જ્ઞાનવત્સલ સ્વામીએ ઉદ્યોગ સાહસિકોને સંબોધતા કહ્યુ કે અત્યારની પેઢી એવું વિચારે છે કે હું જ્યાં અડું ત્યાં બધું તુરંત થવું જોઇએ.પરંતુ એ માત્ર મોબાઇલની ટચ સ્ક્રીન ઉપર જ થાય છે. રિયલ લાઇફમાં એવું થતું નથી.વ્યકિતને કરીયર તેમજ બિઝનેસના ગ્રોથ માટે સતત મહેનત કરવી જ પડે છે.બિઝનેસના પ્રમોશન માટે એક વખત નહીં પણ દસ વખત મળવું પડે છે.એના માટે રાત-દિવસ એક કરવા પડે છે.
DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં ‘પ્રતિકૂળતામાં સકારાત્મકતા’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો અને યુવા પેઢીને પ્રતિકૂળ વાતાવરણમાં પણ સકારાત્મક રહીને વેપાર-ધંધામાં પ્રગતિના પંથે આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે જીવનમાં જ્યારે પણ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે વિચારો સરળ રાખીને ક્રિયા,અભિગમ અને અભિવ્યકિતને સકારાત્મક રાખવી અત્યંત આવશ્યક છે.આપણે સકારાત્મક રહીશું ત્યારે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે અને સવારનો સૂર્ય નવી તક લઇને ઉગશે.જીવનમાં હંમેશા એવો અભિગમ રાખવો જોઇએ કે સમૃદ્ધતા જ વિચારવી જોઇએ, ગરીબાઇ નહીં.
વિચારો સકારાત્મક રાખવા આપણા હાથમાં છે.કારણ કે, ભગવાને આપણી સિસ્ટમમાં આ વ્યવસ્થા ગોઠવી જ છે. તણાવ સારા વિચારો આવવા ન દે પણ વિચારોની સ્થિરતા રાખો તો ચોકકસ માર્ગ નીકળે છે. દુનિયામાં કોઇ તાળું ચાવી વગરનું નથી. સમાધાનને શોધવામાં થોડી વાર લાગે છે અને એવા ફેઝમાંથી પસાર થવું પણ પડે છે. આ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. જટીલમાં જટીલ પ્રશ્નનું પણ સમાધાન છે.સમાધાન માટે તમે કેટલા પ્રયત્નશીલ છો તથા કુદરતના ન્યાય ઉપર કેટલો વિશ્વાસ રાખો છો તેના ઉપર પ્રશ્નનું સમાધાન નિર્ભર કરે છે.
તમારી પાસે ચોઇસ છે. જો તમે ડિસ્ટર્બ થશો તો તમારી સાથે પરિવાર અને બિઝનેસ બધું જ ડિસ્ટર્બ થશે.પરંતુ, જો વ્યકિત વ્યવસ્થિત હોય તો ડિસ્ટર્બ થયેલું કામ, કરીયર અને બિઝનેસ પણ ધીરે ધીરે વ્યવસ્થિત થઇ જાય છે.માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઇ જ જાય છે. આ બાબત તેમણે ખૂબ જ સુંદર ઉદાહરણ આપીને સમજાવી હતી.
સ્વામીએ પોઝીટીવિટીના બે અર્થ સમજાવ્યા હતા. પોઝીટીવિટી એટલે સકારાત્મકતા અને બીજો અર્થ એ થાય છે કે સફળતા ન મળે ત્યાં સુધી ધીરજ રાખી સતત પ્રયત્નશીલ રહેવું. જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષ આવે જ છે અને સફળતા માટે એ અત્યંત જરૂરી પણ છે. તેમણે સ્ટીફન કોવીના પુસ્તક વિશે પણ ચર્ચા કરી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરાય હતાશ થયા વગર સફળતા માટે ઝઝૂમેલા અને સફળ થયેલા મહાત્મા ગાંધી, પ્રમુખ સ્વામી અને શ્રીલંકન ક્રિકેટર મારવન અટપટ્ટુના પણ તેમણે દાખલા આપ્યા હતા.
જીવનમાં પ્રતિકૂળતા આવવાની જ છે પણ ક્રિયા ઉપર તેનો પ્રભાવ નહીં પડવો જોઇએ. જામતું નથી, ફાવતું નથી, ગમતું નથી કે આ મારું કામ નથી આ બધું જીવનમાંથી કાઢી નાંખવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે ૪પ વર્ષમાં એકલા હાથે ૧૩૦૦ સંસ્થાઓ ઉભી કરી. મહાત્મા ગાંધીજી દેશની આઝાદી માટે અંગ્રેજો સામે ઝઝૂમ્યા. આ બધા મહાપુરુષોના જીવનમાંથી પોઝીટીવિટી લેવાની છે અને સકારાત્મક વિચારો રોજ સાંભળતા રહેવું જોઇએ.
મોબાઇલ અને ટીવીની સાથે જેટલો સમય પસાર કરશો તેટલી વિચારોમાં નેગેટીવિટી આવવાની છે.સતત મોબાઇલ અને ટીવી જોવાને કારણે બાળકોમાં ફિયર ઓફ મિસિંગ આઉટના રોગ થઇ રહયા છે. ફેસબુક એડીકશન ડિસઓર્ડરથી યુવાનો પીડાઇ રહયા છે.એના કરતા સારા પુસ્તકો વાંચવા જોઇએ અને જીવનમાં સકારાત્મક રહીને આનંદથી જીવન વ્યતિત કરવું જોઇએ.તમે જે નકકી કર્યું છે તે મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહો.જીવનમાં પરીશ્રમ અને પુરુષાર્થ કરો.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું કે, પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ એડવાન્ટેજ લઇ શકાય છે. લોકોના વિરોધમાંથી પણ એડવાન્ટેજ લઇ શકાય છે પણ કોઇને નુકસાન ન થાય તે બાબતને ધ્યાને લઇને એડવાન્ટેજ લેવાનો છે. ભગવાન કયારેય પક્ષપાત નથી કરતા. તેઓ બધાને જ સતત મદદ કરવા માટે તૈયાર હોય છે. પણ વ્યકિત તરીકે તમારે નકકી કરવાનું છે કે સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવું છે.