DIAMOND TIMES – અમેરીકા તથા ચીનના અર્થતંત્રમાં અકલ્પનિય ઝડપી રીકવરીના પગલે હીરા અને ઝવેરાતની રિટેઈલ માંગમા વધારો જોવા મળ્યો છે.ગ્રાહકો જ્વેલરી સ્ટોર્સ પર ફરીથી વિઝીટ કરવા લાગતા જ્વેલરીના મલ્ટિ ચેનલ કારોબારમાં વૃદ્ધિ જોવા મળી છે. ભારત તરફથી તૈયાર હીરાની સપ્લાય અવરોધને કારણે પોલિશ્ડ ઇન્વેન્ટરી ઘટી રહી છે. ડીબિયર્સની મે મહીનાની 380 મિલિયન ડોલરની સાઈટ પછી રફ માર્કેટ સ્થિર છે. ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં એલોરોસાની આવક 44 ટકાના વધારા સાથે લગભગ 1.2 બિલિયન ડોલરની થઈ છે. જે ગત વર્ષના સમાન સમય ગાળામા લગભગ 326 મિલિયન ડોલરની સરખામણીએ આઠ ગણી વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ વર્ષે પ્રથમ કવાર્ટરમાં હોંગકોંગની પોલિશ્ડ હીરાની આયાત 47 ટકાના વધારા સાથે 3.4 બિલિયન ડોલરની થઈ છે. જ્યારે પોલિશ્ડ નિકાસ 56 ટકાના વધારા સાથે 3.3 બીલિયન ડોલર નોંધાઈ છે.યુવા ચાઇનીઝ ગ્રાહકોને આકર્ષવા ચીનની અગ્રણી જ્વેલરી કંપની ચાઉ તાઈ ફૂક અને નેચરલ ડાયમંડ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ખાસ પ્રમોશન અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
ફેન્સી બજાર : ફેન્સી હીરાના માર્કેટને રિબુસ્ટ મળતા ખુબ મજબૂત જણાઇ રહ્યુ છે.0.30 થી 0.99 કેરેટના ફેન્સી હીરાની કીંમતોમાં વૃદ્ધિ જોવા મળી છે. 1.25 થી 3.99 કેરેટના F-J, VVS2-SI2 ક્વોલિટીના ફેન્સી હીરાની ખુબ તંગી છે. ગ્રાહકો રાઉન્ડ હીરાની સરખામણીએ વધુ પોષણક્ષમ ભાવે ફેન્સી હીરાની માંગ કરી રહ્યા છે. ફેન્સી હીરા જડીત સગાઈની રીંગનું વેચાણમાં સતત વૃદ્ધિના કારણે ઓવલ્સ કટ, પિયર્સ, એમરાલ્ડ, પ્રિન્સેસ,લોંગ રેડીયેન્ટ્સ અને માર્ક્વિઝિસ કટના એકસેલેન્ટ કટના હીરાના પ્રીમિયમ પ્રાઈસ સાથે ઓર્ડરમાં પણ વધારો થયો છે.
અમેરીકા : હકારાત્મક મુડ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે અમેરીકાના બજારમાં છૂટક વેચાણને જબરો વેગ મળ્યો છે. બ્રાન્ડેડ જ્વેલરી માર્કેટમાં ખુબ તેજી છે. ખાસ કરીને લગ્નગાળાની સિઝનને અનુલક્ષીને 1 થી 3 કેરેટ,D-I, VS-SI રેન્જની સારી માંગ છે.
બેલ્જિયમ: એન્ટવર્પમાં આશાવાદી દૃષ્ટિકોણ સાથે કારોબારીઓ આગળ વધી રહ્યા છે.અમેરીકાની બજારને ધ્યાનમાં રાખીને 1 કેરેટ સાઇઝમાં D-J, VS-SI રેન્જના હીરા પર વેપારીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ તૈયાર હીરાની તંગી વચ્ચે સપ્લાયર્સ હીરાના ભાવને લઈને મક્કમ છે.જ્યારે ડીબિયર્સની મે મેહીનાની સાઈટની જાહેરાત પછી રફ ટ્રેડિંગ સ્થિર છે.
ઈઝરાયેલ: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે મિસાઇલ હુમલાઓના કારણે બેન ગુરિયન એરપોર્ટ બંધ કરવાની ફરજ પડતાં કેટલાક શિપમેન્ટમાં વિલંબ થયો છે.ઈઝરાયેલમાં યુધ્ધ જેવી પરિસ્થિતિના પગલે સપ્લાયર્સ અમેરીકાના બજારો તરફ ધ્યાન આપી રહ્યા છે. ઈઝરાયેલના મોટા ભાગના કારોબારીઓએ આગામી ઓગષ્ટ મહીનામા આયોજીત થનારા વિશ્વના સહુથી મોટા જ્વેલરી-શો લાસ વેગાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
ભારત: ભારતમાં કોરોના મહામારીના પગલે વિશ્વના સહુથી મોટા હીરાબજાર ભારત ડાયમંડ બુર્સને બંધ રાખવાની ફરજ પડતા હીરાના ઉત્પાદન અને ટ્રેડીંગને મોટી અસર થઈ છે.પરિણામે રફની અગ્રણી કંપની ડીબિયર્સની મે મહીનાની સાઇટ પણ તેનાથી પ્રભાવિત થઈ છે.સુરતની હીરાની મોટી મેન્યુફેકચરીંગ કંપનીઓ 1 કેરેટ વજનના હીરા તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.ગત વર્ષના એપ્રિલ મહીનામા થયેલી 35 મિલિયન ડોલરના તૈયાર હીરાની નિકાસની તુલનાએ ચાલુ વર્ષે એપ્રિલ મહીનામાં પલિશ્ડ હીરાની નિકાસ વધીને 2.3 બિલિયન ડોલર થઈ છે.
હોંગકોંગ: કોવિડ કેસોમાં ઘટાડો થતા માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનમા સમાવિષ્ટ હોંગકોંગના તમામ કારોબારીઓના આત્મવિશ્વાસ વધ્યો છે.વિદેશીઓને હજુ પણ હોંગકોંગની મુસાફરી કરવા પરનો પ્રતિબંધ યથાવત રહેતા વિદેશી ખરીદદારોની અછત છે. H કલરથી નીચેના લોઅર કલરના હીરાની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.ચીનના લકઝરી માર્કેટ તરફથી ધીમા પ્રતિસાદ વચ્ચે પણ ગત એપ્રિલ મહીનાના છૂટક વેચાણમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.