DIAMOND TIMES – નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવા સાથે જ સરકારે નવુ આવકવેરા રીટર્ન ફોર્મ જારી કર્યુ છે.આ નવા ફોર્મમાં કેટલીક નવી બાબતો સામેલ કરવામાં આવી છે.જેમા ટેકસ નોટીસ મળ્યાને કારણે રીટર્ન ફાઈલ થતુ હોય તો ડીઆઈએન નંબર સહીતનાં મુદાઓને આવરી લેવામાં આવ્યા છે.
આવકવેરા રીટર્ન-1 માં ડીવીડન્ડ આવકની ત્રિમાસીક નોંધની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે કોરોનાની પ્રવર્તમાન હાલતમાં કરદાતાઓને વધુ કઠીનાઈનો સામનો કરવો ન પડે તે માટે નવા રીટર્ન ફોર્મમાં કોઈ મોટા બદલાવ કરવામાં આવ્યા નથી. આવકવેરા કાયદામાં સુધારાને કારણે આવશ્યક બનેલા અમુક બદલાવ કરવામાં આવ્યા છે.
કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કરદાતાઓને પ્રથમ વખત નવા કે જુના કરમાળખામાં સામેલ થવાનો વિકલ્પ મળવાનો છે.રીટર્ન ફોર્મમાં કોઈ મોટા બદલાવ નથી. 50 લાખથી વધુ આવક ન હોય તેવા કરદાતાને રીટર્ન ફોર્મ-1 ભરવાનું થાય છે. કરદાતાએ ડીવીડન્ડ આવક ત્રિમાસીક બ્રેકઅપમાં દર્શાવવી પડશે.
કોઈપણ કંપનીમાં ડાયરેકટર હોય કે અનલીસ્ટેડ કંપનીના શેરમાં રોકાણ હોય અથવા કાયદાની કલમ 194 એન હેઠળ ટીડીએસ કપાત થયો હોય તેવા કરદાતા રીટર્ન ફોર્મ-1 ભરી શકતા નથી.આ સિવાય ઈએસઓપી હેઠળ આવકવેરો બાકી હોય તો કરદાતા પણ આ ફોર્મ ભરી નહિ શકે. નવા રીટર્ન 1 અને રીટર્ન-2 ફોર્મમાં નવા કે જુના કરમાળખાનો વિકલ્પ અપાયો છે.