સેઈફ વોલ્ટમાં 21 લાખના હીરાનું પેકેટ ભૂલી ગયા ગયેલા કારખાનેદારને હીરા પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર સેફના કર્મચારી અને માલિકને સુરત ડાયમંડ એસો.ખાતે સન્માનિત કરાયા
DIAMOND TIMES – કતારગામ ખાતે મીરા ડાયમંડ બિલ્ડીંગમાં હીરાનું નાનુ કારખાનું ધરાવતા અને ડભોલી સ્થિત ગોપાલ દર્શન સોસાયટીમા રહેતા રાહુલભાઈ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ ડીપોઝીટ વોલ્ટમાં રફ હીરા મુકવા ગયા હતાં.દરમિયાન અંદાજે 20 થી 21 લાખની કીંમતના 3 હજાર કેરેટ રફ હીરાનું એક પડીકુ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર જ ભૂલીને ઘરે ચાલ્યા ગયા હતા . ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યાના સુમારે સેફ વોલ્ટ પર હીરાનું એક પેકેટ પડ્યું હોવાનું સેફ વોલ્ટના કર્મચારી ધીરૂભાઈ ગેલાણીના ધ્યાન પર આવતા તેમણે આ અંગે કતારગામ સેફના માલિક નયનાબેન ઠુંમરને જાણ કરી હતી. જેથી નયનાબેને રફ હીરાના આ પેકેટને કર્મચારી ધીરૂભાઈ સહીત અન્ય બે થી ત્રણ વ્યક્તિની સાક્ષીએ સેફમાં સલામત રીતે મુકી દીધુ હતુ કે જેથી આ પેકેટ પરત માંગવા આવે ત્યારે તેના માલિકને આપી શકાય.
બીજા દીવસે કારખાનેદાર રાહુલભાઈ મોરડિયા હીરા લેવા માટે સેફ પર આવ્યા ત્યારે તેમણે આ પેકેટ અંગે અંગે વોલ્ટના કર્મચારી ધીરૂભાઈને જાણ કરી હતી. જેથી સેફ વોલ્ટના કર્મચારી ધીરૂભાઈ અને માલિક નયનાબેન ઠુંમરે સીસીટીવી કેમેરા અને અન્ય ચકાસણી કરી આ હીરા રાહુલભાઈ મોરડીયાના હોવાની ખાત્રી કર્યા બાદ આ હીરાનું પેકેટ તેમના માલિકને પરત કર્યુ હતુ.
ઘોર કળીયુગમાં પણ આવી પ્રામાણિકતા દાખવનાર કતારગામ સેફ વોલ્ટના માલિક નયનાબેન ઠુંમર અને કર્મચારી ધીરૂભાઈ ગેલાણીને સુરત ડાયમંડ એસોસિયેશના હોદ્દેદારોએ પુષ્પ ગુચ્છથી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા,પુર્વ પ્રમુખ બાબુભાઈ છોડવડી,ઉપપ્રમુખ સવજીભાઈ ભરોડીયા,મંત્રીશ્રી દામજીભાઈ માવાણી,સહમંત્રીશ્રી જગદીશભાઈ ખુંટ,સહ ખજાનચી અરવિંદભાઈ હીરપરા સહીતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.