બિઝનેસમેન કેવી રીતે વિચારે?

861

DIAMOND TIMES – કોરોનાકાળની ચાલુ સિરીઝ વચ્ચે ન્યુનોર્મલ લાઈફમાં,ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણને સાઇલન્ટ રિવોલ્યૂશન દેખાતું હોય તો એ નવાઈ નથી,પછી એ રિવોલ્યૂશન આપણી બિઝનેસ પ્રેક્ટિસ કે સ્ટ્રેટેજીમાં હોય, ટેક્નોલોજી ક્ષેત્રે હોય કે વૈચારિક હોય.જેનો સહજ સ્વીકાર કોઈપણ વ્યવસાયની પ્રગતિમાં બુસ્ટર તરીકે સાબિત થયો. એનાથી વિરુદ્ધ, ટ્રેડિશનલ પેટર્ન,સાહસિકતાનો અભાવ અને ભવિષ્યની ચેલેન્જના ડરથી જેવો જકડાઈ ગયા એમને બિઝનેસ સર્વાઇવલનો પ્રોબ્લમ થઇ ગયો.બંને પરિસ્થિતિ પછી એ હીરા, ટેક્સ્ટાઇલ, રિયલ એસ્ટેટ કે અન્ય ઉદ્યોગ હોય, બધાને લાગુ પડે.એક સમયે 2008ની કપરી મંદીમાં હીરાઉદ્યોગ માંથી કેટલાય વેપારીઓ ડાયવર્ટ થઈને અન્ય વ્યવસાય માં કાયમી ધોરણે માઈગ્રેટ થઇ ગયા હતા.અને તાજેતરમાં પ્રથમ લોકડાઉન પછી અવિરત કાર્યરત હિરા વ્યવસાય બીજા વ્યવસાયમાંથી ઘણા ધંધાર્થીઓએ નવું સ્ટાર્ટઅપ કર્યું એવું અનુમાન છે. જેમાં બંને પાસા છે,એક તો બિઝનેસમાં ફ્લે ક્સિબિલિટીના નિયમ પ્રમાણે સર્વાઇવલ અને ગ્રોથ માટે બદલાવ જરૂરી છે.તો બીજી બાજુ સ્ટેબિલિટીના નિયમ મુજબ દરેક વ્યવસાયમાં ચઢાવ-ઉતાર ચાલુ રહેવાના જ છે,એટલે ચાલુ, સ્થિર અને જૂનો વ્યવસાય છોડીને ફરીથી તદ્દન અલગ વ્યવસાયમાં નવી શરૂઆતનું સાહસ કરવું એ જોખમી પણ નીવડે.એટલે,એવા બિઝનેસમેન માટે નવા વ્યવસાય માં સફળતા કે નિષ્ફળતા મળવી એ એમના નક્કી કરેલા પરિમાણો અને નવા ધંધાના અગાઉથી કરેલા અભ્યાસ પર છે. જો ખુદને બિઝનેસમેન માનતા હોઈએ, તો કોઈપણ વ્યવસાયમાં હોવ, જ્યાં સુધી આપણું ગોલ, વિઝન અને મિશન સ્ટેટમેન્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી આપણામાં બિઝનેસમેનનું લક્ષણ નથી એમ સમજવું આજે ‘બિઝનેસમેન કેવી રીતે વિચારે?’ માં આપણો રોલ બિઝનેસમેન કે આંત્રપ્રિન્યોર તરીકે હોય ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઈએ એ સમજવાનો પ્રયાસ કરીએ.

ચેલેન્જ એટલે તક નું પ્રવેશદ્વાર

કશુંક કરવા માંગતા લોકોની સમક્ષ ચુનૌતીઓ, પછડાટ અને વિઘ્નો તો આવવાના અને આવવાના જ. એ અટલ સત્ય છે. એક સફળ બિઝનેસ મેન માટે આપણી આડે આવતા દરેક પરિબળોને ફરજીયાતપણે એક તક સ્વરૂપે જોવા પડશે. આપણી સામે ફેંકાતા દરેક પથ્થર નો ઉપયોગ કરીને ઉપર ચઢવું પડશે. બિઝનેસમાં આવતી દરેક બાધા કે થતી ભૂલમાં આપણે શીખવાની, વિકસવાની અને અનુભવની તક છે એમ સમજીને સ્વીકારવું પડશે.

કોમ્પિટિશન જરૂરી છે

આપણા કોમ્પિટિટરથી ક્યારેય ન ડરો,આપણે યુદ્ધ નથી કરવાનું-પ્રગતિ કરવાની છે.એટલે, આગળ વધવું છે તો માર્કેટમાં કોમ્પિટિશન છે જ અને રહેવાની જ છે એવું માની લેવું પડશે.દુનિયા સાક્ષી છે કે જયારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયાના ઘણા દેશોએ વ્યાપાર અને ઉદ્યોગ રાજ્ય હસ્તક રાખ્યા હતા.જેથી માર્કેટમાં કોમ્પિટિશન ન રહી અને પરિણામે આગળ વધવાની દરેક શક્યતા ઉપર પૂર્ણવિરામ આવી ગયું.ચેલેન્જ અને કોમ્પિટિશન ધંધાર્થીની નબળાઈ નથી,પ્રગતિ માટેનું પગથિયું છે.ઘણી વખત મનમાં ગ્રંથિ બંધાઈ જાય કે હું ખુબ જ સારું વિચારી શકું છું અને મારે અન્ય કોઈને સાંભળવાની જરૂર નથી તો એ વાત આપણી ભવિષ્યની શક્યતાઓને સીમિત કરી દે છે.કોમ્પિટિટરના વિચારો કે એના અનુભવનો અભ્યાસ કરવાથી નવું શું કરવું એ તો ખબર પડે જ છે,પણ શું ન કરવું એની પણ ખબર પડી જાય છે. જે આપણો સમય અને સ્ત્રોત બચાવી શકે છે.

સફળતા મેળવવા માટે અથાગ પ્રયત્ન તો કરવા જ પડે

સાચી દિશાના તમામ પ્રયત્નો અંતિમ લક્ષ્ય સુધી લઇ જ જાય છે, એ વાત પર વિશ્વાસ રાખો. સફળ બિઝનેસમેન નું એ લક્ષણ છે કે જયારે કોઈ લક્ષ્ય સિદ્ધ થઇ ગયું હોય ત્યારે એ વ્યક્તિ નવા લક્ષ્યની તૈયારી કરતી હોય છે. ઉપરાંત, લક્ષ્ય સિદ્ધ થતું ન જણાય તો પ્રયત્ન છોડવાને બદલે સમીકરણો બદલી, સ્ટ્રેટેજી બદલી અનુકૂળતા પ્રમાણે નવો રસ્તો શોધી લે છે. ધંધામાં સતત અપડેટ, માંગ અને સપ્લાયની પરખ, ગ્રાહકની જરૂરિયાત ને પકડવાની ઝડપ અને ગોલ અચિવમેન્ટ માટે પ્રયત્નો તો ચાલુ જ રાખવા પડે.

પરફેક્ટ બનવા માટે ફાંફા મારવા

પરફેક્શન જરૂરી છે પણ એનો વધુ પડતો આગ્રહ આપણને આગળ વધતા અટકાવે છે. નવી પ્રોડક્ટ, નવા ધંધાના સાહસ માટે વધુ પડતા પરફેક્શનના  વિચારો કરવા કરતા એનો અનુભવ વધારે પરફેક્ટ બનાવશે. પરફેક્શનને બિઝનેસ ની સફળતા અને એના ફાયદા સાથે એટલો ઘનિષ્ઠ સબંધ નથી કે જેટલો બતાવવામાં આવે છે. ઘણી વખત કોઈ વસ્તુને પરફેક્ટ બનાવવા પાછળ આપણે જે સમય પસાર કરીએ છીએ, એ અંતે તો સમય બગાડવા બરોબર જ છે. એટલે એક આદર્શ તરીકે પરફેક્શન સારી બાબત છે પરંતુ ધંધામાં કેટલીકવાર સાહસ, પ્રયત્ન કે ભુલની તૈયારી પ્રગતિમાં સહાયરૂપ થાય છે.

ટીપે ટીપે સરોવર ભરાય

મોટા ભાગના નિષ્ફળ ધંધાર્થીઓ, યંગ આંત્રપ્રિન્યોર કે સ્ટાર્ટઅપ કરનારા ધંધાના નિર્ણયમાં થાપ ખાઈ જાય છે કારણકે તેઓ બીજાની દેખાતી જાહોજલાલી કે ધંધાની પ્રગતિથી અંજાઈ ગયા હોય છે. પરંતુ એના મુળમાં ડોકિયું કરીને નથી જોયું હોતું કે એની શરૂઆત કઈ રીતે અને કેટલાથી કરી હતી? દુનિયામાં આકાર પામેલી દરેક વસ્તુ અત્યારે જે સ્વરૂપે છે એ એનું પ્રારંભિક સ્વરૂપ નથી. નાની વસ્તુઓ જોડાતી ગઈ અને અંતે એક સુંદર આકૃતિ આપણી સમક્ષ આવી. આ વાતને સ્વીકારી લઈએ તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય. આપણે નવા ધંધામાં પ્રવેશ કરીએ અને પહેલા દિવસથી જ વાહવાહી મળે એ ક્યારેય શક્ય નથી. સીધેસીધા દસ પગથિયાં ચડી શકાતા નથી. અને એટલી આપણી ક્ષમતા પણ નથી હોતી. ગુગલ, એપલ કે એમેઝોન નાં આજે દેખાતા જાયન્ટ હેડક્વાર્ટર્સ એક નાની ઓરડીમાં શરુ થયા હતા. આજે 2130 કરોડની કેપિટલ ધરાવતી ઇન્ફોસિસ કંપની ફક્ત 10000 રૂ. મૂડીથી શરુ થઇ હતી. એટલે, જરૂર છે ધંધા પ્રત્યે સમર્પણ, લગાવ અને વિઝનની, નહિ કે તમે કેટલી જગ્યામાં કે કેટલા ટર્નઓવર થી વ્યવસાય કરો છો.

ભૂલો તો થવા માટે હોય છે

સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે ફર્ક એટલો જ કે ભૂલ પ્રત્યે એનો અભિગમ  કેવો છે. સ્ટીવ જોબ્સ થી લઈને જેફ બેજોસ જેવા અનેક ગ્લોબલ લીડરોનું જીવન ચકાસીએ તો ઘણી બધી સમાન બાબતો છે,જેમાં એક છે ભુલો. ભુલ સ્વીકારી લેવા ની તાકાત,એમાંથી શીખવાની આદત અને ભુલ કરવાથી ન ડરવાનો અભિગમ જ એમને ઉંચાઈ સુધી લઇ ગયો.ભૂલોને ઓળખીએ,એના પર મનોમંથન કરીએ અને પછી એમાંથી શીખીને આગળ વધીએ. 

ચમત્કાર જેવું બિઝનેસમાં કશું અસ્તિત્વ ધરાવતું નથી

અબજોપતિ બિઝનેસમેન જે સ્થાને છે એ એમની વર્ષોની તપસ્યા છે,જે તપસ્યામાં એ લોકોએ સતત નવા વિચારોની આહુતિ આપ્યા જ કરી છે. સમય જતા એમના પ્રયત્નો પરિણામમાં ફેરવાઈ ગયા. આપણને ઘણી વખત એમ લાગે કે આ તો રાતોરાત ટોપ પર પહોંચી ગયા તો આપણે કેમ નહિ? પણ એના રાતનાં ઉજાગરા આપણે જોયા નથી  હોતા. એનો વિચાર કેટલો અપીલિંગ હતો એના વિષે આપણે વિચારતા નથી. ખાલી વિચારોથી પણ કોઈ જંગ જીતાતો નથી. વિચાર તો માત્ર કાચો માલ છે. એ કાચા માલનો સદુપયોગ પૂરતી ધીરજ, આવડત અને અથાગ પ્રયત્નોથી થાય તો જ સફળતાને પામી શકીએ છીએ.

બહારના વિચારો કે પરિસ્થિતિને ખુલ્લા દિલથી સ્વીકારવા

પોતાના એક સીમિત કોચલાની બહાર નીકળીને લોકોને સાંભળો. ઘણા બિઝનેસમેન પોતાના બિઝનેસ મોડેલ ને એટલું આદર્શ સમજતા હોય કે અન્ય કોઈના વિચારોને સ્વીકારે જ  નહિ, આગળ જતા એ એમની પ્રગતિને રોકે છે અને આદર્શવાદ ખોખલો સાબિત થાય છે. સફળ બિઝનેસમેન  દરેકના મંતવ્યને સરખું માન આપે છે, એના પર વિચાર કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે. નવા વિચારો આવવા જ પ્રગતિનું પહેલું સોપાન છે. નવા વિચારો, નવી પરિસ્થિતિ કે ચેલેન્જ ક્યારેક નવી દિશામાં પ્રયત્ન માટે તક આપે છે અને એ પ્રયોગ સફળ નીવડી શકે છે. આપણા એમ્પલોયના દ્રષ્ટિકોણથી પણ આ મહત્વનું છે.  જો એમના વિચારો સ્વીકારીએ તો એમનો કાર્ય પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહે અને પોતાની કંપની માટે કામ કરી રહ્યા છે એવો એમને  અનુભવ થશે જે કંપનીના વિકાસમાં મહત્વનું યોગદાન સાબિત થઇ શકે.

શિસ્ત એક અનિવાર્ય બાબત છે

કોઈપણ ધંધાને સારી રીતે ચલાવવા માટે બિઝનેસમેનમાં શિસ્ત હોવી એ પૂર્વશરત છે.ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે હવે તો આપણે જ પોતાના માલિક છીએ એટલે ગમે તે સમયે જઈએ શું ફરક પડે,પરંતુ આ એટીટ્યુડ બિઝનેસમાં ખુબ જ નુકશાનકારક સાબિત થતો હોય છે.શિસ્ત વધારાના વિચાર માંગે છે અને પ્રયત્નો કરવા માટે સમયસર ઉઠવા અને ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે પ્રેરિત કરે છે. એક બિઝનેસમેન તરીકે ટાઈમની ફ્લેક્સિબિલિટી એક સફળ પાસું છે પરંતુ શક્ય હોય એટલું ટાઈમટેબલ ફોલો કરી શકાય તો એની કંપનીના સ્ટાફ, ગ્રાહકો અને અન્ય લોકોમાં  સારી છાપ ઉભી કરે છે.

કામ પુજા

કોઈપણ કામ નાનું નથી. વિદ્યા બાલનનો ધ ડર્ટી પિક્ચરનો ‘મેં એક એન્ટરટેઇન્મેન્ટ હું’ વાળો ડાયલોગ અહીં લાગુ પાડી શકાય છે.કોઈપણ બિઝનેસમેન સવારે ઉઠે, કામ પર જાય, ઘરે આવે કે જ્યાં જાય ત્યાં એક બિઝનેસમેન હોય છે. નવથી પાંચ નો સિદ્ધાંત એને લાગુ પડતો નથી. હા, વર્ક લાઈફ અને હોમ લાઈફ અલગ અંદાજ થી જીવતો હોય પરંતુ મનથી એ બિઝનેસમેન જ છે. આ વસ્તુ દરેક બિઝનેસમેન એ આત્મસાત કરી લેવી જેનો ફાયદો એ થશે કે તમારો પૂરો કંટ્રોલ તમારા બિઝનેસ પર હશે અને  એ ત્યારે જ શક્ય બને જયારે તમે એ વ્યવસાય કોઈના આગ્રહથી,ભરમાઈને કે બળ જબરીથી નહિ પરંતુ ખુદની ધગશથી, ઉત્સાહથી અને સમર્પણથી પસંદ કર્યો હોય.

આપણા ધંધાની સૌથી મોટી મિલ્કત કઈ છે તે જાણો છો? – આપણું વિઝન