DIAMOND TIMES : જીજેઈપીસી દ્વારા પ્રાયોજીત પાંચ દીવસીય IIJS સિગ્નેચર પ્રદર્શનનો આજરોજ તારીખ 5 જાન્યુઆરીથી બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (નેસ્કો) મુંબઈ ધમાકેદાર પ્રારંભ થયો છે. સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટમાં આયોજીત થતા IIJS પ્રીમિયર જેટલું જ IIJS સિગ્નેચર પ્રદર્શન વિશાળ હશે. આ ઉપરાંત સિગ્નેચરને ચાર દીવસના બદલે વધુ એક દીવસ લંબાવી પાંચ દીવસનો સમયગાળો કરવામાં આવ્યો છે. જેથી મુલાકાતીઓ અને એકઝીબીટર્સને સમગ્ર શો ફ્લોરને આવરી લેવા માટે મુશ્કેલી ન પડે. IIJS સિગ્નેચરમાં 2400 થી પણ વધુ બૂથમાં 1300થી વધુ ઉદ્યોગકારો પોતાના ઉત્ક્રુષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં સુરતની 80 જ્વેલરી કંપનીઓ, સમગ્ર ભારતની 1169 જ્વેલર્સો, 86 મશીનરી ઉત્પાદકો, ગુજરાતમાંથી 147 જ્વેલર્સ અને 17 મશીનરી ઉત્પાદકોએ ભાગ લીધો છે.
IIJSની મહત્તાને ધ્યાનમાં રાખી જીજેઈપીસીની ટીમ દ્વારા આક્રમક કેમ્પેઈન
ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે IIJS સિગ્નેચર-2023 અત્યંત મહત્વપુર્ણ અને ઉદ્યોગની દશા અને દીશા નિર્ધારીત કરનાર પ્રાણ વાયુ સમાન પ્રદર્શન છે.IIJSની આ મહત્તાને ધ્યાનમાં રાખી જીજેઈપીસીની ટીમ દ્વારા વિશ્વના અનેક દેશોમાં તેના પ્રમોશન માટે રોડ -શો યોજવામાં આવ્યા હતા.GJEPC દ્વારા અત્યાર સુધીમાં નેપાળ, દુબઈ, સિંગાપોર, ઈટાલી અને મલેશિયામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અબુ ધાબી, બહેરીન બાંગ્લાદેશ, શારજાહ, સાઉદી અરેબિયા અને થાઈલેન્ડ જેવા અન્ય બજારોને આવરી લેવામાં આવ્યા હતા.
GJEPC એ 1લી નવેમ્બરના રોજ કાઠમંડુ, નેપાળમાં આયોજિત ડોર-ટુ-ડોર કેમ્પઈન દ્વારા IIJS સિગ્નેચર 2023 માટે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની નોંધણી શરૂ કરી હતી.GJEPC અધિકારીઓએ ફેડરેશન ઓફ નેપાળ ગોલ્ડ સિલ્વર જેમ એન્ડ જ્વેલરી એસોસિએશનને આમંત્રણ આપ્યું અને ચેરમેન સુરેશ માન શ્રેષ્ઠા, ઉપાધ્યક્ષ રામ પ્રસાદ બિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેઓએ ફેડરેશનના સભ્યોને IIJS સિગ્નેચર 2023 ની નવી વિશેષતાઓ વિશે જાણકારી આપી હતી.
દુબઈમાં, 8મી નવેમ્બરે ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (IGJS દુબઈ) ની બાજુમાં એક પ્રમોશનલ કેમ્પન યોજાઈ હતી,જે માત્ર આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે GJEPC દ્વારા ખાસ ક્યુરેટ કરવામાં આવ્યો હતો.દુબઈમાં આ રોડ શો માં 25 થી પણ અધિક દેશોમાંથી આવેલા 350 થી પણ વધુ ખરીદદારોએ હાજરી આપી હતી.
GJEPCની ટીમે મલેશિયામાં આંતરરાષ્ટ્રીય ડોર-ટુ-ડોર કેમ્પેન પણ યોજી હતી.આ અભિયાનને એ સમયે વેગ મળ્યો જ્યારે લિટલ ઈન્ડિયા જ્વેલર્સ – કોપાથા ગ્રૂપના અબ્દુલ રઝાક અને ઈબ્રાહિમ જાન્યુઆરી 2023 માં મુંબઈમાં આગામી શો ની મુલાકાત લેવા મલેશિયન જ્વેલર્સને આમંત્રણ આપવા કાઉન્સિલની ટીમમાં જોડાયા હતા.
IIJS સિગ્નેચર 2023 ડ્રાઇવિંગ ફેસ્ટિવલ માટે ઇન્વેન્ટરીને ફરીથી ભરવા માટે ઉત્તમ પ્લેટફોર્મ : એકઝીબિશનના કન્વીનર નીરવ ભણસાલી
IIJS સિગ્નેચર 2023 ના નવા અને સુધારેલા પાસાઓ વિશે બોલતા નેશનલ એકઝીબિશનના કન્વીનર નીરવ ભણસાલીએ જણાવ્યું હતું કે IIJS સિગ્નેચર આગામી જ્વેલરી-ડ્રાઇવિંગ ફેસ્ટિવલ માટે ઇન્વેન્ટરીને ફરીથી ભરવા માટે ઉત્તમ પ્રદર્શન છે. તેમણે કહ્યું કે ઉત્પાદન, એકઝીબીટર્સ, મુલાકાતીઓ અને શો એમ્બિયન્સના સંદર્ભમાં ગુણવત્તા પ્રદાન કરવા માટે કાઉન્સિલ ખંતપૂર્વક અને જુસ્સાપૂર્વક પ્રયત્ન કરી રહ્યું છે.1300 થી વધુ અરજદારોના ઉત્સાહી પ્રતિભાવે IIJS બ્રાન્ડમાં ઉદ્યોગનો વિશ્વાસ દર્શાવ્યો છે, જેણે IIJS સિગ્નેચર માટે અગાઉના તમામ સ્પેસ બુકિંગ રેકોર્ડ તોડ્યા છે.
IIJS સિગ્નેચરમાં આ વખતે એક વિશિષ્ટ લેબગ્રોન ડાયમંડ વિભાગ છે.
નીરવભાઈ ભણસાલીએ ઉમેર્યુ કે કાઉન્સિલે હંમેશા સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે.અને આ વખતે અમે એક વિશિષ્ટ લેબગ્રોન ડાયમંડ વિભાગની શરૂઆત કરીશું. આજથી પાંચ વર્ષ પહેલાની વાત કરીએ તો લેબગ્રોન હીરાથી ભારતના સમગ્ર ઉદ્યોગને ભારે નારાજગી હતી.આવા નારાજગી ભર્યા માહોલ વચ્ચે મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સમાં લેબગ્રોન હીરાને નો-એન્ટ્રી હતી.આ ઉપરાંત કુદરતી હીરા અને જ્વેલરીના એક્ઝિબિશનમાં પણ લેબગ્રોન હીરાને પ્રદર્શન કરવાની પરમિશન ન હતી.પરંતુ સમય જતા વૈશ્વિક હીરા ઉદ્યોગમાં ગજબનું પરિવર્તન આવ્યુ અને લેબગ્રોન હીરા લોકપ્રિય બન્યા.કમાઉ દીકરો સહુને વહાલો લાગે એ યુક્તિ મુજબ હવે લેબગ્રોન ડાયમંડ આપણા હીરા ઉદ્યોગનો આધાર બની ગયા છે.
ભારત સહીત વૈશ્વિક હીરા ઉદ્યોગને અનુરૂપ જીજેઈપીસીના સભ્યોની માંગને ધ્યાનમાં રાખીને IIJS સિગ્નેચર 2023 માં LGD હીરાના પ્રદર્શન માટે જીજેઈપીસી દ્વારા ખાસ અલગ વિભાગની જાહેરાત કરવામાં આવી છે.જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલે આ મુદ્દે પ્રતિભાવ આપતા કહ્યું કે સભ્યોની માંગના આધારે અમે આગામી IIJS સિગ્નેચર 2023 માં હોલ 1 માં લૂઝ સ્ટોન્સ વિભાગની બાજુમાં લેબગ્રોન હીરા માટે એક અલગ વિભાગ રાખવાનો નિર્ણય કર્યો છે.