ગુડ ન્યુઝ : હીરાના ગ્રેડીંગ સર્ટીફીકેટ સાથે છેડછાડ અટકાવવા જીજેઇપીસીએ સખત નિયમો ઘડવા ડ્રાફ્ટ તૈયાર કર્યો

51

DIAMOND TIMES – ગ્રેડીંગ સર્ટીફીકેટ સાથે છેડછાડ અટકાવવા,ડુપ્લીકેટ સર્ટીફીકીટ સાથે થતા હીરાના વેંચાણ પર રોક લગાવવા તેમજ વૈશ્વિક હીરા ઉદ્યોગમા વિશ્વાસનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે હીરા ઉદ્યોગની વિવિધ અગ્રણી સંસ્થાઓ,વિવિધ જેમોલોજીકલ લેબોરેટરી સહીત સહુના સહયોગથી જીજેઇપીસી દ્વારા કવાયત હાથ ધરી ખાસ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાના અખબારી અહેવાલ છે. હીરાના નકલી પ્રમાણપત્રો દ્વરા હલકી ગુણવત્તાના હીરા પધરાવી દઈને થતી છેતરપીંડીના દુષણને સખ્તાઈથી ડામી દેવા જીજેઇપીસીએ સખત નિયમો ઘડવા એક ડ્રાફ્ટ તૈયાર કરી તેનો હીરા ઉદ્યોગમાં કડક રીતે અમલ કરવા કમર કસી છે.

અખબારી અહેવાલ મુજબ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.જેમા હીરાના કારોબારમાં નૈતિક આચરણને ફરજિયાત બનાવવા અંગેના કડક નિયમો ઘડવા,તેનો સખ્તાઈથી અમલ કરવા તેમજ કારોબારમાં ગેરવર્તન કરનારાઓને સખત સજા કરવાની સત્તા આપવાની આ ડ્રાફ્ટમાં જોગવાઈ કરવામાં આવી છે.

એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં પ્રતિભાવ આપતા GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રેએ કહ્યુ કે આ બાબત હાલમાં પરામર્શના તબક્કે છે.અને તે આવતા મહિને તે અમલમાં આવી શકે છે.તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં ભારત ડાયમંડ બુર્સ (BDB), સુરત ડાયમંડ બુર્સ (SDB),મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશન (MDMA), જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અમેરીકા(GIA),ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ(IGI),એચઆરડી એન્ટવર્પ , જેમોલોજીકલ સાયન્સ ઈન્ટરનેશનલ (GSI)અને જેમોલોજિકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા(GII) સહીતની સભ્ય સંસ્થાઓનો સહયોગ લઈ નવા નિયમો ઘડવા એક સમિતિની સ્થાપના કરવામાં આવનાર છે . નિયમો અનુસાર ગ્રેડિંગ લેબ.દ્વારા ચકાસાયેલા દરેક હીરાને પ્રમાણપત્ર આપ્યા બાદ એક અનન્ય ઓળખ નંબર અને અનુરૂપ લેસર માર્ક આપવા અને તેને ઑનલાઇન જોઇ શકાય તે રીતે સરળ કરવાની અને ગ્રાહક (KYC) દસ્તાવેજોના રેકોર્ડ જાળવવાની જરૂર છે.

અહેવાલ મુજબ આ ડ્રાફ્ટને BDB અને GJEPCના બોર્ડે મંજૂરી આપી દીધી છે.હવે આગામી તારીખ 16 નવેમ્બર પહેલા ડ્રાફ્ટ પર ચર્ચા બાદ તેના પ્રતિસાદના આધારે આગામી 1 ડિસેમ્બર સુધીમાં અમલી કરણ થવાની અપેક્ષા છે.ગત ઓગસ્ટ મહીનામાં સુરત પોલીસે હીરાના નકલી પ્રમાણપત્રોનું કૌભાંડ ઉજાગર કર્યુ હતુ.જેમાં કેટલાક ચીટરોએ નકલી પ્રમાણપત્રોને આધારે હલકી-ગુણવત્તાના હીરા વેચ્યા હતા.