ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્‌સ હેઠળ બૌદ્ધિક સંપદાની સુરક્ષા કરી શકાય છે : રિચા ગોયલ

415
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બૌદ્ધિક સંપદા હકકો, તમારી બ્રાન્ડ અને બિઝનેસને સુરક્ષિત કરવા અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાત વકતા તરીકે કંપની સેક્રેટરી એન્ડ ટ્રેડમાર્ક એટોર્નિ રિચા ગોયલ દ્વારા ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ તેમજ પેટન્ટ રજિસ્ટ્રેશન અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

DIAMOND TIMES –રિચા ગોયલે વેબિનારને સંબોધતા કહ્યુ કે દેશમાં અન્ય શહેરોની તુલનાએ સુરતમાં ઉદ્યોગ સાહસિકો વધારે છે.ખાસ કરીને ટેકસટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ બ્રાન્ડ જોવા મળે છે. સુરતમાં નાનાથી લઇ ને મોટી બ્રાન્ડ છે. આવા સંજોગોમાં કોઇપણ બિઝનેસમાં બ્રાન્ડીંગ અને ટ્રેડમાર્કનું મહત્વ વધી જાય છે. કોઇપણ પ્રોડકટ ની બ્રાન્ડ બનતા વર્ષો લાગી જાય છે પણ તેને પ્રોટેકટ કરવા માટે ટ્રેડમાર્કની જરૂર પડે છે.આ માટે તેમણે કેટલીક વિખ્યાત બ્રાન્ડના ઉદાહરણ આપીને બ્રાન્ડીંગ અને આઇટી લો વિશે વિસ્તૃત માહીતિ અને સરળ સમજ આપી હતી.

તેમણે કહ્યુ કે જે રીતે જમીન મિલ્કતને પ્રોપર્ટી કહેવામાં આવે છે.બરાબર એ પ્રકારે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્‌સ હેઠળ બૌદ્ધિક સંપદાની સુરક્ષા કરી શકાય છે.તમારી પ્રોડકટ કે બ્રાન્ડનું અન્ય કોઇ કંપની કે લોકો કોપી નહીં કરે તેમજ તમારી પ્રોડકટ કે બ્રાન્ડના નામથી તેઓ અન્ય પ્રોડકટનું વેચાણ નહીં કરી શકે તે માટે તમારી પ્રોડકટને સુરક્ષિત કરવા ટ્રેડમાર્ક એકટ હેઠળ રજિસ્ટર્ડ કરવાની જરૂર હોય છે.ટ્રેડમાર્ક એકટ હેઠળ વર્ડ માર્કસ, સાઉન્ડ માર્કસ, હોલોગ્રામ માર્કસ, કલર્સ, સ્મેલ એન્ડ ટેકસચ્યુર માર્કસ, ફિગરેટીવ એલીમેન્ટ્‌સ અને લોગોનો સમાવેશ થાય છે.જે અંતર્ગત ટ્રેડમાર્ક એકટ હેઠળ પ્રોડકટ કે બ્રાન્ડનું રજિસ્ટ્રેશન થાય છે.

ઇન્ડિયન ટ્રેડમાર્ક એકટ 1940માં ટ્રેડમાર્કનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.જો તમારી પ્રોડકટ લોકો પસંદ કરતા થયા હોય અને તમે એને ટ્રેડમાર્ક અંતર્ગત રજિસ્ટર્ડ નહીં કરો તો અન્ય કોઇ કંપની તેને પોતાના નામે રજિસ્ટર્ડ કરી શકે છે.આથી ટ્રેડમાર્ક અંતર્ગત રજિસ્ટર્ડ થયા બાદ તેની કોઇ કોપી નહીં કરી શકે.તેમણે કહયું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્લ્ડ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્‌સ ખૂબ જ એકટીવ છે અને સુરતમાં મોટાભાગના ઉદ્યોગકારો પોતાની પ્રોડકટ એકસપોર્ટ કરે છે.આથી આવા ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓની પ્રોડકટ કે બ્રાન્ડનું પેટન્ટ હેઠળ ચોકકસપણે રજિસ્ટ્રેશન કરવું જોઇએ.જે દેશમાં તેઓની પ્રોડકટનું એકસપોર્ટ થાય છે તે દેશમાં રજિસ્ટ્રેશન કરવામાં આવે તો અન્ય કોઇ કંપની તેઓની પ્રોડકટ અંગે પોતાનો દાવો મુકી શકશે નહીં.

ચેમ્બરની આઇપીઆર-આઇએસઓ કમિટીના ચેરમેન કિર્તીકુમાર પટેલે વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કો–ચેરમેન મનિષ પટેલે વકતાનો પરિચય આપ્યો હતો અને અંતે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.