સરકારનો ‘ઈન્સ્યોરન્સ પાયલોટ’ પ્રોજેક્ટ : સાવ સસ્તામા મળશે મેડીકલ પોલીસી, જાણો અત્યારે જ…

189

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

આકસ્મિક મોટી બિમારીના પગલે સારવાર પાછળ થતા જંગી ખર્ચને પહોંચી વળવા ગરીબ-મધ્યમ વર્ગને ઉછી ઉધારા કરવાનો, લોન લેવાનો, ઘરેણા કે મકાન ગિરવે રાખવાનો કે વેચવાનો વારો આવે છે.ગરીબ અને મધ્યમ વર્ગની આ મુશ્કેલીને દુર કરવા અને દરેક નાગરીકોને આસાનીથી ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવાના આશય સાથે મોદી સરકારે ‘ઈન્સ્યોરન્સ પાયલોટ’ પ્રોજેક્ટ તૈયાર કર્યો હોવાના મીડીયા અહેવાલ મળી રહ્યા છે.આ યોજના હેઠળ વર્ષે માત્ર પંદરસો કે બે હજાર રૂપિયાના મામુલી પ્રિમીયમ દ્વારા સમગ્ર પરિવારને પાંચ લાખ સુધીનો વીમો-મેડીકલ સહાય મળી શકશે. વળી ખાસ બાબત એ છે કે આ યોજના હેઠળ વયસ્કો સહીત દરેક ઉમરના નાગરીકોને વિમા પોલિસીનો લાભ મળી શકશે.

વર્તમાન સમયમા કોઇ પરિવાર મેડીકલ પોલિસી ખરીદે તો પ્રિમીયમ પાછળ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.જે દરેકને પોષાય તેમ નહી હોવાથી સરકારે ખાસ ‘ઈન્સ્યોરન્સ પાયલોટ’ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.દુનિયાની સહુથી મોટી મફત સ્વાસ્થ્ય વિમા યોજના (આયુષ્યમાન યોજના) ચલાવી રહેલી કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ ઓથોરીટીએ આ પાયલોટ પ્રોજેક્ટ માટે પ્રાઈવેટ હોસ્પીટલો સાથે મંત્રણાઓ પુર્ણ કરી લીધી હોવાના અહેવાલ છે. નેશનલ હેલ્થ ઓથોરીટીના ડેપ્યુટી સીઈઓ વિપુલ અગ્રવાલે જણાવ્યુ હતુ કે પ્રાથમિક તબક્કે આ યોજનામા સામેલ થવા 18 જેટલી કંપનીઓએ રસ દાખવ્યો છે.આ યોજના અમલી બનતાની સાથે જ આકસ્મિક બિમારીઓમાં હોસ્પીટલોમાં લોકોને કેશલેસ અને પેપરલેસ સારવાર મળી શકશે.

અત્રે એ નોંધનીય છે કે ભારતના મધ્યમ વર્ગના મોટાભાગના લોકો પાસે મેડીકલ પોલીસી નથી.જેથી આક્સ્મિક બિમારીના ખર્ચને પહોંચી વળવા અનેક લોકો અસમર્થ હોય છે. દેશમાં અત્યારે માત્ર 12.5 કરોડ લોકો જ મેડીકલ સુવિધાઓ મેળવી રહ્યા છે. આયુષ્યમાન યોજના દ્વારા 11 કરોડ પરિવારોના લગભગ 50 કરોડ સુધી વીમાનો લાભ પહોંચાડનાર એનએચએનું માનવું છે કે અત્યંત આધુનિક,મજબુત આઈટી નિયમોની મદદથી માત્ર રૂપિયા 1500 થી 2000 ની મામૂલી રકમવાળી આ યોજના અમલી બનશે. આયુષ્યમાન યોજનામાં સામેલ લાભાર્થીના પરિવારને પાંચ લાખનો આરોગ્ય વિમો ઉપલબ્ધ કરાવવા માત્ર 900 થી 950 સુધીનો જ ખર્ચ આવે છે.જ્યારે તેની સરખામણીએ ખાનગી કંપનીઓ વર્ષ 15 થી 20 હજારનું જંગી પ્રિમીયમ પડાવે છે.સુત્રોએ કહ્યુ કે મહત્વની બાબત તો એ છે કે આ યોજનામાં ઉંમરની કોઈ સીમા નહીં હોય.એટલે કે કોઇ પણ ઉમંર ધરાવતા નાગરીકોને પણ આ વિમા પોલિસી હેઠળ સારવાર ખર્ચમા આવરી લેવાશે.એટલે કે વયસ્કોને પણ આ વિમા યોજનાનો લાભ મળશે.