રત્નકલાકાર સહીત હીરાના કારોબાર સાથે સંકળાયેલ કોઇ પણ પરિવારને આર્થિક સહાય આપવા ચાલી રહી છે સર્વેની કામગીરી,આવા પરિવાર અંગે તમે પણ માહીતિ આપી કમાઈ શકો છો આંગળી ચિંધ્યાનુ પુણ્ય…
DIAMOND TIMES – કોરોના મહામારીમાં અનેક પરિવારે કમાનાર મુખ્ય વ્યક્તિ એટલે કે મોભી ગુમાવ્યા છે.આ દુ:ખદ ઘટનાઓને પગલે અનેક પરિવારો નિરાધાર થઈ ગયા છે.આવી વિકટ પરિસ્થિતિમાં હીરાના કારોબાર સાથે સંકળાયેલા પરિવારની મદદ માટે મુંબઈની જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન(GJNRF) નામની સંસ્થા આગળ આવી છે.રત્નકલાકાર સહીત હીરાના કારોબાર સાથે સંકળાયેલ કોઇ પણ પરિવાર આસાનીથી આ સહાય મેળવી શકશે.
નિરાધાર પરિવારોને લાભ લેવા સુરત ડાયમંડ એસોસિયેશનના મંત્રીશ્રી દામજીભાઈ માવાણીની અપીલ
સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા જારી કરાયેલી અખબાર યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે સુરતમાં વસતા રત્નકલાકારો,દલાલમિત્રો,કારખાના કે હીરાની ઓફીસમાં કામ કરતા અથવા તો હીરા કારોબાર સાથે સંકળાયેલ કોઇ પણ મુખ્ય વ્યક્તિનું કોરોનાના કારણે અવસાન થયુ હોય તો તેના પરિવાર આ સહાયનો લાભ મેળવી શકે છે.સહાય આપવા અંગે હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.જેથી કોઇ પણ વ્યક્તિને આવા પરિવાર ધ્યાનમાં આવે તો આગામી તારીખ 15 જુન 2021 સુધીમાં સુરત ડાયમંડ એસોસિયેશનની મીની બજાર સ્થિત ઓફીસે માહિતિ પહોંચાડવા મંત્રીશ્રી દામજીભાઈ માવાણીએ જાહેર જનતાને અપીલ કરી છે.સહાય મેળવવા માંગતા પરિવારે ડેથ સર્ટીફીકેટ, આધારકાર્ડ , રહેઠાણનો પુરાવો તથા જ્યા કામ કરતા હતા તેની વિગત આપવાની રહેશે.