ઇમાનદારીની મશાલ પ્રજવલિત રાખતો બનાવ : રૂપિયા સાત લાખના ખોવાયેલા હીરા મુળ માલિકને પરત કર્યા

DIAMOND TIMES : વર્તમાન સમયમાં પણ માનવતા હજુ જીવે છે આ વાતાની સાક્ષી પુરતા કિસ્સા અવાર નવાર આપણી નજર સમક્ષ આવે છે. આવો જ એક કિસ્સો વરાછા મીનીબજાર ખાતે બન્યો છે. કાપોદ્રામાં સાગર સોસયટીમાં રહેતા અને હીરા મેન્યુફેકચરીંગનું કામ કરતા કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી (મુળગામ રામપર, તાલુકો વલ્લભીપુર)નું ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ રૂપિયા સાત લાખની કિંમતના હીરાનું પેકેટ ક્યાંક પડી ગયુ હતું.

જેનો તેમને ખ્યાલ પણ ન હતો.હીરાના કારોબાર સાથે સંકળાયેલા કલ્પેશભાઈને તો મનમા એમ જ હતુ કે આ હીરાનું પેકેટ તેમણે સેઈફમાં જ મુક્યુ છે. ત્યારબાદ તેઓ દશ દીવસ પછી એટલે કે તારીખ 26 ડીસેમ્બરના રોજ પ્રિન્સેસ પ્લાઝા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં હીરાનું પેકેટ લેવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે એમનું હિરાનું પેકેટ ક્યાંકપડી ગયેલ છે.

બીજી તરફ કલ્પેશભાઈનું ખોવાઈ ગયેલુ રૂપિયા સાત લાખની કિંમતનું હીરાનું પેકેટ તારીખ 17 ડીસેમ્બરના રોજ ટેક્ષટાઈલ ઉદ્યોગમાં કામ કરતાં અને યોગીચોકની તીરૂપતિ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ સખીયા (મુળ ગામ ડોડીયાળા તા. જસદણ જી. રાજકોટ) તેમજ તીરૂપતિ સોસાયટીમાં જ રહેતા તેમના મિત્ર જગદિશભાઈ સુખડિયાને મળ્યુ હતુ.

પ્રિન્સેસ પ્લાઝા સ્થિત સેઈફમાં લોકર ધરાવતા ધર્મેશભાઈ સખીયા તથા તેમના મિત્ર જગદિશભાઈ સુખડિયા તારીખ 17 ડીસેમ્બરના રોજ જ્યારે પ્રિન્સેસ પ્લાઝા સ્થિત સેઈફમાં કોઇ કામસર ગયા ત્યારે તેઓને આ હીરાનું પેકેટ મળ્યુ હતુ. બંને મિત્રોએ ઇમાનદારી દાખવી આ હીરાનું પેકેટ જેમનું હોય તેઓ સાબિતી આપી લઈ જાય એવી નોટીસ પણ મીની બજારમાં લગાવી હતી. દરમિયાન ગત તારીખ 26 ડીસેમ્બરના રોજ જ્યારે કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી સેફમાં ગયા ત્યારે ખબર પડી કે સેઈફમાં હિરાનું પેકેટ નથી અને ક્યાંક ખોવાઈ ગયુ છે.જેથી તેમણે જાહેર નોટીસના આધારે ધર્મેશભાઈ સખીયા અને મિત્ર જગદિશભાઈ સુખડિયાનો સંપર્ક કર્યો હતો.

બીજી તરફ આ હીરાનું પેકેટ કલ્પેશભાઈની માલીકીની હોવાની સાબિતિ મળતા જ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા,પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ છોડવડી, ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ ખુંટ, મંત્રી દામજીભાઈ માવાણી, સહમંત્રીશ્રી ભુપતભાઈ કનાળા, ખજાનચીશ્રી મોહનભાઈ વેકરીયા તેમજ વિનુભાઈ કોટડા, ભરતભાઈ અવૈયાની હાજરીમાં આજ રોજ આ પેકેટ ધર્મેશભાઈ સખીયા તથા જગદિશભાઈ સુખડિયાએ તેમના મુળ માલિક કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી ને પરત કરી ઇમાનદારીની મિશાલને પ્રજવલિત રાખી હતી.