કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં વધારો:ભારતીય અર્થતંત્ર ફૂલગુલાબી 2022માં જીડીપી 9.3% રહેશે

25
 • અગ્રણી 22 ભારતીય કંપનીનું મૂલ્યાંકન કરીને મૂડી’ઝનો દાવો
 • 12-18 મહિનામાં ભારતીય કંપનીઓના નફામાં વધારો થશે

  દેશમાં કોરોના મહામારી કાબૂમાં આવી રહી હોવાથી ભારતીય અર્થતંત્ર માટે પણ સારા સમાચારો આવી રહ્યા છે. રેટિંગ એજન્સી મૂડી’ઝે ગુરુવારે કહ્યું કે ભારતમાં ઓછા વ્યાજદરો અને ઊંચી ખરીદશક્તિ કોર્પોરેટ ક્ષેત્ર માટે પોઝિટિવ આઉટલુકના સંકેત આપી રહ્યા છે. આ સ્થિતિમાં માર્ચ 2022માં પૂરા થતાં નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 9.3% સુધી પહોંચશે, જ્યારે 2023માં આ આંકડો 7.9% રહેવાનું અનુમાન છે.

  આ ઉપરાંત ગ્રાહકોની મજબૂત માંગ અને કોમોડિટીની ઊંચી કિંમતોને પગલે ભારતીય કંપનીઓ આગામી 12થી 18 મહિનામાં પોતાના નફામાં મોટો વધારો હાંસલ કરી શકે છે. મૂડી’ઝે 22 ભારતીય કોર્પોરેટનું મૂલ્યાંકન કરીને આ રિપોર્ટ જાહેર કર્યો છે.

  મૂડી’ઝના મતે, ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધતા ખર્ચના કારણે સ્ટીલ અને સિમેન્ટની માંગ પણ વધી રહી છે, જેનાથી અર્થતંત્રને ટેકો મળશે. આ સાથે વધતી ખપતથી સ્થાનિક સ્તરે ઉત્પાદન કરતી કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે અને તેના થકી અનુકુળ ફન્ડિંગની સ્થિતિનું નિર્માણ થશે, જેથી અર્થતંત્રમાં રોકાણો વધશે. જોકે, સરકારી યોજનાઓના ખર્ચમાં મોડું થશે, ઊર્જાની અછત રહેશે, તો ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડશે. તેના કારણે કોમોડિટીની કિંમતો ઘટશે અને તેની અસર કંપનીઓના નફા પર પડશે.

  ભારતીય અર્થતંત્રમાં મજબૂત ઉછાળાનાં કારણો ગણાવતા મૂડી’ઝે નોંધ્યું છે કે ભારતે હાલ રેકોર્ડબ્રેક રસીકરણ કર્યું છે. ખાસ કરીને બીજી લહેર પછી ભારતમાં કોરોના રસીકરણે ગતિ પકડી છે. ભારતમાં આશરે 30% વસતીને બંને ડોઝ અપાઈ ગયા છે, જ્યારે 55% વસતીને ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે.

  આમ, ઝડપી રસીકરણને પગલે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં વધારો થયો છે. આ મુદ્દે ચેતવણી આપતા મૂડી’ઝે કહ્યું છે કે, જોકે ભારત સહિતના અનેક દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે, જે ફરી એક નવા લૉકડાઉન માટે મજબૂર કરશે તો આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ શકે છે. જો એવું થશે તો આગામી 12થી 18 મહિનામાં ભારતીય કંપનીઓનો નફો 15-20% ઘટી શકે છે.

  ઝડપી રસીકરણથી ભારતીય અર્થતંત્રમાં સુધારો
  ભારત ઝડપથી કોરોના રસીકરણ કરી રહ્યું છે જેના કારણે અર્થતંત્રને ફરી મજબૂતી મેળવવામાં મદદ મળી છે. મહામારી વખતે લગાવેલા પ્રતિબંધો હળવા થતાં જ ગ્રાહકોની માગ વધી છે, ખર્ચ વધ્યો છે તેમજ ઉત્પાદન વધ્યું છે. કોમોડિટીઝની ઊંચી કિંમતો સહિતનો આગામી 12થી 18 મહિનામાં અગ્રણી કંપનીઓના નફામાં વૃદ્ધિ નોંધાવશે. – શ્વેતા પાટોડિયા, મૂડી’ઝ એનાલિસ્ટ

  ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેતનાં મુખ્ય કારણો

  • ઝડપી રસીકરણથી વધેલું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારાથી સ્ટીલ-સિમેન્ટની વધતી માંગ
  • ગ્રાહકોની માંગમાં વધારાથી કંપનીઓમાં ઉત્સાહ
  • ઓછા વ્યાજદરોને પગલે રોકાણોમાં વધારો