DIAMOND TIMES : આ પદ્ધતિને કારણે બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષી વેપાર તથા ઈન્વેસ્ટમેન્ટ વધારવામાં મદદ મળશે. ભારત સાથેના વેપારને સરળ બનાવવા રશિયાની બીજી મોટી બેન્કે સીધા રુપીમાં પેમેન્ટસ પદ્ધતિ શરૂ કરી છે. આ પદ્ધતિને કારણે બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષી વેપાર તથા ઈન્વેસ્ટમેન્ટ વધારવામાં મદદ મળશે.
રશિયાના એસએમઈ કલાયન્ટસ હવે ડબલ કન્વર્ઝન કરાવ્યા વગર સીધા પેમેન્ટસ કરી શકશે, એમ રશિયાની બીજી મોટી બેન્ક વીટીબી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. સીધા પેમેન્ટસની આ યંત્રણા હેઠળ એક પ્રોડકટનો ભાવ નિશ્ચિત કરી શકાશે અને રૂપિયામાં પેમેન્ટ થઈ શકશે. વીટીબી સહિત રશિયાની નવ બેન્કોએ ભારતમાં સ્પેશ્યલ વોસ્ટ્રો ખાતા ખોલાવ્યા છે.
બીજી બાજુ ભારતની કેટલીક બેન્કોએ રશિયામાં આવા પ્રકારના ખાતા ખોલાવ્યા છે. વૈશ્વિક વેપાર સમુદાયના રૂપિયામાં વધી રહેલા રસને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષના જુલાઈમાં આયાત – નિકાસ માટે રૂપિયામાં પેમેન્ટ યંત્રણા વહેતી મૂકી હતી.
આ યંત્રણાને કારણે ભારત ખાતેથી નિકાસ વધારવામાં મદદ મળશે એમ રિઝર્વ બેન્ક દ્વારા તે વેળાએ જણાવાયું હતું. આ યંત્રણા હેઠળ બન્ને ભાગીદાર દેશોના ચલણના વિનિમય દરો બજાર દ્વારા નિશ્ચિત કરાશે. સદર યંત્રણા હેઠળ ભારતના આયાતકારો દ્વારા રુપીમાં થનારા પેમેન્ટસ ભાગીદાર દેશની સંબંધિત બેન્કના વોસ્ટ્રો ખાતામાં જમા થશે. આજ રીતે દેશના નિકાસકારોને જે તે ભાગીદાર દેશની સંબંધિત બેન્કના વોસ્ટ્રો ખાતામાં પડેલી બેલેન્સમાંથી નિકાસ પેટેના નાણાં મળી રહેશે.