હોંગકોંગનું સર્જન ગ્રુપ આવ્યુ માતૃભૂમિની મદદે

1183

‘સર્જન સિક્સ’ઇવેન્ટના આયોજન થકી ભારતના કોરોના પીડીતોની મદદ માટે સર્જન ગ્રુપે એક જ દીવસમાં રૂપિયા 17 લાખથી વધુની રકમ એકત્ર કરી

(અહેવાલ અને તસ્વીર : વિજય શેઠ – હોંગકોંગ)

DIAMOND TIMES-  નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. આ પંક્તિ હોંગકોંગમાં હીરાના કારોબાર સાથે સંકળાયેલા ગુજરાતી હીરા વેપારીઓ દ્વારા સ્થાપિત સર્જન ગ્રુપને બરાબર લાગુ પડે છે. કુદરતી કે માનવ સર્જીત,કોઇ પણ આપત્તિના સમયે માતૃભૂમિની મદદ માટે સખાવતી સર્જન ગ્રુપ હરહંમેશ તૈયાર જ હોય છે.

વર્તમાન સમયે ભારતમાં વધેલા કોરોના સંક્રમણના પગલે કોરોના પીડીતોની મદદ માટે સર્જન ગ્રુપે એક અનોખી પહેલ કરી છે.ગત તારીખ બીજી મે 2021 અને રવિવારના રોજ સર્જન ગ્રુપની વાર્ષિક ક્રિકેટ ઇવેન્ટનું હોંગકોંગ સ્થિત ઐતિહાસિક કોલૂન ક્રિકેટ ક્લબ ખાતે આયોજન થયુ હતુ. આ ઇવેન્ટને ‘સર્જન સિક્સ’ નામ આપવામાં આવ્યુ હતુ.‘સર્જન સિક્સ’ ઇવેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો.

આ ‘સર્જન સિક્સ’ ક્રીકેટ ઇવેન્ટ ભારતના કોવિડ મહામારીથી પીડિત લોકો માટે સમર્પિત હતી.મનોરંજનની સાથે સેવાની સુવાસ ફેલાવવાનો પણ સર્જન ગ્રુપનો ઉમદા ઉદ્દેશ્ય હતો.જેને અનુલક્ષીને આ ક્રીકેટ ઇવેન્ટમાં વિકેટ લેવા પર, સિક્સ ફટકારવા પર તેમજ પ્રતિ રન પર રૂપિયા 800 થી વધુના દાનની ઘોષણા કરવામાં આવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 1980 રન ફટકારવામાં આવ્યા હતા.જે મુજબ ગણતરી કરતા આ જૂથે એક જ દિવસમાં 17 લાખથી પણ વધુ ભારતીય રૂપિયા એકત્ર કર્યા હતા.આ રકમ કોવિડની મહામારીથી પીડિત જરૂરીયાત મંદ દર્દીઓની સારવાર માટે માતૃભૂમિ ભારતમાં મોકલવામાં આવનાર છે.

સર્જન ગ્રુપની સ્થાપનાનો ઉદ્દેશ્ય અને સામાજિક ઉતરદાયિત્વ

હોંગકોંગમાં હીરાના કારોબાર સાથે સંકળાયેલા ગુજરાતી હીરા વેપારીઓ દ્વારા વર્ષ 2005 માં ક્રિકેટ સ્પોર્ટ્સ ગ્રુપ તરીકે સર્જન ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં વોલીબોલ, બેડમિંટન સહીતની અન્ય રમતોને પણ સામેલ કરવામાં આવી હતી.પરંતુ ગ્રુપની એકટીવીટીના વ્યાપમાં ક્રમશ: વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયે આ સંસ્થાની ઇવેન્ટ કેલેન્ડરમાં સામાજિક,મનોરંજન,વ્યવસાય,ચેરિટી અને સાંસ્કૃતિક ક્ષેત્રોની વૈવિધ્યસભર ઇવેન્ટ્સ સામેલ છે. હોંગકોંગના સૌથી મોટા ભારતીય સર્જન ગ્રુપમાં વર્તમાન સમયે 350 થી પણ વધુ સક્રિય સભ્યો જોડાયેલા છે.

ડાયમંડ અને જ્વેલરી એસોસિએશનોની સાથે સર્જન ગ્રૂપ સરકારી અને વેપારી સંગઠનો સાથે સારી રીતે જોડાયેલ છે.તેમજ સર્જન ગ્રુપ ભારત સરકારના વિવિધ વિભાગોના પણ સંપર્કમાં છે.માનવતાવાદી કાર્યોથી લઈને રમત-ગમત સુધીની વિવિધ પ્રવૃત્તિઓ માટે વંચિત લોકોના જીવનને સ્પર્શ કરવા અને સમાજમાં બદલાવ લાવવા સર્જન ગ્રૂપે સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે “સર્જન ચેરીટી ફાઉન્ડેશન”ની સ્થાપના કરી છે.ભુખ્યાઓને ભોજન, હોસ્પિટલમાં તબીબી ઉપકરણોનું દાન,રક્તદાન શિબિર અને આપત્તિના સમયે રાહત સહાય સહીતના અનેક સેવાકાર્યો .“સર્જન ચેરીટી ફાઉન્ડેશન”ના નેજા હેઠળ ચાલી રહ્યા છે.