DIAMOND TIMES – હીરાબાગ વિસ્તારમાં આવેલી મીરા ડાયમંડ, હેત ડાયમંડ અને મીલેનીયમ ડાયમંડ કંપનીમાં કાર્યરત રત્નકલાકારોએ પગાર વધારાની માંગણી સાથે દેખાવો યોજી ગતરોજ હડતાલ પાડી હતી. પરંતુ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે લેબર અધિકારોઓ, કંપનીના માલિકો અને રત્નકલાકારોની બેઠક બોલાવી મધ્યસ્થી કરતા આ મામલાનો હાલ તો સુખ:દ અંત આવ્યો છે.ઉલ્લેખનિય છે કે ડાયમંડ કંપનીના માલિકોએ રત્ન કલાકારોની માંગણીનો સ્વીકાર કરી હીરાની મજુરીના દરમાં વધારો કર્યો છે.
આ મામલે હડતાળનો અંત આવ્યો છે : ભાવેશ ટાંક
કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડાયમંડ કંપની મીરા ડાયમંડ, હેત ડાયમંડ અને મીલેનીયમ ડાયમંડ કંપનીના હજારથી પણ વધુ રત્નકલાકારોએ પગાર વધારાની માગ સાથે રસ્તા પર આવી જઈને નારેબાજી કરી હતી. આ તમામ રત્નકલાકારોની માંગ હતી કે કારખાનેદારો હાલમાં હીરા ઉદ્યોગની તેજીનો લાભ લઈ રહ્યા છે. પરંતુ તેઓ આ તેજીનો લાભ રત્ન કલાકારોને આપી રહ્યા નથી.રત્નકલાકારો કહ્યુ કે અમો ઘણા વર્ષોથી આ કંપનીમાં કામ કરીએ છે. જેથી તેજીને ધ્યાનમાં રાખીને અમારા વેતનમાં પણ વધારો કરવામાં આવે એ જરૂરી છે. રત્નકલાકારોની ઉપરોક્ત માંગને ધ્યાનમાં રાખીને કારખાનેદારોએ રત્ન કલાકારોની માંગ સ્વીકારતા આ મામલે હડતાળનો અંત આવ્યો છે.