હોલમાર્ક સેન્ટરો માટે કાયદાના ફરજીયાત અમલની સમય મર્યાદામાં વધારો

603

DIAMOND TIMES-સોનાના દાગીનામાં ફરજીયાત હોલમાર્કના કાયદામાં સરકારે આંશિક રાહત આપી 31 ઓગસ્ટ સુધી દંડ સહીતની આકરી કાર્યવાહી નહી કરવાની જાહેરાત કરી છે.હોલમાર્ક કાયદાની જોગવાઈ મુજબ હોલમાર્ક કરાવવા માટે દાગીના આવે તેની વજન સહીતની તમામ માહિતીની ઓનલાઈન નોંધ બીઆઈએસ કચેરીને મોકલવાનું ફરજીયાત છે.જવેલર્સોને પણ તે લાગુ પડે છે પરંતુ આ મામલે જ્વેલર્સને 31 ઓગસ્ટ સુધી છુટછાટ આપવામાં આવી છે.પરંતુ હોલમાર્ક સેન્ટરોને 21 જુન-2021 અને સોમવારથી આ પ્રક્રિયાનો અમલ કરી એચયુઆઈડી સોફટવેરથી દાગીનાની માહિતી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.જો કે હોલમાર્ક સેન્ટર સંચાલકોએ આ માટે તૈયાર નહી હોવાના કારણે તાબડતોબ દેશભરના હોલમાર્ક સેન્ટર સંચાલકોએ રાષ્ટ્રીય સ્તરનાં એસોસિયેશનની રચના કરી યોગ્ય રજુઆત કરતા હવે તેને આગામી 1 જુલાઈ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

આ કાયદાકીય પ્રક્રિયાના અમલ માટે સંચાલકો અને સ્ટાફને તાલીમબદ્ધ કરવા વધુ સમયની જરૂર છે : વિવેક સોજીત્રા

સુરતમાં હોલમાર્ક સેન્ટર ધરાવતાં વિવેકભાઈ સોજીત્રાએ કહ્યુ કે હોલમાર્ક માટે આવતા દાગીનાં સંબંધી ઓનલાઈન માહિતી આપવાની કાયદામાં જોગવાઈ છે.પરંતુ એચયુઆઈડી સોફટવેર મારફત 21 જુનથી જ અમલ કરવામાં અનેક તકલીફો હતી.બીઆઈએસ દ્વારા હોલમાર્ક સેન્ટર સંચાલકોને આ પ્રક્રિયા માટે પુરતી માહીતી કે નિયત ફોર્મેટ પણ આપ્યુ નથી.વળી આ કાયદાકીય પ્રક્રિયાનો અમલ કરવા માટે સંચાલકો અને સ્ટાફને તાલીમબદ્ધ કરવા પડે તેમ છે. આ ઉપરાંત તેમાં પડનારી મુશ્કેલીઓ સંબંધી વાંધા-સુચનોનું પણ નિરાકરણ લાવવુ પડે તેમ છે.બીજી તરફ તેના અમલ માટે માત્ર બે દિવસનો જ સમય આપવામાં આવ્યો હતો.આટલા ટૂંકા ગાળામાં આ પ્રક્રિયા શીખવી મુશ્કેલ હોવાથી ભુલ પડવાની ભીતી હતી. જેથી 21 મી જુનથી જ આ પ્રક્રિયા શરૂ કરી દેવાના આદેશ સામે દેશભરનાં હોલમાર્ક સેન્ટર સંચાલકો સંગઠીત થયા હતા અને હોલમાર્ક ફેડરેશન ઓફ ઈન્ડીયાની તાબડતોબ સ્થાપના કરી હતી. આ નવરચિત સંગઠને આ મુદ્દે સરકારમાં અસરકારક રજુઆત કરતા હવે તેના અમલ માટે આગામી 1 જુલાઈ 2021 સુધીનો સમય નિર્ધારીત કર્યો છે.