IGJA એવોર્ડ માટે નામાંકન પત્ર ભરવા જીજેઈપીસીનું ઉદ્યોગકારોને આમંત્રણ : 15 જૂન અંતિમ તારીખ

DIAMOND TIMES – ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ ( IGJA) એ અત્યંત પ્રતિષ્ઠીત એવોર્ડ છે.જેને પ્રાપ્ત કરવાની દરેક મોટી હીરાની કંપનીઓને અભિલાષા અને સપનું હોય છે.

IGJA એવોર્ડ જેમ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં નિકાસ,ઉત્પાદન અને નવીનતા અને શ્રેષ્ઠતા માટે છે. નોંધનિય છે કે જેમ્સ એન્ડ  જ્વેલરી ક્ષેત્રની અગ્રણી નિકાસકાર કંપનીઓની સિધ્દ્ધિઓને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે જીજેઇપીસીએ 1975 માં IGJA એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. હવે જીજેઈપીસી આ વર્ષે પણ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડની 48 મી આવૃત્તિના આયોજના માટે બમણા ઉત્સાહ સાથે સજ્જ છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ માટે આ વર્ષે વધુ નવી 4 કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ માટે આ વર્ષે વધુ નવી 4 કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે.જેમાં અપકમિગ એક્સપોર્ટર ઓફ ધ યર,ગ્લોબલ રિટેલર ઓફ ધ યર, એક્સપોર્ટ ટૂ હાઇએસ્ટ નંબર ઓફ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ એન્ડ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી તેમજ બેસ્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ વર્ષે IGJA 2021 માં વિવિધ 30 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

એવોર્ડ માટે પસંદગીના માપદંડોમાં નિકાસ કામગીરી,મૂલ્યવૃદ્ધિ, રોજગાર સર્જન અને નાણાકીય વર્ષ દરમિયાન રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ ,રોકાણ સહીતના પરિમાણો સામેલ કરવામાં આવ્યા છે. ‘બ્રાન્ડ ઈન્ડિયા’ને મજબૂત બનાવવામાં મદદ કરતી વ્યવસાયિક ઉત્કૃષ્ટતા દર્શાવતી કંપનીઓ સહીત વૂમન આંત્રપ્રિન્યોર ઑફ ધ યર અને ઉદ્યોગને ધિરાણ આપતી બેંકોને પણ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવનાર છે.

IGJA એવોર્ડ ભારતની જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં વધેલી નિકાસ સ્પર્ધાત્મકતાને વધુ સતેજ બનાવે છે : કોલિન શાહ

GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યું કે IGJA એવોર્ડ ભારતની જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં વધેલી નિકાસ સ્પર્ધાત્મકતાને વધુ સતેજ બનાવે છે. ઉપરાંત સૌથી મુશ્કેલ સમયમાં પણ આ ક્ષેત્રની ભારતિય કંપની ઓએ કેવી રીતે પડકારો પર વિજય મેળવી વિશિષ્ટ સિધ્ધિ હાંસિલ કરી તેની પ્રેરક ગાથા પણ વર્ણવે છે.

કોલિન શાહે ઉમેર્યુ કે હું ભારત સરકાર અને વાણિજ્ય મંત્રાલયનો આભાર માનું છું. કારણ કે તેમણે નિકાસ-મૈત્રીપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ઉદ્યોગની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપ્યું છે.UAE અને ઓસ્ટ્રેલિયા સાથે નવા કરારો ગેમ ચેન્જર છે.

જે નિકાસ વૃદ્ધિને વેગ આપવાની સાથે MSME ને સાનુકૂળ વ્યાપાર વાતાવરણ બનાવીને વિદેશી બજારો સુધી પહોંચવા માટે પ્રેરિત પણ કરશે. ગત વર્ષે જેમ્સ એન્ડ જ્વલેરી ઉદ્યોગે 400 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકમાં દશમાં ભાગનું યોગદાન આપ્યું હતું.મને ખાતરી છે કે ઉદ્યોગ વર્ષ 2022-23 માટે 45 બિલિયન ડોલરના નવા નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા તૈયાર છે.

GJEPC સભ્યોને નામાંકન માટે અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે : GJEPC ના ઇવેન્ટ કન્વીનર મનસુખ કોઠારી

GJEPC ના ઇવેન્ટ કન્વીનર મનસુખ કોઠારીએ જણાવ્યું હતું કે IGJA એવોર્ડ ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના સ્ટાર પરફોર્મર્સને ઓળખે છે અને પુરસ્કાર આપે છે.આ પુરસ્કારો MSME ક્ષેત્રને પ્રોત્સાહિત કરે છે તો ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓનું સન્માન કરી વધુને વધુ ઉત્કૃષ્ટ બનવા પ્રેરણા આપે છે.

તેમણે ઉમેર્યુ કે IGJA એવોર્ડની 48 મી આવૃત્તિ માટે નોમિનેશન હવે ખુલ્લું છે. જે આગામી 15મી જૂન, 2022ના રોજ સમાપ્ત થાય છે.સમગ્ર ભારતમાં GJEPC સભ્યોને નામાંકન માટે અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે.