DIAMOND TIMES -બ્રાન્ડ સુરતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા તેમજ સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન(SJMA)દ્વારા સરસાણા ખાતે આયોજીત ત્રિદીવસીય B2B જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો (GJMS)નો કાપડમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા,જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયા સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા,કપ્પુ જેમ્સના દીયાળભાઈ વાઘાણી સહીતના અનેક મહેમાનો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઉલ્લેખનિય છે કે આ એક્ઝિબિશનમાં સુરતની 77 જ્વેલરી ઉત્પાદક કંપની તથા મુંબઈના 28 મશીનરીના ઉત્પાદકો ભાગ લઈ રહ્યાં છે.આ એક્ઝિબિશનમાં ઉભરતા જ્વેલરી ડીઝાઇનર્સને પ્લેટફોર્મ આપવાનો પણ પ્રયાસ થનાર છે. ત્રિદીવસ આ પ્રદર્શનમાં હોંગકોંગ,લંડન,અમેરીકા, દિલ્હી ,મુંબઈ, અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, કલકત્તા, હેદ્રાબાદ , જયપુર સહિત દેશ-વિદેશના 8 હજારથી પણ અધિક કારોબારીઓ મુલાકાત લે તેવી સંભાવનાઓ છે.
જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો ના ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનોને આવકારતા SJMAના પ્રમુખ જંયતિભાઈ સાવલિયાએ આ આયોજનમાં દરેક સહભાગીઓનો આભાર વ્યકત કરતા તેમણે કહ્યુ કે સુરતની હવે જ્વેલરી મેન્યુફેચરિંગ સિટી તરીકે પણ ગણના થશે.વર્તમાન સમયમાં સુરતમાં 450 જેટલી જ્વેલરી કંપનીઓ કાર્યરત છે. મોટા ભાગની કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 1 કરોડથી લઈને 3000 કરોડ સુધીનું છે.70 જેટલી કંપનીઓ તો પાછલા 6 મહિનામાં જ કાર્યરત થઈ છે.બે વર્ષમાં જ્વેલર્સનું ટર્ન ઓવર બમણું થયું છે.હજુ પણ સુરતમાં ઘણી નવી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સ્થપાઈ રહી છે.બુર્સ કાર્યરત થતાં કંપનીઓનો આંક ઝડપથી વધે તેવી આશા છે.
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયાએ કહ્યુ કે કહ્યુ કે હીરા વેલ્યુએડીશન ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ ચરણ અમે સફળતા પુર્વક પુર્ણ કર્યુ છે.નાનુભાઈ વાનાણી એ ઇચ્છાપોર ખાતે 85 હજાર સ્કવેર યાર્ડ વિસ્તારમાં નિર્માણ થનાર વિશ્વના સહુથી મોટા જ્વેલરી મોલ અંગે માહીતી આપતા આગામી 5 ડીસેમ્બરના રોજ સ્થળ વિઝીટ માટે પધારવા આમંત્રણ પાઠવ્યુ હતુ.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે કહ્યુ કે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં જોડાયેલા નવયુવાનોના જુસ્સા અને સાહસિકતા ના કારણે આ સેક્ટરને ગતિ મળી છે.તેમણે હીરા ઉદ્યોગકારોની એકતાને બિરદાવતા કહ્યુ કે જ્યારે પણ ઉદ્યોગમાં કોઇ સમસ્યા આવી છે ત્યારે તેના ઉકેલ માટે ઉદ્યોગકારો એકતા દાખવી અસરકારક રીતે રજુઆત કરી છે.જે હીરા ઉદ્યોગની મુખ્ય તાકાત છે.કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર પિયુષભાઈ ગોયલે પણ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા કહ્યુ કે સુરત વિશ્વની સહુથી તેજ ગતિએ આગળ વધતુ શહેર છે.જે હવે આગામી સમયમાં જ્વેલરી સીટી તરીકે પણ વિખ્યાત થવાની ક્ષમતા ધરાવે છે.