DIAMOND TIMES – અર્થતંત્રમાં કોરોના પહેલાનું સ્તર હાંસલ કરવાનું બાકી
દેશના અર્થતંત્રના કેટલાક ક્ષેત્રો સારી કામગીરી દર્શાવી રહ્યા છે જ્યારે કેટલાક રિકવર થવા સંઘર્ષ કરી રહ્યા છે એમ જણાવી રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશના અર્થતંત્રનું વર્તમાન ચિત્ર મિશ્ર હોવાનો મત વ્યકત કર્યોે હતો. અંગ્રેજી મૂળાક્ષર વી-આકારની રિકવરીની વાતોને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે, એકદમ જ ઘટાડા બાદ થતો સુધારો હમેશા વી-આકારનો જ હોય છે અને દેશ સામે ખરો પડકાર ૮-૯ ટકાનો સ્થિર વિકાસ હાંસલ કરવા બાબતનો છે. ભારત ખરેખર જેની માટે હકદાર છે તે વિકાસ હાથ ધરવા તેણે ઘણું બધુ કરવાનું બાકી છે. રોજગાર વધે તે માટે અર્થ તંત્રમાં ૮-૯ ટકાનો વિકાસ દર જરૂરી છે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૮.૪૦ ટકા રહ્યો છે. આ વિકાસ દર અપેક્ષા પ્રમાણે રહ્યો છે, પરંતુ ગયા નાણાં વર્ષના આ ગાળાના નીચા સ્તરને કારણે આ દર જોવા મળ્યો છે. રોજગાર મોરચે રહેલા પડકારોને હાથ ધરવાની બાબતને અગ્રતા આપવી જોઈએ એમ રાજને મત વ્યકત કર્યો હતો. ઊંચી લોકસંખ્યાનો લાભ ત્યારે જ મળી રહે છે જ્યારે રોજગાર નિર્માણ થતા હોય.ભારતે કોરોના પહેલાના આર્થિક વિકાસ દરના સ્તરને હાંસલ કરવામાં સફળતા મેળવી છે ખરી પરંતુ વિકાસના ટ્રેન્ડનું સ્તર ફરી પાછું મેળવવાનો લક્ષ્ય જરૂરી છે, એમ એક મીડિયા મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું.