કેનેડામાં રફ હીરાને પોલિશ્ડ કરવાનું યુનિટ શરૂ થયુ,કેનેડાના કારખાનામાં પોલિશ્ડ થયેલા તૈયાર હીરાનો પ્રથમ જથ્થાને ગ્રેડીંગ માટે અમેરીકા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ
DIAMOND TIMES – ગહચો કુ (Gahcho Kue), ડાયવિક, એકાતિ, રેનાર્ડ, સ્નેપ લેક, વિક્ટર,જેરીકો કેનેડાના ઉત્તર- પશ્ચિમ પ્રદેશોમાં આવેલી હીરાની જાણીતી ખાણો છે.વળી રફ હીરાના વૈશ્વિક ઉત્પાદનમાં કેનેડાનો ખુબ મહત્વ નો હિસ્સો છે.રફ હીરાના ઉત્પાદનમાં કાઠુ કાઢનાર કેનેડાએ હવે હીરા ઘસવામાં હાથ અજમાવ્યો છે.કેનેડામાં ડી કેનેડા કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા હીરાના કારખાનામાં તૈયાર કરવામાં આવેલા પોલિશ્ડ હીરાના પ્રથમ જથ્થાના વેંચાણ પુર્વે તેને લેબમાં ગ્રેડીંગ માટે જ્વેલરી ફેર લાસવેગાસમાં લાવ્યામાં આવ્યો હોવાના અખબારી અહેવાલ છે.
અમેરિકા સ્થિત આરડીઆઈ કંપનીના માલિક અને હીરાના મોટા ગજાના હીરા વેપારી માઈકલ ઈન્ડેલિકાટો તેમજ બેન્જામિન કિંગ દ્વારા કેનેડા સ્થિત આર્કટિક સર્કલના યલોકનિફમાં સંયુક્ત રીતે શરૂ કરાયેલા હીરા ઘસવાના આ કારખાનામાં કેનેડાની હીરાની ખાણોમાંથી ઉત્પાદીત રફ હીરા સીધા જ પહોંચે છે.હીરા તૈયાર કરવામાં હાઇટેક ટેકનોલોજીના ઉપયોગના કારણે કંપનીને સફળતા મળવાની પુરેપુરી આશા અને વિશ્વાસ છે.
જો કે કેનેડામાં આ અગાઉ પણ અનેક વખત હીરા તૈયાર કરવાના યુનિટો શરૂ કરવામાં આવ્યા હતા.પરંતુ ભારતની તુલનાએ આ યુનિટોની પ્રોડકશન કોસ્ટ ઉંચી જવાના કારણે તે સાહસો નિષ્ફળ ગયા છે.ટિફની એન્ડ કંપનીની પેટા કંપની લોરેલટન ડાયમંડ્સ અને આર્સ્લેનિયન કટીંગ વર્ક્સએ યલોકનિફમાં સંયુક્ત રીતે શરૂ કરેલા સાહસને વર્ષ – 2009 માં તાળા મારી દેવાની ફરજ પડી હતી . પરિણામે તેમા કામ કરતા 90 જેટલા રત્નકલાકારોએ નોકરી ગુમાવી દીધી હતી આ ઉપરાંત વર્ષ 2000માં આલ્મોડ ડાયમન્ડ નામની કંપનીએ પણ કારખાનું શરૂ કરીને બંધ કરવુ પડ્યુ હતુ.
અમારું લક્ષ્ય સૌથી સુંદર દેશમાંથી સૌથી સુંદર રીતે શોધાયેલા રફ હીરાનું શ્રેષ્ઠ સંસ્કરણ કરવાનું છે : બેન્જામિન કિંગ
કેનેડાની ન્યુઝ ચેનલ સીબીસીને આપેલી મુલાકાતમાં બેન્જામિન કિંગએ કહ્યુ કે હીરા ઘસવાના કામમા અમો ભારત સાથે સ્પર્ધા કરી શકતા નથી. જેથી અમારી પ્રાથમિકતા આધુનિક ટેકનોલોજીને એકીકૃત કરીને આગળ વધવાનું છે. તેમણે ઉમેર્યુ કે હીરાને પોલિશ્ડ કરવા માટેની આધુનિક અને ઓટોમેટીક ટેકનોલોજી માટે અમો ત્રણ મિલિયન ડોલર (અંદાજીત રૂપિયા 22 કરોડ) નું રોકાણ કરવાના છીએ.અમોએ સ્થાનિક લોકોને હીરા ઘસવાની તાલિમ આપવા આ ક્ષેત્રના નિષ્ણાંતોને પગાર પર રોક્યા છે.અમારી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા પોલિશ્ડ હીરાના પ્રથમ જથ્થાને લાસવેગાસ પ્રદર્શનમાં મોકલી આપ્યો છે. જ્યા અમેરિકન જેમ સોસાયટી દ્વારા આ હીરાનું ગ્રેડીંગ કરી અમારી કંપનીની ન્યૂયોર્કની ઓફિસમાં મોકલવામાં આવશે.ત્યારબાદ આ હીરાનું વેંચાણ કરવામાં આવશે.