દુબઈ બાદ હવે સિંગાપોરમાં પણ ભારતીયોને પ્રવાસની છૂટ

431

DIAMOND TIMES – ભારતમાં કોરોના મહામારી પર અંકુશ આવી જતા કેટલાક દેશોએ ભારતીયોને પ્રવેશ પર મુકેલા પ્રતિબંધ હટાવી લીધા છે.દુબઈ બાદ સિંગાપોરમાં પણ હવે ભારતિયોને પ્રવાસની છૂટ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.જેના પગલે હીરાના કારોબારમાં ગતિ આવવાની જાણકારો સંભાવનાઓ વ્યકત કરી રહ્યા છે.

સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોના મહામારી પર નિયંત્રણ આવી જતા સિંગાપોરમાં ભારત સહીત અન્ય દેશો પર મુકેલા પ્રતિબંધો દુર કરી તેઓને પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણય આજથી જ લાગુ પડી જશે. મંત્રાલયે ઉમેર્યુ કે યાત્રીઓએ PCR ટેસ્ટની સાથે નિયમિત પણે એન્ટિજન રેપિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે ઘણી ઓછી જાણકારી મળી હતી.જેના પગલે ભારત સહિત વધુ સંક્રમણ ધરાવતા ઓસ્ટ્રેલીયા,દારેસલામ,હોંગકોંગ,મકાઉ,ચીન અને ન્યુઝીલેન્ડ સહીતના દેશોના નાગરીકોને પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.પરંતુ હવે કોરોના પર કાબુ આવી જતા નિયમમા બદલાવ કરી પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે દુબઈએ પણ ભારતીયોને પ્રવાસની છૂટ આપી છે.

વિદેશ પ્રવાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધના કારણે નિકાસ આધારીત હીરા અને ઝવેરાત ઉદ્યોગને વૈશ્વિક તેજીનો ભરપુર લાભ લેવામાં અડચણ ઉભી થઈ હતી.ભારતના હીરા કારોબારીઓ રફ હીરાની ખરીદી માટે દુબઈ જતા હોય છે.પરંતુ દુબઈમાં પ્રવેશ પર પ્રતિબંધના પગલે રફ હીરાની ખરીદી અટકી ગઈ હતી.વર્તમાન સમયે વિદેશમાં પોલિશ્ડ હીરા અને ઝેવરાતની ખુબ માંગ છે.તો બીજી તરફ રફ હીરાની શોર્ટેજની પણ મોટી સમસ્યા છે.આવી સ્થિતિ વચ્ચે વિદેશ પ્રવાસની છૂટ મળતા રફ હીરાની શોર્ટેજની સમસ્યામાં આંશિક રાહત મળવાની સંભાવના છે.આ ઉપરાંત આ નિર્ણયથી હીરા કારોબારને પણ ગતિ મળવાની જાણકારો અપેક્ષા રાખી રહ્યા છે.