વાહ ગુજરાત વાહ !! નિકાસ ક્ષેત્રે ડંકા વગાડયા, મહારાષ્ટ્રને મહાત આપી સતત ત્રીજા વર્ષે ગુજરાત નંબર-1, દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો
DIAMOND TIMES : સુરત ડાયમંડ બુર્સના વિરોધી દ્વારા સુરત ડાયમંડ બુર્સને લઈને અનેક વખત કેટલાક મનઘડત અને વિચિત્ર દાવોઓ કરવામાં આવી રહ્યાં છે. જેમા સુરતમાં દારૂબંધી હોવાથી સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ જશે એ પ્રકારના હાસ્યાસ્પદ દાવાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ નિકાસના ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા તાજા સરકારી અહેવાલે SDBના વિરોધીઓને જડબાતોડ જવાબ આપી દીધો છે. તાજા અહેવાલમાં બહાર આવ્યુ છે કે હીરા, ઝવેરાત અને રત્નોની નિકાસ સુરતમાથી શરૂ થતા દેશની નિકાસમાં સતત ત્રીજા વર્ષે પણ ગુજરાત પ્રથમ ક્રમ જાળવી રાખવામાં સફળ રહ્યુ છે.
અહેવાલ મુજબ સતત ત્રીજા વર્ષે પણ ગુજરાત દેશનું નંબર વન નિકાસકાર રાજ્ય બન્યુ છે. વર્ષ 2022-23માં ગુજરાતે કુલ 12 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે વર્ષ 2021-22ની તુલનાએ 27 ટકા વધારે છે. વર્ષ 2021-22માં ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 23 ટકા હતો. જે વર્ષ 2022-23માં વધીને 30 ટકા થયો છે.
દેશની કુલ નિકાસમાં મહારાષ્ટ્ર નંબર 1 અને ગુજરાત બીજા નંબર પર રહેતુ હતું. પરંતુ વર્ષ 2020-21 માં ગુજરાતે નાનકડા માર્જીનથી મહારાષ્ટ્રને મહાત કરી લીધુ હતુ. ત્યારથી લઈને અત્યાર સુધીના વર્ષોંમાં બંને રાજ્યો વચ્ચે દેશની નિકાસમાં તફાવત વધતો ગયો છે. અને હવે તો ગુજરાતે મહારાષ્ટ્રને આ ક્ષેત્રે ઘણું પાછળ ધકેલી દીધું છે.
ડાયરેકટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) ના એક અધિકારીએ એક અગ્રણી મીડીયાને માહીતી આપતા કહ્યું હતુ કે જીએસટીના સંપૂર્ણ અમલીકરણ પછી બધા રાજ્યોના ચોક્કસ આંકડાઓ તેમને મળી રહ્યા છે. તેમણે કહ્યું કે વર્ષ 2020-21માં અમે રાજ્યોમાંથી ચોક્કસ આંકડાઓ મેળવવાનું શરૂ કર્યું છે. આ આંકડાઓ પરથી નિકાસના ક્ષેત્રે ગુજરાતની નિકાસ ક્ષમતાનો અમને અંદાજ આવ્યો છે.
નિકાસકારોનું કહેવું છે કે ગુજરાતના નિકાસના આંકડાઓમાં મોટો ફાળો પેટ્રોલીયમ પ્રોડકટનો છે. ત્યારબાદ સિરામીક, ફાર્મા, એન્જીનિયરીંગ ગુડસ, હીરા, રત્નો અને આભૂષણો તથા રસાયણો સામેલ છે. જીએસટીના અમલીકરણ પછી સુરતની અનેક હીરાની કંપનીઓએ મુંબઈના બદલે સુરતથી જ નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.જેના કારણે મહારાષ્ટ્ર નિકાસના ક્ષેત્રમાં પાછળ ધકેલાઈ ગયુ છે.