લોન પર મોરેટોરિયમ સહીત હીરા ઉદ્યોગને આવશ્યક મદદ કરવા જીજેઈપીસીની નાણામંત્રી પાસે માંગ

826

DIAMOND TIMES -કોરોનાથી પ્રભાવિત હીરા-ઝવેરાત ઉદ્યોગને સહાય જીજેઈપીસીએ નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે લેખિતમાં માંગણી કરી છે.જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યુ કે કોરોના મહામારીના પગલે ભારતના અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધ અને લોકડાઉનની સ્થિતિ છે. આવી જ હાલત બેલ્જિયમ , ફ્રાંસ , ઇટાલી , પોલેન્ડ સહીતના અનેક દેશોમાં પણ છે.કોરોનાની આ વૈશ્વિક મહામારી ખુબ ગંભીર અસર જેમ એન્ડ જ્વેલરી કારોબાર પર પડી છે.

જ્વેલરીના અનેક સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે તો માલની હેરફેર માટે લોજિસ્ટિક્સ પ્રતિબંધ,કુશળ કર્મચારીઓની તંગી સહીતના પરિબળોના કારણે ઉત્પાદન ક્ષમતા પણ ઘટી છે.જેથી હાલ જેમ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ઉદ્દભવેલી ઉપરોક્ત સમસ્યાઓ અને અનિશ્ચિતતાઓને પહોંચી વળવા વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા થઈ રહેલા સંનિષ્ઠ પ્રયાસોને સરકારની સહાયની આવશ્યકતાઓ ઉભી થઈ છે.

ઉદ્યોગકારો અને હીરા ઝવેરાત ક્ષેત્રમાં કાર્યરત લાખો કામદારોને કોઇ પરેશાની ન આવે તે માટે જીજેઇપીસીએ સરકારને સહાય કરવાની વિનંતી કરતા કહ્યુ કે એક્સ્પોર્ટ ફાઇનાન્સ રીલાઇઝેશન હેઠળ નિકાસ ક્રેડિટની ચુકવણીની માર્ચની અંતિમ તારીખની સમય મર્યાદામાં ત્રણ મહીનાની છૂટછાટ આપી 30 જૂન 2021 કરવા માંગણી કરી છે.

ઉદ્યોગ સાહસિક,કામદારો અને વિવિધ સર્વિસ પ્રોવાઇડર્સ સહિત કારોબારના તમામ હિસ્સેદારોને નાણાકીય મુશ્કેલી ન આવે તે માટે હીરા અને ઝવેરાત ક્ષેત્રે ઉત્પાદન માટે 90 ટકા કાચા આયાતી માલ પર મેળવેલી બેંક ક્રેડીટ,લોન ખાતા એનપીએ નિયમોમાં છૂટછાટ આપવા તેમજ ટર્મ લોન,કાર્યકારી મૂડી સહીત તમામ પ્રકારની લોનના 1 એપ્રિલ 2021 થી 30 જૂન 2021ની વચ્ચે આવતા તમામ લોન હપ્તા અને વ્યાજની ચુકવણી પર વધુ છ મહીનાનો મોરેટોરિયમ પિરિયડ આપવાની માંગ કરી છે.

અનેક સભ્યોની ફરીયાદ છે કે ઉત્પાદીત તૈયાર માલનો નિકાલ નહી થવાના કારણે લોનના હપ્તાની ચુકવણીમાં વિલંબ થાય છે.પરિણામે ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ આ ક્ષેત્રને ડાઉનગ્રેડ કરી દીધો છે.જેથી આ ક્ષેત્રના કારોબારીઓ કે ઉદ્યોગ સાહસિકોને બેંકલોન પર વધુ વ્યાજ ચુકવવાનો વારો આવે છે.લોન પર વધુ વ્યાજ ભારણની ખુબ મોટી ગંભીર અસર થાય છે.આ બાબત પર ધ્યાન આપીને સરકારે તમામ ક્રેડિટ રેટિંગ એજન્સીઓને 31 માર્ચ 2022 સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ આપવો જોઇએ. ઉપરાંત આવકવેરા અધિનિયમ,કંપની અધિનિયમના પાલન અને સબમિશન માટેની નિયત તારીખ વધારવાની પણ માંગણી કરવામાં આવી છે.