સોનાના ભાવ ઘટતા રોકાણકારોમાં ગોલ્ડ ETFનું આકર્ષણ ઘટ્યુ, સતત બીજા મહિને રોકાણ પાછું ખેંચ્યુ

79

DIAMOND TIMES : સોનાના ભાવમાં નરમાઇ અને ઇક્વિટી માર્કેટમાં રિકવરીના માહોલ વચ્ચે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં સતત બીજા મહિને આઉટફ્લો ચાલુ રહ્યો હતો અને ઓગસ્ટમાં રોકાણકારોએ રૂ. 38.14 કરોડ પરત ખેંચ્યા હતા.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા અનુસાર સતત બીજા મહિને આઉટફ્લોની સાથે ગોલ્ડ ઇટીએફના ફોલિયોની સંખ્યા પણ જુલાઇના 46,42,602 થી ઘટીને ઓગસ્ટમાં 46,09,726 થઈ છે. તો બીજી બાજુ ઓગસ્ટમાં અન્ય ઇટીએફમાં રૂ. 7416.46 કરોડનું નવુ રોકાણ આવ્યું હતુ.

સોનાના ભાવ છેલ્લા છ મહિનામાં 10 ટકા જેટલા અને મહામારી ટાણે ઓગસ્ટ 2020માં બનેલી ઐતિહાસિક ટોચથી લગભગ 20 ટકા સુધી ઘટ્યા છે. ગોલ્ડ ફંડ્સ કેટેગરીએ એક મહિનામાં 2.20 ટકા અને ત્રણ મહિનામાં 0.76 ટકાનું સરેરાશ નકારાત્મક વળતર આપ્યું છે. વિશ્લેષકો માને છે કે હાલ ઇટીએફ સોનાના ભાવમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક મંદીનો ભય, ઊંચો ફુગાવો અને વ્યાજદરમાં વધારો વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં અનિશ્ચિતતાને અસર કરી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ ગોલ્ડ ઇટીએફમાં આવો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે.

ગોલ્ડ ઇટીએફમાંથી આઉટફ્લો એ રોકાણકારોની વર્તણૂક દર્શાવે છે. શેરબજારમાં છેલ્લા બે મહિનાથી રિકવરીનો માહોલ છે અને સોના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે રોકાણકારો ઇક્વિટી માર્કેટ તરફ ફંટાઇ રહ્યાં છે.