એપ્રિલ થી જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 8.46 ટકાની વૃદ્ધિ : GJEPC

741

એપ્રિલ થી જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 26.45 ટકા તેમજ સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.87 ટકાના વધારો

DIAMOND TIMES – કોરોના મહામારી અગાઉ એટલે કે એપ્રિલથી જૂન,2019ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન રૂપિયા 62018.48 કરોડ (8.92 અબજ ડોલર)ની જેમ્સ એન્ડ જ્વેલરીની ઓવર ઓલ થયેલી નિકાસની તુલનાએ એપ્રિલ થી જૂન,2021ના ત્રિમાસિક સમાનગાળા દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની ઓવરઓલ નિકાસ 8.46 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 67265.66 કરોડ (9.18 અબજ ડોલર) થઈ છે.

ભારતિય જ્વેલરી કંપનીઓને ઘરેલુ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે : કોલિન શાહ

આ અંગે જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે પ્રતિભાવ આપતા કહ્યુ કે જેમ્સ એન્ડ જ્વેલરીની ઓવરઓલ નિકાસની વૃદ્ધિ પાછ ળ  અગ્રણી નિકાસ બજાર અમેરીકા સહીત વિશ્વના બજારોમાં હીરા અને ઝવેરાતની માંગ મુખ્ય પરિબળ છે.આ ઉપરાંત હીરા -ઝવેરાતના કારોબાર અને નિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે જીજેઇપીસી દ્વારા વર્ચ્યુઅલ બાયર-સેલર મીટ્સ (VBSMs) ના આયોજન સહીતની કામગીરીએ પણ નિકાસને ગતિ આપવામાં મહત્વપુર્ણ યોગદાન આપ્યુ છે. કોલિન શાહે ઉમેર્યુ કે એપ્રિલ- જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ઝવેરાત ની નિકાસ એપ્રિલ-જૂન 2020 માં નોંધાયેલી નિકાસની તુલનાએ વધુ રહી છે. આમ છતાં પણ તે એપ્રિલ-જૂન 2019ના ત્રિમાસિક ગાળાની તુલનામાં 71.33 ટકાનો જંગી ઘટાડો દર્શાવે છે . સોનાની ઝવેરાતની નિકાસના ઘટાડા પાછળ તેમણે મુખ્યત્વે આ ક્ષેત્ર માં કાર્યરત કંપનીઓને ડયુટી ફ્રી કાચા સોનાની સમયસર સપ્લાયની સમસ્યાને જવાબદાર ગણાવતા કહ્યુ કે ભારતિય જ્વેલરી કંપનીઓને નિર્ણાયક ઘરેલુ પડકારો નો સામનો કરવો પડી રહ્યો છે.જેથી વૈશ્વિક હરીફાઈમાં અન્ય દેશોની કંપનીઓની સામે ભારતિય જ્વેલરી કંપનીઓને ભારે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે.

કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ:- જૂન, 2019 દરમિયાન થયેલી રૂપિયા 11660.29 કરોડ (1691.90 મિલિયન ડોલર) ની નિકાસની તુલનાએ જૂન-2021 દરમિયાન કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 26.45 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 14512.11 કરોડ (2000.48 મિલિયન ડોલર) થઈ છે.જ્યારે એપ્રિલથી જૂન-2019ના ત્રિમાસિક ગાળામાં પોલિશ્ડ ડાયમંડની થયેલી રૂપિયા 36173.89 કરોડ (5203.44 મિલિયન ડોલર) ની નિકાસની તુલનાએ એપ્રિલથી જૂન-2021ના ત્રિમાસિક ગાળામાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 26.45 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 45741.52 કરોડ (6261.85 મિલિયન ડોલર) થઈ છે.

પ્લેઇન ગોલ્ડ જ્વેલરી નિકાસ 69.55 ટકાનો ઘટાડો:- જૂન-2019 દરમિયાન થયેલી પ્લેઇન ગોલ્ડ જ્વેલરી નિકાસ રૂપિયા 6366.09 કરોડ (923.72 મિલિયન ડોલર) ની તુલનાએ જૂન-2021 દરમિયાન પ્લેઇન ગોલ્ડ જ્વેલરી નિકાસ 38.29 ટકાના ઘટાડા સાથે રૂપિયા 4185.10 કરોડ (570.05 મિલિયન ડોલર) થઈ છે.જ્યારે એપ્રિલથી જૂન-2019 ના ત્રિમાસિક ગાળામાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની થયેલી રૂપિયા 19947.59 કરોડ (2177.52 મિલિયન ડોલર) ની તુલનાએ એપ્રિલથી જૂન-2021ના ત્રિમાસિક ગાળામાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરી નિકાસ 69.55 ટકાના ઘટાડા સાથે રૂપિયા 4608.91 કરોડ (624.32 મિલિયન ડોલર) થઈ છે.

સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ:- એપ્રિલથી જૂન 2019 ના ત્રિમાસિક ગાળામાં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની થયેલી રૂપિયા 4810.99 કરોડ(691.70 મિલિયન ડોલરની) ની તુલનાએ એપ્રિલથી જૂન 2021ના સમાન ત્રિમાસિક ગાળામા સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ 69.87 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 8172.40 કરોડ (1109.87 મિલિયન ડોલર) થઈ છે.

સિલ્વર જ્વેલરીની નિકાસ :- એપ્રિલથી જૂન 2019 ના ત્રિમાસિક ગાળામાં સિલ્વર જ્વેલરીની થયેલી રૂપિયા 1710.12 કરોડ(246 મિલિયન ડોલરની) ની તુલનાએ એપ્રિલથી જૂન 2021ના સમાન ત્રિમાસિક ગાળામા સિલ્વર જ્વેલરીની નિકાસ 171.23 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 4638.29 કરોડ (627.42 મિલિયન ડોલર) થઈ છે.

રંગીન રત્નોની નિકાસ :- એપ્રિલથી જૂન 2019 ના ત્રિમાસિક ગાળામાં રંગીન રત્નોની રૂપિયા 595.39 કરોડ (85.61 મિલિયન ડોલરની) ની નિકાસની તુલનાએ એપ્રિલથી જૂન 2021ના સમાન ત્રિમાસિક ગાળામા રંગીન રત્નોની નિકાસ 24.78 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 447.85 કરોડ (60.70 મિલિયન ડોલર) થઈ છે.

કેમ રૂંધાઈ રહ્યો છે જવેલરી ઉદ્યોગનો વિકાસ ?? ગોલ્ડ જ્વેલરીની નિકાસકાર કંપનીઓ કાચામાલ એવા ડયુટી ફ્રી સોનાના પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરી રહી છે.પરિણામે આવી વિકટ સ્થિતિથી જ્વેલરીની નિકાસને અસર થઈ છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ કરતી કંપનીઓને ડયુટી ફ્રી સોનાનો નિયમિત પુરવઠો મળી રહે એ માટે સરકારે નિયુક્ત કરેલી નોડલ એજન્સીઓ પૈકી મોટાભાગની શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. આ એજન્સીઓ પાસેથી ડયુટી ફ્રી સોનાનો પુરવઠો મેળવવા લાંબી દસ્તાવેજીકરણ પ્રક્રિયા અને માર્જીનમની મેળવવામા થતો વિલંબ સહીતની અનેક સમસ્યાઓથી જવેલરી ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.

જીજેઈપીસીની સરકાર સમક્ષ માંગણીની કોઇ અસર નહી:- ગોલ્ડ જવેલરીમાં ઉપયોગ થતા ડયુટી ફ્રી સોનાની અછતને કારણે ભારતમાથી થતી સોનાના આભુષણોની નિકાસને ખુબ મોટી અસર થઈ છે.પાછલા કેટલાક સમયથી જ્વેલરી કંપનીઓને હેરાન-પરેશાન કરતી આ સમસ્યાના નિવારણ માટે જીજેઇપીસીએ વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુરેશ કુમાર સમક્ષ રજુઆત કરી હતી. આ ઉપરાંત જીજેઇપીસી ના ગુજરાતનાં રિજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ પણ સમસ્યાં અંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રિ ઓફ ફાઈનાન્સ વિભાગને રજુઆત કરી હતી. પરંતુ આ સમસ્યાનો કોઇ નક્ક્કર ઉકેલ આવવાના બદલે માત્ર કાગળ પર જ ઉકેલ આવ્યો હોય તેવુ લાગે છે. અન્યથા ઝંઝાવાતી તેજી વચ્ચે વિદેશી ઓર્ડર છતા પણ પ્લેઇન સોનાના ઝવેરાતની નિકાસમાં આ જંગી ઘટાડો થવાની સંભાવનાઓ નથી.