DIAMOND TIMES – ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી વરાછા વિસ્તારની માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) તરફથી રૂપિયા 50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.
ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ (IIJS)ના શુભારંભ પ્રસંગે કોર્પોરેટ સોસિયલ રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ,ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશ કુમાર,એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી,જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ, વાઇસ ચેરમેન વિપુલ શાહ સહીતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલના મંત્રી અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ રૂપિયા 50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો.
લોકોના આરોગ્યની જાળવણી માટે ચાલતા આ સામાજીક સેવાના કાર્યમાં જીજેઇપીસીના આર્થિક યોગદાન બદલ સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી . પી . વાનાણી, સેક્રેટરી દિનેશભાઈ નાવડીયા સહીત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો આભાર પ્રગટ કર્યો હતો.
દાનની રકમથી હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં મદદ મળશે.
સુરત ડાયમંડ હોસ્પિટલના પ્રમુખ શ્રી સી.પી.વાનાણીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે આ માતબર દાનની રકમથી સુરત ડાયમંડ હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં મદદ મળશે.સુરતના વરાછા વિસ્તારમાં કાર્યરત આ હોસ્પીટલની આરોગ્ય સેવાનો લાભ મધ્યમ વર્ગીય અને રત્ન કલાકારો ના પરિવારોને મળી રહ્યો છે.સુરત ડાયમંડ હોસ્પીટલ દરેક પ્રકારના રોગો માટે નિદાન અને સારવારની અધતન સુવિધાઓ ધરાવે છે.ડાયમંડ હોસ્પીટલની રાહત દરે મળતી આધુનિક સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી તેમણે સુરતની જનતાને અપીલ કરી હતી.