શોખની સાથે આર્થિક સલામતી આપતા સોનાના આભુષણો

164

આજની નવી પેઢી અને જુના જમાનાની માનુનીઓમાં ઘણું પરિવર્તન હોવા છતા આ બંને પેઢીમા સોનાના ઘરેણાંનો શોખ એકસમાન છે.ભલે ફેશન કે આધુનિક વિચારોને કારણે દ્રષ્ટિકોણ બદલાય,પરંતુ નારીઓ માટે આભૂષણોનું મહત્વ ક્યારેય ઓછું થવાનુ નથી.સોનાના અલંકારો સુંદરતામા વધારવા સાથે સંકટ સમયની સાંકળ બની સલામતી પણ બક્ષે છે. સમયનું ચક્ર ગમે ત્યારે ફરે છે.એટલે આર્થિક તકલીફના સમયમાં આભૂષણો વેચીને મુશ્કેલી દૂર કરી શકાય છે.આથી જ ઘરેણાંને મિત્ર પણ ગણવામાં આવે છે.

અલંકારોનો શોખ ધરાવતી નારી આભુષણોની ખરીદી પછી તેને કાયમ પહેરી શકતી નથી.આ કિંમતી દાગીનાને મોટાભાગના દીવસોમા લોકરમાં જ મૂકી રાખવા પડે છે.તેમ છતાં તે ઘરેણાં ખરીદતી જ રહે છે.પરંતુ તેની નવા-નવા આભૂષણો ખરીદવાની માગમાં રતિભાર પણ ફરક પડયો નથી.કારણ કે તે બચતનું એક માધ્યમ છે.સદીઓથી મહિલાઓ ઘરેણાંમાં જ રોકાણ કરતી આવી છે.મોટાભાગની મહીલાઓ અન્ય જગ્યાએ પૈસા રોકવાને બદલે અલંકારો ખરીદે છે.વળી ખાસ વાત એ પણ છે કે ઘરેણાંની ખરીદી બાબતે આભુષણોની ગુણવત્તા અને મૂલ્ય અંગે જરા પણ બાંધછોડ કરતી નથી.

મહીલા વર્ગનો જવેલરી પ્રેમ જોઈને ડિઝાઈનરો પણ નીતનવી ડિઝાઈનના મનમોહક આભૂષણો તૈયાર કરે છે.નવી નવી ફેશન પણ આવતી રહે છે. સોનાના લાંબા સેટને બદલે હવે હાંસડી અને કોલરવાળા સેટનું ચલણ વધારે જોવા મળે છે.આ સેટ ગળા પર ચપોચપ બેસી જાય છે.વચ્ચેના સમયગાળામાં ડલ પોલિશના સોનાના દાગીના કે સફેદ અથવા રેડિયમ પોલિશ કરેલા સુવર્ણાલંકારની ફેશન પણ જોરમા હતી.

જોકે મોટા ભાગની ભારતીય નારીઓને સોનાના દાગીના જ ગમે છે.આ બાબતમાં તે ફેશનને અનુસરવાનું પસંદ કરતી નથી.સાડી પર સોનાના ચોકર સેટ અને સલવાર કમીઝ પર પેન્ડન્ટ સેટ પહેરવાનું ચલણ વધી રહ્યુ છે.તેની સાથે જ કાનમાં હળવા વજનની પરંતુ પહોળી બુટ્ટીનો ટ્રેન્ડ છે. હવે મીણાને બદલે રંગીન બિેડ્સ કે નંગનો સુવર્ણાભૂષણમાં વધારે ઉપયોગ થાય છે.મહિલાઓને પહેલી નજરમાં જે અલંકાર પસંદ પડી જાય પછી તેના બજેટ કે કિંમત બાબતે વધુ વિચાર કરતી નથી. સોનાના દાગીના પ્રતિષ્ઠાનું પ્રતિક છે.બ્રાન્ડનુ ચલણ વધતા શ્રીમંત પરિવારની મહીલાઓ બ્રાન્ડેડ જવેલરીની ખરીદીમા ગર્વ અનુભવે છે.કેટલીક મહીલાઓ માટે આભુષણોની ખરીદી અને સોનાના વધતા ભાવને કાઈ લેવાદેવા નથી.મોટાભાગની નોકરિયાત મહિલાઓનુ માન્વુ છે કે સોનાનો ભાવ ઘટવાની રાહ જોઈએ તો ક્યારેય આભુષણો ખરીદી જ ન શકીએ.સોનાની કિંમત કૂદકે ને ભૂસકે વધી રહી છે.જેથી અમારી પાસે રહેલા આભૂષણોની કિંમત પણ વધવાની જ છે.તો પછી નુકસાન કેવી રીતે થાય?