ડાયમંડ ટાઈમ્સ
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સોનાની આયાત જકાતમાં ઘટાડો કરવાના પગલે જ્વેલરી સેક્ટર્સને બુસ્ટરડોઝ મળ્યો છે.સોનાની રીટેઈલ ડીમાંડમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થતા સોનાની આયાત પણ વધવા માંડી છે.ગત ફેબ્રુઆરી મહિનામાં એકલા ગુજરાતમાં જ 3.78 ટન સોનાની આયાત થઈ હતી.જાન્યુઆરી મહીનામાં ગુજરાતમા સોનાની આયાતનો આંકડો માત્ર 1.31 ટન હતો જેમા જંગી વધારો થયો છે.
જવેલર્સોનાં કહેવા પ્રમાણે ભાવ ઘટાડા ઉપરાંત લગ્ન ગાળાને કારણે સોનાની રીટેઈલ ડીમાંડમાં વૃધ્ધિ થઈ છે. લગ્નસ્રાની સિઝન હજુ પણ આગામી બે મહિનાઓ સુધી ચાલવાની છે.સોનાના ભાવ નીચા હોવાથી અત્યારથી જ એક વર્ગ ખરીદી કરવા લાગ્યો છે.આવતા દિવસોમાં લગ્નગાળા પૂર્વેની ધોમ ખરીદી નિકળી શકે છે.આ સિવાય કોરોના કાબુમાં આવતા અને તેના પરના નિયંત્રણો હળવા થતા વિવિધ કાર્યક્રમોને છુટછાટો મળતા તેની ઝવેરી માર્કેટ પર સકારાત્મક અસર થઈ છે.હવે ધામધુમથી લગ્ન કરવાનો ટ્રેંડ ફરી શરૂ થઈ ગયો છે.પરિણામે સોનાની ડીમાંડ વધવા લાગી છે.
સોનાના ભાવ પ્રતિ દશ ગ્રામ 48000થી પણ નીચે આવી ગયા છે.ડીમાંડ વૃધ્ધિમાં સોનાના નીચા ભાવે મોટો ભાગ ભજવ્યો છે. સોનાની ખરીદી માટે લોકો બજેટ નિશ્ર્ચિત કરતા હોવા છતાં અગાઉ કરતા સોનાની વધારે ખરીદી કરી રહ્યા છે.જુનુ સોનુ પરત આપીને નવુ ખરીદવાનો ટ્રેંડ હજુ પણ યથાવત છે.