દુબઈમાં આયોજીત B2B ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો એ જમાવ્યુ આકર્ષણ

28

70 ભારતિય કંપનીઓએ પ્રદર્શિત કરેલી પરંપરાગત અને વિવિધતા સભર જ્વેલરી નિહાળી 40 દેશોના બાયર્સ પ્રભાવિત

DIAMOND TIMES – જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત અને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) દ્વારા સહ-પ્રાયોજિત B2B ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો નો દુબઈ સ્થિત ગ્રાન્ડ હયાત હોટલ ખાતે 11 ઓક્ટોબરના રોજ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી પછી વિદેશની ધરતી પર પ્રથમ વખત ફીઝીકલ રીતે આયોજીત આ પ્રદર્શનમાં 70 ભારતીય કંપનીઓએ પ્લેન ગોલ્ડ જ્વેલરી,ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી તેમજ લુઝ હીરા,રત્નો સહીત વિવિધ પ્રકારની જ્વેલરી અને અન્ય ગુણવત્તા સભર ઉત્પાદનો પ્રદર્શિત કર્યા છે.ઉલ્લેખનિય છે કે 40 દેશોના 550 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ આ B2B જ્વેલરી પ્રદર્શનની મુલાકાત લીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ભારતનો જેમ એન્ડ જ્વેલરી સાથે ખુબ જુનો ઇતિહાસ રહ્યો છે,જે હવે સંસ્કૃતિનો એક આંતરિક ભાગ બની ચુક્યો છે. ભારતની કંપનીઓ દ્વારા નિર્મિત અને પ્રદર્શિત જ્વેલરી હસ્તકલાનો ઉત્તમ નમુનો છે.વાર્ષિક 40 અબજ ડોલરની નિકાસ સાથે ભારત હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં વૈશ્વિક મોખરાના સ્થાને છે.અમેરીકા અને યુરોપના દેશો,મધ્ય પૂર્વના દેશો, હોંગકોંગ અને ચીન મુખ્ય નિકાસ બજારો છે.જેમા કટ અને પોલિશ્ડ ડાયમંડ,ડાયમંડ સ્ટડેડ જ્વેલરી,પ્લેન ગોલ્ડ તેમજ સિલ્વર જ્વેલરી,રંગીન રત્ન જ્વેલરી વગેરે સહિતના વિશ્વ સ્તરીય ઉત્પાદનોની શ્રેણીની નિકાસ કરે છે.

યુએઈમાં ભારતના રાજદૂત પવન કપૂરે કહ્યું કે ભારત વૈશ્વિક રત્ન અને આભૂષણો ઉદ્યોગમાં 27 ટકા યોગદાન આપે છે . જેને વધારવા માટે વધુ તકો ઉભી કરવી જોઈએ.જ્વેલરી સેક્ટર ભારતીય અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે.આ ક્ષેત્રમાં ભારત સરકારે 100% FDI ને મંજૂરી આપી છે.જે ઉદ્યોગની પ્રગતિ માટે ખુબ નિર્ણાય સાબિત થશે.

GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યું કે દુબઈમાં ગ્રાન્ડ હયાત ખાતે IGJSને યોજવાની મંજૂરી આપવા બદલ અમો દુબઈ સરકારના આભારી છીએ.જ્વેલરીની વૈશ્વિક માંગને કારણે 2021માં ભારતીય રત્ન અને આભૂષણોની નિકાસને વેગ મળ્યો છે.અમે આશા રાખીએ છીએ કે વર્ષ સકારાત્મક રીતે સમાપ્ત થશે.

ભારતમાંથી થતી જ્વેલરી નિકાસમાં મધ્ય પૂર્વના દેશોનો આશરે 40 ટકા ફાળો રહ્યો છે.આ ઉપરાંત દુબઈ રશિયા, પૂર્વીય યુરોપ,અખાતી દેશો,ઉત્તર અને પૂર્વ આફ્રિકા જેવા સૌથી વ્યૂહાત્મક જ્વેલરી બજારો માટે જ્વેલરી ગેટવે છે. તહેવારોની સીઝનની શરૂઆતમાં IGJSએ ભારત,મધ્ય એશિયા,દક્ષિણ અને પૂર્વ એશિયા સહીતના દેશોના રિટેલરો , ઉત્પાદકોને પરસ્પર જોડાવાની એક મોટી તક આપી છે.