કોરોના મહામારી વચ્ચે ભારતના અન્ય કારોબાર ભારે દબાણ હેઠળ હતા એવી વિકટ સ્થિતિ વચ્ચે 3369.65 મિલિયન અમેરીકી ડોલરની જંગી નિકાસ કરીને ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે પોતાની વિશેષ ક્ષમતા ફરીવાર સાબિત દીધી છે.જેના આંકડાઓ નીચે મુજબ છે.
(1) ગત એપ્રિલ 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 38 ટકા વધીને 2250.45 મિલિયન અમેરીકી ડોલર થઈ છે.જે એપ્રિલ 2019માં 1633.41 મિલિયન અમેરીકી ડોલર હતી.
(2) ગત એપ્રિલ 2021માં ગોલ્ડ જ્વેલરીની નિકાસ 35 ટકા ઘટીને 630.96 મિલિયન અમેરીકી ડોલર થઈ છે.જે એપ્રિલ 2019માં 963.89 મિલિયન અમેરીકી ડોલર હતી.
(3) ગત એપ્રિલ 2021માં સિલ્વર જ્વેલરી નિકાસ 251 ટકા વધીને 300.60 મિલિયન યુએસ ડોલર થઈ છે,જે એપ્રિલ 2019માં 85.71 મિલિયન યુએસ ડોલર હતી.
(4) ગત એપ્રિલ 2021માં રંગીન રત્નનોની નિકાસ 21.99 મિલિયન યુએસ ડોલર થઈ છે,જે એપ્રિલ 2019માં 20.28 મિલિયન યુએસ ડોલર હતી.
DIAMOND TIMES – કોરોના મહામારી વચ્ચે ભારતના અન્ય કારોબાર ભારે દબાણ હેઠળ હતા એવી વિકટ સ્થિતિ વચ્ચે પણ ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે નિકાસના મોરચે ઝળહળતી સિધ્ધિ મેળવી પોતાની વિશેષ ક્ષમતા બતાવી દીધી છે.જીજેઇપીસી જાહેર કરેલા તાજા અહેવાલ મુજબ એપ્રિલ 2019ની સરખામણીએ અપ્રિલ 2021માં જ્વેલરીની નિકાસ 16.63 ટકા વૃદ્ધિ સાથે 3369.65 મિલિયન અમેરીકી ડોલરને આંબી ગઈ છે.ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે અમેરીકા,યુરોપ,ચીન સહીત સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર થતા એપ્રિલ 2020 માં માત્ર 36.11 મિલિયન અમેરીકી ડોલરની જ નિકાસ થઈ શકી હતી.
હીરા અને ઝવેરાતની નિકાસના આ ઉત્સાહજનક આંકડાઓ અંગે જીજેઇપીસીએ કહ્યુ કે પાછલા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય બજારોમાં રંગીન રત્નો, હીરા અને ઝવેરાતની માંગ વધવાના પગલે નિકાસમાં વૃદ્ધિ થઈ છે.આમ છતા આ નિકાસ પ્રવૃતિઓ જાળવી રાખવા કોરોના મહામારીના કારણે કેટલાક અવરોધો ઉભા થયા છે.પરિણામે સરકારની સહાયતાની સખત આવશ્યકતા ઉભી થઈ હોવાનું જીજેઇપીસીએ તેમના અહેવાલમાં જણાવ્યુ છે.
કોરોનાના કારણે રત્નકલાકારોનું સ્થળાંતર,કામકાજના કલાકોમાં ઘટાડો,કાચા માલની તંગી સહીતની અનેક સમસ્યાઓ હીરા-ઝવેરાતના કારોબારમાં અડચણરૂપ બની રહી છે.ભારતના અનેક રાજ્યોમાં કડક કોરોના પ્રતિબંધો અને લોકડાઉનને કારણે ક્ષેત્રીય કારોબારને સખત ફટકો પડ્યો છે.આ પ્રકારની વિકટ સ્થિતિ વચ્ચે પણ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે નિકાસના ક્ષેત્રમાં સારો દેખાવ કર્યો છે.જેને અવિરત જાળવી રાખવા જીજેઇપીસીએ પિયુષ ગોયલ,નાણામંત્રી નિર્મલા સીતારમણ સહીત સરકારના વિવિધ વિભાગો સમક્ષ કેટલાક રાહતકારી પગલાઓ સૂચવ્યા છે.
નિકાસ મોર્ચે આ ઉત્તમ દેખાવને જાળવી રાખવા સરકારી મદદની આવશ્યકતા : કોલિન શાહ
જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય મુખ્ય નિકાસ બજારોમાં સમાવિષ્ટ અમેરીકા,ચીન અને મધ્યપુર્વના દેશોમાં આર્થિક અને સામાજીક પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાથી આ બજારો તરફથી સારા ઓર્ડર છે.જેને ધ્યાનમાં રાખી નિકાસની ગતિ અવિરત રાખવા સરકારે હીરા ઉદ્યોગને મદદ કરવાની જરૂર છે.જેમા રફની ઓનલાઈન ખરીદી પર આયાત ડ્યુટી ઘટાડવા તેમજ સોનાના ઘરેણાની નિકાસ કરતી કંપનીઓને કાચા સોનાની સમયસર આપુર્તિ કરવી મુખ્ય બાબત છે.
વધુમાં ઉદ્યોગને ટેકો આપવા સરકારના વિવિધ વિભાગોને સુચવેલા પગલાઓ અંગે માહીતી આપતા તેમણે કહ્યુ કે સોનાના ઘરેણાની નિકાસકાર કંપનીઓને ડ્યુટી ફ્રી કાચા સોના માટેની લોનની સમય મર્યાદા 90 થી વધારી 180 દીવસ કરવા નાણાં મંત્રાલયને સુચન કર્યુ છે.આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધની સમસ્યાને ધ્યાનમાં રાખી નિકાસ ક્રેડીટની ચુકવણીની અવધિ 30 જૂન 2021થી વધુ 3 મહિના વધારવા,તેવી જ રીતે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વિક્ષેપના કારણે બેંકો દ્વારા મંજૂર પૂર્વ શિપમેન્ટ નિકાસ ક્રેડિટની અનુમતિની અવધિ 30 જૂન 2021થી વધુ 3 મહિના વધારવાની અમારી માંગ છે.આ ઉપરાંત આવકવેરા કાયદા, કંપની અધિનિયમ, ટીડીએસ ચુકવણી અને જીએસટી સંબંધિત નિયમોમાં છૂટછાટ આપવાની સહીતની પણ તેમણે અનેક માંગણીઓ કરી છે.