હોલસેલ ટ્રેડીંગ એકટીવીટી ચાર કલાક ચાલુ રાખવા ચેમ્બરની રજૂઆત

715

ડાયમંડ ટ્રેડીંગ, રિયલ એસ્ટેટ અને કાપડ ઉદ્યોગ સહિતની તમામ હોલસેલ દુકાનો દિવસ  દરમિયાન  ચાર કલાક ચાલુ રાખવા રાજ્યના પોલીસ મહાનિર્દેશક સમક્ષ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાની રજૂઆત…

DIAMOND TIMES- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ સુરતના તમામ કારોબારીઓની સમસ્યા નિવારવાના મહત્વના મુદ્દા અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે નીચે મુજબની રજૂઆત કરી હતી.

1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિત તમામ હોલસેલ દુકાનો દિવસ દરમિયાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે,પરંતુ બીજી તરફ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓને પણ તેની અસર થતા તે બંધ થવાની અણી પર છે.આ બાબતને ધ્યાનમાં રાખી આગામી ૧૮ મેના રોજ જાહેર થનારા નવા હુકમમાં ટ્રેડીંગ એકટીવિટીને પરવાનગી મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી,આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર ઉતરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે.કારણ કે કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા કરી ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે.જો કાપડ માર્કેટો બંધ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તે પ્રમાણે આયોજન થવું જોઈએ.

4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી-કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

5. એકસપોર્ટ- ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ રાખવા ખાસ જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે.જો એકસપોર્ટના ઓર્ડર્સ સમયસર ડીલીવર નહી થાય તો મોટો આર્થિક ફટકો પડવાની સાથે વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ લાંછન લાગી શકે તેમ છે.જેથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.

6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેરીંગ સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.

7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે.આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની રજૂઆતો અંગે કહ્યુ કે કોર કમિટીમાં ઉદ્યોગ-ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે.જેથી ચેમ્બર ઓફ કોમર્સેની રજૂઆતોને મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે.આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.