DIAMOND TIMES – સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાંરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારો તેમજ ટેકસટાઇલ અને અન્ય ઔદ્યોગિક એકમોના કારીગરોને તાત્કાલિક કોવિડની વેકસીન આપવા ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને રજૂઆત કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગ, ટેકસટાઇલ,કેમિકલ, રિયલ એસ્ટેટ, એકવાકલ્ચર સહીત વિવિધ ઔદ્યોગિક એકમોમાં આશરે રર લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે.જેથી આ કારીગરોને તાત્કાલિક કોરોનાની રસી આપવામાં આવશે તો કોવિડ ઇન્ફેકશનની ચેઇનને અટકાવી શકાશે.ઉલ્લેખનિય છે કે કોરોનાને કારણે લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ જતા મોટી સંખ્યામાં કારીગરો બેકાર થઈ ગયા હતા તો સામાન્ય પરિવારોની રોજગારી છીનવાઇ ગઇ હતી.અત્યારે માંડ માંડ ઉદ્યોગ ધંધા બેઠા થયા છે.એવા સંજોગોમાં ધંધા રોજગાર પર ફરીથી વિપરીત અસર ન પડે અને કારીગરોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે ચેમ્બર દ્વારા તાત્કાલિક વેકસીન આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને ઉપરોકત રજૂઆત કરવામાં આવી છે.