આગામી જાન્યુઆરીથી ઇનપૂટ ટેક્સ ક્રેડીટના નિયમો આકરા બનશે,વેપારીઓ પ્રોવીઝનલ આઈટીસી નહીં લઇ શકે

25

DIAMOND TIMES –આગામી 1 જાન્યુઆરીથી જીએસટીના માળખામાં અનેક ફેરફારો આવી રહ્યા છે તેમાં હવે નાના વેપારીઓ માટે ઇનપૂટ ટેક્સ ક્રેડીટના નિયમો બદલાતા તેમની મોટી મૂડી આ ટેક્સ ક્રેડીટ લેવામાં ફસાઈ જાય તેવી શક્યતા છે. સરકાર દ્વારા ઇનપૂટ ટેક્સ ક્રેડીટમાં જે પ્રકારે બોગસ બિલીંગ વગેરેથી મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવે છે તેને રોકવા માટે હવે નવા બનાવેલા નિયમોમાં જ્યાં સુધી સપ્લાયર એટલે કે માલના ઉત્પાદક કે ડીસ્ટ્રીબ્યુટર તેના ઇનવોઇસ જીએસટી પોર્ટલ પર અપલોડ ન કરે અને નાના વેપારીઓના બિલીંગ સાથે તે મેચ ન થઇ જાય ત્યાં સુધી ઇનપૂટ ટેકસ ક્રેડીટ ક્લેઇમ કરી શકાશે નહીં.

સરકારે પ્રોવીઝનલ ઇનપૂટ ટેક્સ ક્રેડીટની વ્યવસ્થા બંધ કરશે જેના કારણે છેલ્લા વેપારી માટે ઉત્પાદકના ઇનવોઇસ સાથે મેચ ન થઇ જાય ત્યાં સુધી તેની ઇનપૂટ ટેક્સ ક્રેડીટ ક્લેઇમ કરી શકાશે નહીં. હાલમાં વેપારી તેની કુલ મળવાપાત્ર ઇનપૂટ ટેક્સ ક્રેડીટમાં પાંચ ટકા રકમ ક્લેઇમ કરી શકે છે. અને તેમાં સપ્લાયર સાથેના ઇનવોઇસ મેચ ન થતા હોય તો પણ આ ટેક્સ ક્રેડીટ મળે છે પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના જે નવા નિયમો નોટીફાઈડ કરવામાં આવ્યા છે

તેમાં હવે ઇનવોઇસ મેચીંગને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને કોઇ પ્રોવીઝનલ ઇનપૂટ ટેક્સ ક્રેડીટ ક્લેઇમ કરી શકાશે નહીં. તેથી નાના વેપારીઓ માટે તેમના મૂડીનો મોટો ભાગ ફસાઈ જાય તેવી શક્યતા છે. જો કે આ અંગે એમએસએમઇ સહિતના સંગઠનોએ વિરોધ કર્યો છે. અગાઉ 20 ટકા સુધીની આઈટીસી ક્લેઇમ કરી શકાતી હતી તે ઘટાડી 5 ટકા કરી નાખવામાં આવી હતી હવે નીલ કરી નાખવામાં આવી છે. જો કે સરકારની દલીલ છે કે ઇનપૂટ ટેક્સ ક્રેડીટના 8 હજાર જેટલા કેસમાં રુા. 35 હજાર કરોડના ફ્રોડ અને ઇનપૂટ ટેક્સ ક્રેડીટ સિસ્ટમમાં ગેરઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.