DIAMOND TIMES- ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી વેપારીઓને પ્રોફેશનલ ટેકસ અને જીએસટીમાં રાહત આપવાની માંગણી કરી છે. આ સંસ્થાએ પત્રમાં રજુઆત કરતા કહ્યુ કે મીની લોકડાઉન દરમિયાન વેપારીઓએ સરકારને સાથ આપી કોરોનાને હરાવવામાં મદદ કરી છે.દરેક કારોબારીઓ કપરાકાળમાં આર્થિક સમસ્યાનો સામનો કરીને પણ સરકારની સાથે રહ્યા છે.ત્યારે હવે સરકારે પણ વેપારીઓ તરફ સહાનુભૂતિ રાખીને પ્રોફેશનલ ટેકસ અને જીએસટીમાં રાહત આપવી જોઇએ.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને જણાવ્યુ છે કે માર્ચ ૨૦૨૦થી વેપારીઓ પાસેથી જે પ્રોફેશનલ ટેકસ વસુલવામાં આવ્યો છે તે સરકારના ચોપડે કર્મચારીઓની વિગતો સાથે છે.છેલ્લા એક વર્ષમાં લોકડાઉનના કારણે મોટાભાગના કર્મચારીઓને કામથી અળગા રહેવાની ફરજ પડી છે.જેને ધ્યાનમાં રાખી કર્મચારીઓ દીઠ રૂપિયા 6000 લેખે 6 માસની સહાય રાજ્ય સરકારે ચૂકવવી જોઈએ.વળી સરકારે ગત વર્ષે પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકાની રાહતની જાહેરાત કરી હતી પરંતુ એ ટૂંકાગાળાની હોવાથી મોટાભાગના વેપારીઓ આ લાભથી વંચિત રહ્યા હતા.જેથી ગત વર્ષમાં જે લોકોને આ રાજ્ય સરકાર દ્વારા ૨૦-૨૧ના વર્ષના પ્રોપર્ટી ટેકસમાં જાહેર કરવામાં આવેલ ૨૦ ટકા રિબેટનો લાભ મળેલ નથી.તેમને તેમના ખાતામાં ક્રેડિટ આપવામાં આવે.
હાલમાં જે વિકટ પરિસ્થિતિ છે.તે માટે પણ આ નાણાકીય વર્ષ ૨૧-૨૨ પણ રાજ્ય સરકારે પ્રોપર્ટી ટેકસમાં ૩૦ ટકા જેટલી રાહત જાહેર કરવી જોઈએ.જે માટે ઓકટોબર સુધીની મુદત આપવી જોઈએ.વેપારીઓને માથે સહુથી મોટો બોજ દુકાન અને શો-રૂમ ભાડાનો છે.માટે સરકારે દરેક વેપારીઓના જીએસટી ટર્નઓવરના આંકડાઓ પરથી એમના વેપારમાં થયેલ ઘટાડાના અંદાજ મુજબ આંકલન કરી જીએસટી પેમેન્ટમાં રાહત આપવી જોઈએ.તેમજ નાણાકીય તકલીફને ધ્યાને લઈને આગામી ૧ વર્ષ સુધી કોઈ જ જાતની પેનલ્ટી અને વ્યાજમાં મુકિત આપવી જોઈએ.આ સંસ્થાએ માંગણી કરી છે કે મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યના વેપારી સંગઠનોના અગ્રણીઓ સાથે વેબીનાર મીટીંગ કરીને વેપારીઓની વ્યથા જાણવી જોઇએ.