‘B2B કેરેટ્સ’ને જોરદાર પ્રતિસાદ : 200 કરોડના કારોબારનો અંદાજ

B2B કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો – 2022 એક વિશ્વસનિય અને પ્રતિષ્ઠીત બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત, ઉત્સાહજનક પ્રતિસાદથી પ્રેરાઈ આગામી વર્ષે મોટા આયોજન થકી નવી ઉંચાઈને આપવા આયોજકો કટીબધ્ધ

नायाब हीरा बनाया है रब ने हर किसी को।
पर चमकता वही है, जो तराशने की हद से गुज़रता है।

DIAMOND TIMES : સુરત ડાયમંડ એસોસિયેશન 1988માં સ્થપાયેલી એક નોન-પ્રોફીટેબલ સંસ્થા છે. જે ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ કરે છે. SDA દ્વારા અનેક વિષયો પર પહેલ કરવામાં આવી છે. પણ તેનું મુખ્ય મિશન હીરા ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપી તેના ટકાઉ ભવિષ્યને સુનિશ્ચિત કરવાનું છે. નાના, મધ્યમ અને મોટા વેપારીઓ ડાયરેક્ટ ખરીદદારો (બાયર)ના સંપર્કમાં આવે તે માટે SDA દ્વારા લુઝ ડાયમંડનું B2B ” કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પો” નું આયોજન જુલાઈ-2018 માં પ્રથમ વખત અને બીજી વખત ઓગસ્ટ -2019 માં અવધ ઉટોપિયા સુરત ખાતે અને હાલમાં જ ત્રીજી વખત 15 થી 17 જુલાઈ અવધ ઉટોપિયા ખાતે કરવામાં આવ્યું હતુ. સુરતને હાઈલાઈટ કરવા અને ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાના વેપારના હબ તરીકેની સ્થિતિને પુનરાવર્તિત કરવા માટે આ વિચાર શરૂ થયો હતો. આયોજિત થયેલ ત્રણેય એક્ઝીબીશન ખુબ જ સફળ રહ્યાં છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં હીરાના વેપારને ખુબ સારો પ્રતિસાદ પણ સાંપડયો હતો.SDA દ્વારા આયોજિત B2B ‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો’ એ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડની શોધમાં હોય છે. ત્યારે કેરેટ્સ એકસ્પોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ એક્ઝીબીશનને ખુબ જ સારી સફળતા મળી રહી છે.

ત્રીજા એડિશનનું થયું આયોજન

વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ ઉટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.15થી 17 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પો’ પ્રદર્શનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય લૂઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ 116 જેટલા સ્ટોલ હતા.જેમાં નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન સહીતના સ્ટોલનો સમાવેશ કરાયો હતો. અગાઉના બે એકઝીબીશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન હતું. જયારે આ વર્ષે નેચરલ ડાયમંડ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચર્સ તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવ્યાં હતાં.

મુખ્ય આકર્ષણોમાં લૂઝ હીરા જેવા કે રોઝ કટ, પોલ્કી, ફેન્સી રંગીન હીરાનો સમાવેશ થાય છે. ફૂડકોર્ટની પણ ત્યાં વ્યવસ્થા કરાઈ હતી. આ એકઝીબિશનમાં 15,000 થી વધુ વિઝીટરે વિઝીટ કરી હતી. પ્રીમીયમ બાયર્સને અહીં SDA દ્વારા કોમ્પલીમેન્ટરી સ્ટે આપવામાં આવ્યો હતો. વધુમાં વેલે પાર્કિંગની સુવિધા પણ અહીં ઉભી કરવામાં આવી હતી. આ એકસ્પો’માં ગ્રીનલેબ (પાવર્ડ બાય ), ધરમ એક્ષ્પોર્ટ ઇન્ડિયા પ્રા.લી. (કો.સ્પોન્સર),GIA (લેબોરેટરી સ્પોન્સર) તેમજ આઈ.એમ.લોજીસ્ટીક (લોજીસ્ટીક પાર્ટનર) તરીકે જોડાયા હતાં.

સોશ્યલ મીડિયાના માધ્યમથી સુરત ડાયમંડ એસોસીએશનના ફેસબુક પેજ, વોટ્સએપ ગ્રુપ, વેબસાઈટ તેમજ ઓનલાઈન પ્રેસ મીડિયાના સોશ્યલ સાઈટ પર માર્કેટિંગ કરીને જોર- શોરથી પ્રચાર-પ્રસાર શરુ કર્યો હોવાથી દેશ-વિદેશથી બાયર્સએ એકસ્પોમાં સારી એવી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એક્સ્પો માટે અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે પણ માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.એટલું જ નહિ પણ ખૂબ થોડા જ સમયમાં બુથનું વેઈટિંગ શરુ થઇ ગયું હતું. ખાસ તો સુરત હવાઈ, માર્ગ અને રેલ્વે દ્વારા અન્ય મોટા ભારતીય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે તેનો પૂરો લાભ એકઝીબિશનને મળ્યો હતો.

એક્સ્પોની ફળશ્રુતિ અને આગામી આયોજન

ત્રણ દિવસીય આ એક્સ્પોમાં આ વખતે સૌથી વધારે 116 સ્ટોલનું આયોજન કરાયું હતું. જેમાં 15000 થી વધુ વિઝીટરોએ મુલાકાત લીધી હતી. ખાસ કરીને ભારતના અલગ અલગ રાજ્યમાંથી આવેલા ખરીદદારોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ એકસ્પોની ફળશ્રુતિ રૂપે ત્રણ દિવસમાં અંદાજીત 250 કરોડના ઓર્ડર વ્યાપારીઓને મળ્યા હતાં. જે આ એક્સ્પોની અકલ્પનીય સફળતા દર્શાવે છે. આ એક્સ્પોની બીજી ફળશ્રુતિ એ ગણી શકાય કે આ એકસ્પોને કારણે MSME ના નાના વેપારીઓને વૈશ્વિક સ્તરે બિઝનેસ વિસ્તરણની તક મળી. ત્રીજા એક્સ્પોની સફળતા જોતાં SDA દ્વારા જણાવવામાં આવ્યું કે આવતા વર્ષે આગામી એક્સ્પોમાં 300 જેટલા સ્ટોલના આયોજન કરવામાં આવશે.

ઉદ્દઘાટન સમારોહ

ત્રણ દિવસીય લુઝ ડાયમંડના બીટુબી એક્ઝિબીશન ‘કેરેટસ સુરત ડાયમંડ એક્સ્પો’ ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પુરષોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. એક્સ્પોના ઉદ્દઘાટનમાં દર્શનાબેન જરદોશ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.ઉપરાંત ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, પ્રવિણભાઇ ઘોઘારી, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, સુરત ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, ઉપપ્રમુખ જગદીશભાઇ ખુંટ, અગ્રણી ઉદ્યોગપતિઓ ગોવિંદભાઇ ધોળકિયા, મુકેશભાઇ પટેલ, સી.પી.વાનાણી, સીસીઆઇટીના કમિશ્નર કવિતા ભટ્ટનાગર સહિત હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ રહેલા અપ્રતિમ વિકાસથી સમગ્ર દુનિયા એ ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી છે. હાલ આયુર્વેદ, ડિઝાસ્ટર અને સોલાર એલાયન્સ જેવા મુખ્ય વિભાગોના કેન્દ્ર ભારતમાં છે. ત્યારે ડાયમંડ ક્ષેત્રને પણ આ સિધ્ધિ હાંસલ થાય તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમાં તેમણે કહ્યું હતું કે ડાયમંડનો વ્યાપાર એ ભરોસાથી ચાલતો વ્યવસાય છે.ત્યારે સુરતના તમામ ભરોસેમંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે.ડાયમંડ બુર્સની સુરક્ષા હેતુ ટૂંક સમયમાં ખજોદ ખાતે બિલ્ડિંગ નજીક ગુજરાતનું સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવાશે. તેમણે વધુમાં કહ્યું કે સુરતના ડાયમંડ વેપારીઓની અન્ય રાજ્યના વ્યાપારીઓ કે અસામાજિક તત્વો દ્વારા થતી છેતરપિંડીના કેસો અથવા નાણાકીય લેણદેણના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગનું હબ બન્યું છે.તેમજ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ગુજરાત રાજ્ય દેશમાં મોખરે રહ્યું છે.સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટનું માર્કેટ આપણી પાસે રહે તેવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્ષ્પો યોજાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રીયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે.લેબગ્રોન એક નવું સેકટર છે.જેમાં લોકોનું રોકાણ વધી રહ્યુ છે.પરિણામે આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ રોજગારીની નવી તકો ઉભી કરશે.

હાં માના કી મંજીલ આસાન નહીં…
પર કોયલે કી ખાણ છાને બીના
કબ હીરા મિલા હૈ….