DIAMOND TIMES – ભારતમાં કેટલાંક લોકો કોરોના વેકિસન અંગે શંકાઓ કરી તેનાથી દુર ભાગે છે. આવા માહોલ વચ્ચે કોરોના સામે વેકસિન અત્યંત અસરકારક હોવાનો દાખલો ઈઝરાયેલ અને બ્રિટને બેસાડ્યો છે.ઈઝરાયેલમાં 60 ટકા વેકિસનથી કોરોનાનો અંત આવ્યો છે.જયારે બ્રિટનમાં 10 મહિના પછી કોરોનાથી મોતનો એક પણ કેસ બન્યો નથી.ઈઝરાયેલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોના રસી અપાઈ ગઈ છે.તેની સાથે તેણે હર્ડ ઈમ્યુનીટી હાંસલ કરી લીધી છે. ઈઝરાયેલમાં હર્ડ ઈમ્યુનીટી આવ્યા બાદ દરરોજ કોરોના વાયરસનાં સરેરાશ માત્ર 15 કેસ જ બહાર આવે છે.જે એક વર્ષ પછી કોરોના વાયરસ કેસની સૌથી ઓછી સંખ્યા છે.
ઈઝરાયેલે આજથી કોરોના વાયરસ સંબંધી પ્રતિબંધોને હટાવી લીધા છે.હવે લોકો રેસ્ટોરન્ટ, સિનેમા હોલ,રમત ગમત સહીતના મનોરંજન કાર્યક્રમો મોજથી માણી શકશે. ઈઝરાયેલમાં સ્કુલો શરૂ કરી દેવામાં આવી છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હર્ડ ઈમ્યુનીટી સુધી પહોંચવા માટે 70 થી 85 ટકા વેકિસન જરૂરી છે. જોકે ઈઝરાયેલે માત્ર 60 ટકા વસ્તીને વેકિસન લગાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.