DIAMOND TIMES : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે આયોજીત વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા- મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા, ગીતા પંચામૃત’ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ઉપસ્થિત લોકોને સંબોધતા હીરાની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયાએ‘ગીતા-સફળતાની સીડી’વિશે વકતવ્ય રજૂ કરી ગીતાના વિવિધ શ્લોકોમાં અપાયેલા સાર થકી જીવન તથા વ્યવસાયમાં સફળતા મેળવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.
ગોવિંદભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે ગીતામાં કર્મયોગ,જ્ઞાનયોગ અને ભકિતયોગ વિશે જણાવવામાં આવ્યું છે.વ્યકિત દરેક ક્ષણે કર્મ તો કરતી જ હોય છે,પરંતુ એ કોઇ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરે એને કર્મયોગ કહેવાય છે.જ્ઞાનયોગથી વિવેક આવે છે અને ભકિત યોગથી સમર્પણની ભાવના જન્મે છે.તેમણે કહયું કે સફળ થવા માટે વ્યકિતએ રોજિંદા જીવનમાં જે ફરજ બજાવવાની છે તેમાં દસ ટકા વધારે કર્મ કરવાની જરૂરિયાત છે.
વધુમાં ઉમેર્યુ કે લોકોએ પુરુષાર્થ કરવાનો છે.આથી પ્રારબ્ધની પ્રાપ્તિ સુધી વ્યકિતએ સંતુષ્ટ રહેવાનું છે.એની સાથે સાથે ઇર્ષ્યા રહીત જીવન જીવવાનું છે.સફળ થવા માટે વ્યકિતએ આત્મવિશ્વાસ તો કેળવવાનો જ છે,પણ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનારા ભગવાન પર પણ દૃષ્ટિ વિશ્વાસ જરૂરી છે. વ્યકિત સફળ થવા માટે કર્મ કરે છે અને એ કર્મ કરવાને કારણે જ તેનું ભાગ્ય પણ બદલાય છે. ભાગ્ય બદલવાનું વ્યકિતના હાથમાં હોતું નથી.પણ કર્મ કરનારાનું ભાગ્ય જરૂર બદલાઇ જાય છે એવા અનેક દાખલાઓ છે.
તેમણે કહયું કે જીવનમાં તથા વ્યવસાયમાં સફળ થવા માટે વ્યકિતએ સ્વભાવમાં સ્વીકાર ભાવ લાવવો જરૂરી છે.વ્યકિત જે પરિસ્થિતિમાં હોય છે તેને સ્વીકારીને આગળ વધવાનું હોય છે.પરિસ્થિતિનો સ્વીકાર કરીને વ્યકિત જ્યારે માત્ર કર્મ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેનું ભવિષ્ય અન્યો કરતા કંઇક અલગ અને ઉજ્જ્વળ હોય છે.
પ્લાનિંગ બાદ પણ સફળતા માટે જે ખૂટતું લાગે તેની ઊણપ છે તે ભગવદ્દ ગીતા પૂરી કરી આપે છે : હિમાંશુ બોડાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સફળતા વિષે આપણે ઘણું બધું સાંભળ્યું છે અને ઘણું બધું વાંચ્યું છે.નક્કર આયોજન, આત્મવિશ્વાસ, પૂર્વાવલોકન આગોતરી ગોઠવણ જેવા ઘણા બધા પાસાઓ આપણને સફળતા તરફ દોરી જવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.પરંતુ કોઈક તબક્કો એવો આવે છે કે આ બધું જ ખૂબ જ સારી રીતે મેનેજ કર્યા બાદ પણ સમસ્યા ઓનો સામનો કરવો પડે છે. પૂરેપૂરા પ્લાનિંગ બાદ પણ સફળતા માટે કશુંક ખૂટતું લાગે છે.આ જે ઊણપ છે તે ગીતા પૂરી કરી આપે છે.
સફળતા માટે એવું પણ કહી શકાય કે જેને આકાશ આંબવું છે તેને એકધારી ગતિ માફક જ નહીં આવે.તે તો હરહંમેશ નિતનવા આયામો હાથ ધરશે અને તેને પૂરા કરવા એડીચોટીનું જોર લગાવશે.અને જ્યાં નવું સાહસ હશે ત્યાં થોડી ઘણી તકલીફો તો આવશે જ. એટલે એમ કહી શકાય કે તકલીફો તમને સફળતાની નવી ક્ષિતિજ સાથે ઓળખાણ કરાવી આપે છે.
ડો. અલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સમાન સિદ્ધાંતની જાહેરાત થઇ તેની વાત સદીઓ પહેલાં ગીતામાં જણાવવામાં આવી છે : રૂપીન પચ્ચીગર
ભારત વિકાસ પરિષદના પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, આપણે નોંધવું જોઇએ કે ડો. અલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સમાન સિદ્ધાંતની જાહેરાત થઇ તેની વાત સદીઓ પહેલાં ગીતામાં જણાવવામાં આવી છે. ગીતાના અધ્યાય ૭, શ્લોક ૪ ‘સમૂહ અને ઊર્જા સંબંધો’ પર પ્રકાશ પાડે છે.રોબર્ટ ઓપેનહાઇમરે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ‘Little Boy’ નામનો જબરજસ્ત વિનાશક ક્ષમતાનો અણુબોમ્બ બનાવ્યો છે. જર્મનીના વિદ્વાન એફ.ટી. બુકર્સ તો ગીતાને ભવિષ્યમાં વિશ્વધર્મના એકમાત્ર ધર્મગ્રથ તરીકે પસંદ કરે છે.
તેમણે ઉમેર્યુ કે સમગ્ર વિશ્વ જ્યારે ગીતાને જ્ઞાનના ગ્રંથ તરીકે બિરદાવતું હોય ત્યારે લોકો હીરાના જ્ઞાનથી વંચિત ન રહી જાય તે માટે ગીતા પંચામૃતનું આયોજન કરાયું હતું.સુરતમાં પણ એક ઇન્સ્ટીટયુટ ભગવદ્ ગીતાના અભ્યાસ માટે બનવી જોઇએ અને ભગવદ્ ગીતાના જ્ઞાનના આધારે સાયન્ટીફિક રિસર્ચ ઇન્સ્ટીટયુટ બનાવવામાં આવે તો ભારતના વિજ્ઞાનીઓને પણ વૈશ્વિક ફલક પર સ્થાન મળશે.