દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાંથી જપ્ત કરાયેલા નાના કારખાનેદારોના હીરા સુરત ચેમ્બરની રજૂઆતને પગલે આવકવેરા વિભાગ મુકત કરશે

ડાયમંડ ટાઈમ્સ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાએ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી તેમજ ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય નાનુભાઇ વાનાણી,સુરત ડાયમંડ એસોસીએશનના ઉપપ્રમુખ સવજી ભરોડીયા, સેક્રેટરી દામજી માવાણી, ખજાનચી મોહન વેકરીયા, જોઇન્ટ સેક્રેટરી જગદીશ ખૂંટ અને ભૂતપૂર્વ પ્રમુખ બી.એન. ધારૂકા સાથે મળીને સુરત આવકવેરા વિભાગના ચીફ કમિશનર શ્યામ કુમાર (IRS) અને પ્રિન્સીપલ ડાયરેકટર ઓફ ઇન્કમ ટેકસ ઇન્વેસ્ટીગેશન જયંત કુમારની રૂબરૂ મુલાકાત લઇ સુરત આવકવેરા વિભાગ દ્વારા વરાછાની ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાંથી જપ્ત કરેલા ૧૦ લાખ નંગ હીરા કે જે નાના કારખાનેદારોએ જોબવર્ક માટે કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશને જોબ વર્ક માટે આપેલા હતા તેને લીગલ ડોકયુમેન્ટ ચકાસીને મુકત કરવા અસરકારક રીતે રજૂઆત કરી હતી.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ આયકર વિભાગના અધિકારીઓ સમક્ષ રજુઆત કરતા કહ્યુ કે કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનથી ઇન્કમ ટેકસના નિયમોના પાલન અંગે કોઇ ક્ષતિઓ રહી ગઇ હોય તો એવા સંજોગોમાં સુરત આવકવેરા વિભાગ દ્વારા આ કંપની સામે જે કોઇપણ કાયદેસરની કાર્યવાહી થતી હોય તેમજ જે કાર્યવાહી થવા યોગ્ય હોય તેની સામે ચેમ્બર અને સુરત ડાયમંડ એસોસીએશનને કોઇ વાંધો નથી.પરંતુ તેમની સાથે જોડાયેલા નાના કારખાનેદારોના હીરા કે જે મેમો દ્વારા ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનને આપવામાં આવ્યા હતા,જે હીરા આ કંપનીની માલિકીના જ નહી પરંતુ નાના કારખાનેદારો કે કારોબારીઓના છે તેને તાત્કાલિક ધોરણે મુકત કરવામાં આવે.જો આ હીરા નહીં છોડવામાં આવે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અઢીથી ત્રણ લાખ રત્નકલાકારો બેરોજગાર થઇ જશે.સાથે જ અઠવાડિયામાં ૮૧૮ જેટલી ડાયમંડ ફેકટરીઓ બંધ થવાની ભીતિ રહેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯માં લોકડાઉનને કારણે પાંચ મહિનાઓ સુધી રત્નકલાકારો બેકાર રહયા હતા. હાલમાં હીરા ઉદ્યોગ ધીરે ધીરે પાટા ઉપર આવી રહયો છે અને તેને કારણે રત્નકલાકારોને રોજગાર મળી રહયો છે. એવા સંજોગોમાં કોઇકની ટેકનીકલ ક્ષતિને કારણે આ રત્નકલાકારોની રોજીરોટી નહીં છીનવાય તેની જવાબદારી આપણા સૌની છે. સુરત આવકવેરા વિભાગ દ્વારા કાયદેસર જે પગલા શકય થતા હોય તેને ધ્યાને લઇ અન્ય હીરા ઉદ્યોગકારોના હીરા જે મેમો ઉપર ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનને આપેલા હતા તે તમામ હીરાને લીગલ ડોકયુમેન્ટ્‌સ ચકાસીને મુકત કરવા વિનંતી કરી હતી.

ચેમ્બર અને સુરત ડાયમંડ એસોસીએશનના હોદ્દેદારો તથા હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે સુરત આવકવેરા વિભાગના ચીફ કમિશનર શ્યામ કુમારે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. શ્યામ કુમારે જણાવ્યું હતું કે, હીરાના જે કારખાનેદારોએ આ ડાયમંડ કંપનીને જોબવર્ક માટે હીરા આપેલા હતા તેઓ લીગલ ડોકયુમેન્ટ સુરત આવકવેરા વિભાગને બતાવશે તો વિભાગ દ્વારા તેમની માલિકીના હીરા મુકત કરી તેમને આપી દેવામાં આવશે.