ગુજરાતીઓ અન્ય પર નિર્ભર રહેવાના બદલે જાતને આત્મનિર્ભર બનાવી કામ કરવામાં માને છે.સુરતનો હીરા ઉદ્યોગ આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.દેશની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષ સુધીની યુવા વય ધરાવે છે.સ્વાસ્થ્યની સાથે હેપિનેસ જ આપણી સાચી મૂડી છે.ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ઓનલાઇન ભવિષ્યમાં મેઇનલાઇન બની જશે,ભારત ફરીથી વિશ્વગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહયું છે : ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ

DIAMOND TIMES –સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ઇશ્વર પરમાર, નવસારીના સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સુરતના સાંસદ દર્શના જરદોશ, કલેકટર ડો. ધવલ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહ્યાં હતા.

સુરતને મેગા ટેકસટાઇલ પાર્ક મળશે તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધશે: દીનેશ નાવડીયાચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ કાર્યક્રમમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે સુરત શહેરમાં વિકસિત થયેલા ટેકસટાઇલ, ડાયમંડ તથા અન્ય ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપી આ ઉદ્યોગોથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને અવગત કરાવ્યા હતા. તેમણે સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સની ભવ્યતા વિશે વાત કરી હતી. સુરતને ઇન્ટરનેશનલ એર કનેકટીવિટી વહેલી તકે મળે તે માટે અમારા બંને સાંસદો પ્રયાસ કરી રહયા છે તેમ જણાવી તેમણે વધુમાં કહયું કે દેશના સાત મેગા ટેકસટાઇલ પાર્કમાંથી એક ટેકસટાઇલ પાર્ક સુરતને મળવાની અમને ચોકકસપણે આશા છે.જો આવું થશે તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી શકશે.

નાગરિકોના પૈસા લઇને ભાગી જનારા લોકોને વિશ્વનાં કોઇપણ દેશોએ આશરો આપવો જોઇએ નહીં : વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભારત, વિશ્વમાં સૌથી યુવા દેશ છે. ભારતમાં ૬પ ટકા વસતિ ૩પ ઉંમરથી ઓછી વય ધરાવતા લોકોની છે અને પ૦ ટકા વસતિ રપ ઉમરથી ઓછી વય ધરાવતા લોકોની છે. આ યુવાઓનો સદુપયોગ કરાશે તો ભારત ફરી એક વખત વિશ્વગુરૂ બની જશે. પહેલા પણ ભારત વિશ્વગુરૂ હતું જ અને ફરીથી વિશ્વગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહયું છે.વિશ્વના દરેક દેશો કોઇને કોઇ રીતે ભારત સાથે જોડાવવા માગે છે.ભારતમાં રોકાણ કરવા માગે છે.જેનાથી ઇન્ટરનેશનલ બિઝનેસની તકમાં પણ વધારો થયો છે.

દેશમાં ધંધા–રોજગાર વધે તે માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવા ઉપર ફોકસ કરે છે. સરકાર દેશની સુરક્ષા, લોકો માટે સારુ આરોગ્ય અને પ્રજાની મુશ્કેલીઓનું નિવારણ લાવવા ઉપર ધ્યાન આપે છે.એકમાત્ર કૃષિ ક્ષેત્રમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ૪ ટકાનો ગ્રોથ કર્યો હતો.એના માટે તેમણે ખેડૂતોનો આભાર માન્યો હતો.વર્ષ ર૦ર૧–રરમાં એક અંદાજ પ્રમાણે ભારતનો જીડીપો ગ્રોથ ૧૧.પ૦ ટકા થવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી.

ટેકસટાઇલ અને ડાયમંડ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકો ભારતની ઇકોનોમીને આગળ વધારશે ત્યારે જ આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે. જેટલું વધારે શીખીશું એટલી વધારે પ્રગતિ કરી શકાશે. સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સકસેસ સ્ટોરી સાંભળીને આનંદ થયો છે. ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતાનું માઇન્ડ સેટ છે. વિશ્વમાં ગમે તે ખૂણે જાવ ત્યાં ગુજરાતીઓ ડેવલપ થયેલા જ દેખાશે. આથી ક્રિએટ ધ વેલ્થ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધ વેલ્થનો કોન્સેપ્ટ અપનાવવો જોઇએ. શેર એન્ડ કેર મહત્વની બાબત છે અને સમાજના સારા ભવિષ્ય માટે પ્રોફીટનો અમુક હિસ્સો શેર કરવો જોઇએ. તેમણે ઉદ્યોગકારોને બોરો–ઇન્વેસ્ટ–ગ્રો એન્ડ ફાઇનલ રી પેનો મંત્ર આપ્યો હતો.

તેમણે વધુમાં કહયું કે ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ઓનલાઇન ભવિષ્યમાં મેઇન લાઇન બની જશે.દરેક ઇન્ડસ્ટ્રીએ પોતાના પ્રોડકટ વિશ્વના જુદા–જુદા બજારોમાં પહોંચાડવા માટે ઓનલાઇન અપનાવવું જ પડશે. તેમણે કહયું કે બિઝનેસમાં એથીકલ મેઇન્ટેન થવા જોઇએ. ચેમ્બર ઓફ કોમર્સ એથીકલને મેઇન્ટેન કરે છે એટલા માટે જ તેનો હેલ્ધી ગ્રોથ થઇ રહયો છે. હેલ્ધી ગ્રોથ થશે તો હેપ્પીનેસ આવશે. સારું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ થકી જ નોલેજ વધે છે અને વ્યકિત સશકત બને એટલે દેશ પણ વધુ મજબુત બને છે. દક્ષિણ ગુજરાતમાં સારી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ છે તે સારી બાબત છે.સેન્ટર ઓફ એકસલન્સ પણ સુરતને મળવું જોઇએ એવું મારુ માનવું છે.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહયું કે, દેશમાંથી નાગરિકોના પૈસા લઇને ભાગી જનારા લોકોને વિશ્વના કોઇપણ દેશોએ આશરો આપવો જોઇએ નહીં અને તેની સામે કડક પગલા લેવા જોઇએ. તેમણે કહયું કે, નેતા કોઇપણ હોય ભલે એ રાજનૈતિક હોય, સામાજિક હોય કે શૈક્ષણિક ક્ષેત્રનો હોય પણ તેણે લોકોની વચ્ચે રહેવું જોઈએ. આવું કહીને તેમણે કાર્યક્રમના અંતે ઉદ્યોગકારોનું અભિવાદન ઝીલ્યુ હતું.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું. જ્યારે હીરા ઉદ્યોગ વતિ વિનસ જ્વેલ્સના સેવંતી શાહ, શિક્ષણ ક્ષેત્ર વતિ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક, અન્ય ઉદ્યોગો વતિ વરાછા કો–ઓપ. બેંક લિ.ના ચેરમેન કાનજી ભાલાળા, સાર ઇન્ફ્રાકોન તેમજ ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, ડી. ખુશાલદાસના દીપક ચોકસી, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના જયંતિ સાવલીયાએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું સન્માન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ કેતન દેસાઇ અને માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયાએ કાર્યક્રમમાં પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

હીરા ઉદ્યોગની સમસ્યા નિવારવા સરકારનો હકારાત્મક અભિગમ ખુબ જ સરાહનિય બાબત : સેવંતિભાઈ શાહધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિસંવાદમાં હીરા ઉદ્યોગની અગ્રણી કંપની વિનસ જ્વેલ્સના ચેરમેન સેવંતિભાઈ શાહે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુને આવકાર આપી હીરા ઉદ્યોગના વિકાસ , , હીરા ઉદ્યોગ કારોની સાહસિકતા- ક્ષમતા અને વિશાળતાનો પરિચય કરાવ્યો હતો. સેવંતિભાઈ શાહે કહ્યુ કે હીરા ઉદ્યોગની સમસ્યાના નિવારણ માટે સરકારનો હંમેશા સકારાત્મક અભિગમ રહ્યો છે. ભારત સરકાર, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ સરકારી વિભાગોની સરાહના કરતા સેવંતિભાઈ શાહે કહ્યુ કે હીરા ઉદ્યોગની સમસ્યાનાં નિવારણ માટે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ તરફથી પણ ખુબ જ ઉમદા સહયોગ મળી રહ્યો છે.