હીરા ઉદ્યોગમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવી આ મહીલાએ રચ્યો ઇતિહાસ

29

DIAMOND TIMES – ઓસ્ટ્રેલિયાની રફ હીરાની કંપની રિયોટીન્ટોએ તેની માલીકીની કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝ માં આવેલી ડાયવિક ડાયમંડ ખાણના ચીફ ઓપરેટિંગ પ્રેસિડેન્ટ તરીકે એન્જેલા બિગ નામના એક મહીલાની નિમણૂંક કરી ઇતિહાસ રચ્યો છે.કેનેડાના દુર્ગમ વિસ્તારમાં આવેલી ડાયવિક હીરાની ખાણમાં કામ કરતા 1100 જેટલા કર્મચારી ઓનું નેતૃત્વ કરનાર એન્જેલા બિગ પ્રથમ મહિલા બન્યા છે.આ સફળતા પ્રાપ્ત કરી એન્જેલા બિગએ પુન: પ્રસ્થાપિત કરી દીધુ છે કે કે સ્ત્રી માત્ર પુરૂષ સમોવડી જ નહી,પરંતુ તેનાથી એક કદમ આગળ છે.

સંરક્ષણ,અવકાશ અભિયાન,પાયલોટ એન્જીનયરીંગ સહીત દરેક ક્ષેત્રમાં મહીલાઓએ પોતાની કાબેલિયત પુરવાર કરી દીધી છે.પરંતુ રફ હીરાના ખાણકામનું પુરુષ પ્રધાન કાર્યક્ષેત્ર મહીલાઓ માટે વણખેડાયેલુ હતુ.પરંતુ હવે આ ક્ષેત્રમાં પણ ઓસ્ટ્રેલિયાની એન્જેલા બિગ નામના મહીલાએ ઉચ્ચ હોદ્દાની જવાબદારી સંભાળી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

વર્ષ 2005માં પ્રથમ વખત એન્જેલા બિગએ રિયોટિન્ટો સાથે જોડાઈને હીરા ઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આગવી કુશળતા અને કર્મનિષ્ઠાને કારણે તેણીએ ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી.નવેમ્બર 2017માં એન્જેલા બિગને ડાયવિક ખાણના ફાયનાન્સ પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી.તેનાથી એક ડગલુ આગળ વધીને તેણીને ડાયવિક  ખાણના ચીફ ઓપરેટિંગ પ્રેસિડેન્ટ તરીકેની ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

રીયોટીન્ટો મિનરલ્સના ચીફ એક્ઝિક્યુટિવ સિનેડ કૌફમેને મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે એન્જેલાને હીરાના ખાણ કામની ઊંડી જાણકારી છે.તેણીએ સ્થાનિક સમુદાયના લોકો સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવ્યા છે. મને એ વાતનું ગૌરવ છે કે ડાયવિક ખાણાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી એન્જેલા બિગએ નવી ઉંચાઈ હાંસિલ કરી છે.

સિનેડ કૌફમેને ઉમેર્યુ કે અમો સ્થાનિક સમુદાયના લોકો અને સરકાર સાથે સકારાત્મક સબંધો વધારવામાં તેમજ જવાબ દારી પૂર્વક ખનન કરેલા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કેનેડિયન હીરા અમારા ગ્રાહકોને સપ્લાય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નું ચાલુ રાખીએ છીએ.

કર્મચારીઓનો સમર્પણ ભાવ અને મહેનત થકી જ પ્રગતિ સંભવ છે : એન્જેલા બિગ

એન્જેલા બિગએ પોતાના પ્રતિભાવમાં કહ્યુ કે ડાયાવિક ડાયમંડ માઈનનું નેતૃત્વ કરવાની તક મળી એ મારૂ અહોભાગ્ય છે.આ વિશેષાધિકારની મદદથી અમારી ટીમમાં સામેલ મહેનતુ કર્મચારીઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખીશ.કર્મચારીઓ ના યોગદાનને બિરદાવતા તેણીએ ઉમેર્યુ કે  કર્મચારીઓનો સમર્પણ ભાવ, મહેનત અને પ્રયત્નો થકી જ ડાયાવિક ખાણે વિશ્વની અગ્રીમ કક્ષાની ખાણોમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.