ગુડ ન્યુઝ : એક પખવાડીયા પછી સુરતના ઉદ્યોગકારો આસાનીથી લઈ શકશે PMEGP યોજનાનો લાભ

42

સુરતના ઉદ્યોગ સાહસિકો પ્રત્યે ભેદભાવ દુર કરી કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ( PMEGP)યોજના હેઠળની અરજીઓ સ્વીકારી તેની તાત્કાલિક મંજુરી આપવા દીનેશભાઈ નાવડીયાએ મુખ્યમંત્રીને કરેલી ૨જૂઆતનો સકારાત્મક પ્રતિસાદ,એક પખવાડીયામાં આ યોજના હેઠળની દરેક સમસ્યા નો ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ આપી ખાત્રી
DIAMOND TIMES – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે MSME સેકટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ બેંકો સાથે આજરોજ એક અગત્યની રિવ્યુ મિટીંગ મળી હતી.જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયા,ચેમ્બરની ગવર્મેન્ટ યોજના કમિટીના ચેરમેન સીએ રાજીવ કપાસિયા,વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.

આ રિવ્યુ મિટીંગમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સુરતના ઉદ્યોગ સાહસિકોને પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ( PMEGP)યોજનાનો લાભ લેવા માટે નડતી સમસ્યા અંગે મુખ્યમંત્રી તેમજ અધિકારીઓને વાકેફ કરી આ યોજના હેઠળની અરજીઓ સ્વીકારી તેને તાત્કાલિક મંજૂરી આપવા માટે અસરકારક રજૂઆત કરી હતી.

સુરતના ઉદ્યોગ સાહસિકો વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા દ્વારા દેશની નિકાસ વધારવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.દેશના નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહીત કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)યોજના બહાર પાડવામાં આવી છે.ભારત સરકારની આ યોજના નો લાભ લેવા ગુજરાત સરકારના કુટીર ઉદ્યોગ વિભાગ દ્વારા અરજીઓ મંજૂર કરવામાં આવે તેવી જોગવાઈ છે.

કેન્દ્ર સરકારની ઉપરોક્ત યોજનાનો લાભ લેવા સુરતના અનેક ઉદ્યોગ સાહસિકો દ્વારા સંબંધિત વિભાગમાં અરજી કરવા માં આવી છે.પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી ઉદ્યોગકારોની અરજી સ્વીકારવામાં આવતી નથી.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરત સિવાય અન્ય તમામ જિલ્લાઓમાંથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને તેને મંજૂર પણ કરવામાં આવી રહી છે.પરંતુ એકમાત્ર સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે ભેદભાવ રાખી તેઓની અરજીઓ સ્વીકારવા માં આવતી નથી.વધુમાં સુરતના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી જૂની અરજીઓમાં કોઈ સુધારા કરવાની પણ મંજૂરી વિભાગ તરફથી આપવામાં આવતી નથી.

જેથી સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે થઇ રહેલા અન્યાય સંદર્ભે રિવ્યુ મિટીંગમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ અવાજ ઉઠાવી અસરકારક રજુઆત કરી હતી.સુરતના ઉદ્યોગ સાહસિકોની ચાર હજા૨થી પણ વધુ પેન્ડીંગ ફાઈલનો ત્વરીત નિકાલ કરવા,નવી અરજીઓનો સ્વીકાર કરવા તેમજ જુની અરજીઓમા સુધારા- વધારા કરવા સહીતની બાબતે દીનેશભાઈ નાવડીયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.જેનો મુખ્યમંત્રી તરફથી ખુબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના અંતર્ગત સુરતથી કરાયેલી એપ્લીકેશનને ફરીથી અપલોડ કરાવી સુરતના ઉદ્યોગકારોની સમસ્યાનું એક પખવાડીયામાં નિરાકરણ લાવવાની મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી.