા ઓમ, નમ: અને શિવાય નામના ત્રણ લેબગ્રોન હીરાને પણ લાસવેગાસમાં બૂથ નંબર 8131 માં પ્રદર્શિત કરાયા હતા. સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ એલેએલપી દ્વારા લેબમાં ઉગાડવામાં આવેલા માર્ક્વિઝ સ્ટેપ કટ હીરાનું ઓમ નામ આપવામાં આવ્યુ છે.

27.27 કેરેટ વજનના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ઓમ ને પ્રમાણિત કરનાર ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) એ જણાવ્યું હતું કે આ હીરો રાસાયણિક વરાળ ડિપોઝિશન (CVD) નો ઉપયોગ કરીને લેબમાં ઉગાડવામાં આવ્યો છે.

ઓમ નામના લેબગ્રોન હીરાની સાથે IGI એ ગ્રીનલેબ ડાયમંડ્સ એલેએલપી દ્વારા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા અન્ય વધુ બે નમ: અને શિવાય નામના લેબગ્રોન હીરાને પણ પ્રમાણિત કર્યો છે.નમ : હીરાનું વજન 15.16 કેરેટ છે અને તે પિઅર રોઝ કટ પોલિશ્ડ હીરો છે. જ્યારે શિવાય નામનો હીરો 20.24 કેરેટ વજન ધરાવે છે અને તે એમરાલ્ડ કટ પોલિશ્ડ હીરો છે.

JCKમાં ભારતીય ડાયમંડ પ્રોસેસીંગ ટેક્નોલોજીની પણ ગુંજ

સુરત સ્થિત અગ્રણી ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની STPL પોતાની ટેક્નોલોજીનો ડંકો વગાડવા અમેરિકાના લાસ-વેગાસ સ્થિત વેશ્વિક સ્તરના જેમ એન્ડ જ્વેલરી શો -JCKમાં ભાગ લીધો હતો.તાજેતરમાં જ લેસર મશીનની સહુથી વધુ નિકાસ કરી આ ક્ષેત્રે નંબર વન સ્થાન પ્રાપ્ત કરવા બદલ STPLને લેસર મશીન કૅટેગરીમાં એક્સપોર્ટર ઓફ-ધ-યર 2021-2022 એવોર્ડ SurSEZ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય પણ કેટલીક ડાયમંડ પ્રોસેસીંગ ટેક્નોલોજી કંપનીઓએ પણ JCKમાં ભાગ લીધો હતો.જે દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.

JCKમાં ડાયમંડ, કલર સ્ટોન અને સિલ્વર જ્વેલરીની પણ ભારે માંગ રહી

આ વખતે જયપુરના 150 થી વધુ જ્વેલર્સ ‘JCK’ માં ભાગ લઈ રહ્યા છે, જે કોરોનાને કારણે ત્રણ વર્ષ માટે મુલતવી રાખવામાં આવેલ વિશ્વનો સૌથી મોટો જ્વેલરી શો છે. લાસ વેગાસ (યુએસએ) માં 10 થી 13 જૂન દરમિયાન યોજાયેલા જ્વેલર સર્ક્યુલર કીસ્ટોન શોમાં આ વખતે કલર સ્ટોનની ભારે માંગ છે.

જયપુરની ડાયમંડ, કલર સ્ટોન અને સિલ્વર જ્વેલરી સંબંધિત કંપનીઓએ અહીં 150 થી વધુ સ્ટોલ લગાવ્યા છે.જ્વેલર્સ સંગઠનોનું કહેવું છે કે કોવિડ બાદ આ શો થી ઘણી આશા છે. જો કે, બે મહિના પહેલા સુધી આ શોને મુલતવી રાખવાની ચર્ચા હતી.જેસીકેનો આ 30 મો શો છે. તેથી આયોજકો તેને ખાસ બનાવવા માટે દરરોજ નવી થીમ લઈને આવ્યા છે. આ શોમાં દેશભરમાંથી 400 જેટલા જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે.

જયપુર જ્વેલર્સ એસો. ના ભૂતપૂર્વ પ્રમુખ સંજય કાલાએ જણાવ્યું હતું કે આ વખતે સિલ્વર જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પર્લ જ્વેલરી, સ્ટોન જ્વેલરી, જેમસ્ટોન બીડ્સ, બ્લુ સેફાયરની સારી માંગ છે.આયોજકોનું કહેવું છે કે અમે દસ વર્ષ પછી આવી ફૂટફોલ જોઈ છે. શો માં ભાગ લેનાર જ્વેલરના જણાવ્યા અનુસાર JCK માં ચીન, જાપાન, હોંગકોંગમાં જ્વેલરીનો વ્યવસાય કરતા ભારતીય ઉદ્યોગપતિઓની ભાગીદારી પણ આ વખતે અપેક્ષા કરતાં વધુ છે.

JCK લાસ વેગાસ એ જ્વેલરી ઉદ્યોગની અગ્રણી વાર્ષિક વેપાર ઇવેન્ટ છે. જે વિશ્વના 30, 000 થી વધુ પ્રભાવશાળી ઉદ્યોગ વ્યાવસાયિકોને પ્રેરણાત્મક શિક્ષણ, નેટવર્કિંગ અને મનોરંજન માટે સુરક્ષિત વાતાવરણમાં એકસાથે લાવે છે. જ્વેલરી, જેમ્સ, ટાઈમપીસ અને સેવાઓનો JCK નો તમામ વ્યાપક સંગ્રહ તેને નવા અને સુંદર દાગીના બજારમાં વધુ અન્વેષણ કરવા માટેનું મુખ્ય સ્થળ બનાવે છે.