કારખાનેદારોને ઘર આંગણે સરળતાથી રફ હીરા મળે તે માટે જીજેઈપીસીએ ઉપાડી જવાબદારી

105

 

ગુણવત્તાયુક્ત અને વ્યાજબી ભાવથી ઘર આંગણે જ રફ હીરા ઉપલબ્ધ થાય એ માટે હીરાના કારખાનેદારોએ વર્ષોથી જોયેલુ સ્વપ્ન થશે સાકાર… 

ડાયમંડ ટાઈમ્સ

હીરા-ઝવેરાતના વેપારને સરળ બનાવવા અનેક પ્રયાસો થઈ રહ્યાં છે.રફ ઉત્પાદક કંપનીઓ સુરતમા જ રફ હીરાનુ વેંચાણ કરી શકે તેમજ હીરા-ઝવેરાત ઉદ્યોગકારો સુરતમાથી તેમના ઉત્પાદનોનુ સેલિંગ કરી શકે એ માટે ઓક્શન હાઉસ તૈયાર થઈ રહ્યું છે.હીરા-ઝવેરાત ક્ષેત્રની નાની અને મધ્યમ કદની કંપનીઓને ધ્યાનમા રાખીને મેગા કોમન ફેસિલીટી સેન્ટર પણ શરૂ કરવાની તૈયારીઓ કરી દેવાઈ છે.કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કોમર્સને મંજૂરી મળ્યા બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગકારો મહત્તમ 800 ડોલર સુધીની ઝવેરાત દેશ-વિદેશમાં કુરિયરથી એક્સપોર્ટ કરી શકાશે.આ ક્ષેત્રની તકોને ઝડપી લેવા પ્રયાસ ચાલુ છે. કોમર્સ મિનીસ્ટ્રી આ અંગે માર્ગદર્શિકા બનાવશે, ત્યાર બાદ ઈ-કોમર્સનો લાભ પ્રત્યેક હીરા-ઝવેરાત ઉદ્યોગકાર લઈ શકશે. હીરા ઉદ્યોગ માટે સરકાર દ્વારા ઈમરજન્સી ક્રેડીટ ગેરન્ટીની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકોના કુલ રોકાણના 20 ટકા રકમની મદદ મળશે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન માટે ચાલતી ટફ યોજનાનો લાભ હીરા ઉદ્યોગકારોને આપવા પણ સરકાર સાથે વાત ચાલે છે. તેનો લાભ મળશે તો મશીનરી ખરીદીમાં સબસીડીનો લાભ મેળવી શકશે.

આ માટે જીજેઈપીસીએ બિડુ ઝડપ્યુ છે.જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ કાઉન્સીલ ઈચ્છાપોર ખાતે ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં ઓક્શન હાઉસ તૈયાર કરશે.ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે જીજેઈપીસી કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી દીધી છે.જીજેઈપીસીના ચેરમેન કોલીન શાહે માહિતિ આપતા કહ્યુ કે આ ઓક્શન હાઉસ 4 થી 5 મહિનાના સમયગાળામા તૈયાર થઈ જવાની ધારણા છે.ઓક્શન હાઉસ કાર્યરત થતાની સાથે જ દેશ-વિદેશની ખાણ કંપનીઓ સહિત સુરત-મુંબઈના હીરાઉદ્યોગકારો હીરા અને ઝવેરાતની હરાજી અને ટ્રેડિંગ કરી શકશે.જીજેઈપીસીના ગુજરાત રિજનલના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, ઓક્શન હાઉસ અને કોમન ફેસિલીટી સેન્ટર બાદ સુરતના હીરા ઉદ્યોગને વેગ મળશે.તેમજ કોમન ફેસિલિટી સેન્ટરની મદદથી નાના કારખાનેદારોને એડવાન્સ ટેક્નોલોજી, થ્રીડી પ્રિન્ટીંગ, ડેટા લાઈબ્રેરી જેવી સુવિધાઓ પુરી પાડી શકાશે.