ડીબિયર્સના આ પગલાની હીરા ઉદ્યોગમાં કેવી થશે અસર ? તમે જ નક્કી કરો

834

ડીબિયર્સએ બે કેરેટ સુધીના લેબગ્રોન હીરા તેમજ લેબગ્રોન હીરાની ઉચ્ચ ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ ફાઈનેસ્ટ કલેક્શન રેંજ પણ લોંચ કરી.

DIAMOND TIMES – અગ્રણી રફ ઉત્પાદક કંપની ડી બિયર્સએ પ્રથમ તો લેબગ્રોન હીરાનો સખત  વિરોધ કર્યા બાદ અચાનક જ સહુના આશ્ચર્ય વચ્ચે મે – 2018 માં એક નવી કંપનીની સ્થાપના કરી જ્વેલરી શોખિન ગ્રાહકો માટે લેબગ્રોન હીરા જડીત ઉચ્ચ ગુણવત્તાની ફેશન જ્વેલરી બ્રાન્ડ લાઈટ બોક્સ લોંચ કરી હતી.લાઈટ બોક્સ અંગે પ્રતિભાવ  આપતા ડીબિયર્સના તત્કાલિન સીઈઓ ક્લીવરે એ સમયે કહ્યુ હતુ કે ગ્રાહકોને લેબગ્રોન પ્રોડક્ટ ઓફર કરીને લેબ-વિકસિત ડાયમંડ સેક્ટરમાં લાઈટ બોક્સ બ્રાન્ડ એક મોટુ પરિવર્તન લાવશે. ઉલ્લેખનિય છે કે પોર્ટલેન્ડમાં ઓરેગોન નજીક પ્રતિ વર્ષે પાંચ લાખ કેરેટ લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી લેબની સ્થાપના માટે ડીબિયર્સ ગ્રુપે અત્યાર સુધી માં કુલ 94 મિલિયન અમેરીકી ડોલરનું રોકાણ કર્યુ છે.

લાઈટ બોક્સના લોંચીંગથી અત્યાર સુધી ડીબિયર્સ પ્રતિ કેરેટ 800 ડોલરની કીંમતના વધુમાં વધુ એક કેરેટ વજનના લેબગ્રોન હીરાનું જ ઉત્પાદન કરતી હતી.પરંતુ હવે ડીબિયર્સએ 2 કેરેટ સુધીના લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરીને સહુને ચોંકાવી દીધા છે. મહત્વની બાબત તો એ છે કે આગામી ઓક્ટોબર સુધીમાં કંપની અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગુલાબી,વાદળી અને સફેદ કલરના લેબગ્રોન હીરા પણ તેમના ગ્રાહકોને ઓફર્સ કરશે.એક કેરેટથી મોટા લેબગ્રોન હીરા ની કીંમત બાબતે કંપની અગાઉની પ્રતિ કેરેટ 800 ડોલરની કિંમતને અનુસરશે.એ મુજબ 1.5 કેરેટ હીરાની કિંમત 1,200 અને 2 કેરેટ હીરાની કીંમત 1,600 ડોલર રહેશે.ઉપરાંત આગામી વર્ષ 2022 ના પ્રારંભમાં લાઇટ બોક્સ તેના દાગીના માટે વિવિધ નવા ડાયમંડ કટ અને 14 કેરેટ સોનાનું સેટિંગ પણ ઉમેરશે.

ખાસ બાબત તો એ છે કે ડીબિયર્સએ ફાઈનેસ્ટ કલેક્શન હેઠળ લેબગ્રોન હીરાની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ રેન્જ લોંચ કરી છે.જેને લાઈટ બોક્સની કેમિકલ વરાળ ડિપોઝિશન (સીવીડી)ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. લાઈટ બોક્સની અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી D TO F સુધીના ઇચ્છીત રંગ અને વીવીએસ ક્વોલિટી ના લેબગ્રોન હીરાનું ઉત્પાદન મેળવી શકાય છે.આ ફાઈનેસ્ટ કલેક્શનમાં માત્ર એક કેરેટ વજનના સફેદ,વાદળી ,ગુલાબી રંગના લેબગ્રોન હીરાનો સમાવેશ થાય છે.જેની પ્રતિ કેરેટ કિંમત 1500 ડોલર નિર્ધારીત કરવામાં આવી છે.