ભારતીય અર્થતંત્ર વિકાસના પાટા પર દોડવા લાગ્યું, બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિમાં 8.4 ટકાનો ઉછાળો

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા આઠ સેક્ટરમાં ઓક્ટોબર દરમિયાન 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ
  • અગાઉના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 20.1 ટકા ઉછાળો આવેલો
  • વધતો ફુગાવો, ઉત્પાદન પાછળ ઊંચો ખર્ચ, ક્રુડ ઓઈલની કિંમત અને કોરોનાનો નવો વેરિયન્ટ આર્થિક મોરચે મોટા પડકાર

આ સંજોગોમાં એપ્રિલ-જૂન 2020 દરમિયાન GDP 24.4 ટકાનો ઘટાડો થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ આ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 7.9 ટકા GDP વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેની તુલનામાં આજે આ આંકડા 8.4 ટકા જાહેર થયા છે.

ગયા વર્ષે કોરોના મહામારીથી અર્થતંત્ર પર સંકટના વાદળ ઘેરાયેલા

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે ભારતીય અર્થતંત્રને ગયા વર્ષે ભારે અસર થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. ત્યારબાદ બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો થયેલો.

અલબત ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ફક્ત 0.4 ટકા રહેલો. ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચમાં GDP ગ્રોથ રેટ 1.6 ટકા નોંધાયો હતો.એકંદરે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપી -7.3 ટકા રહ્યો હતો.

આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો પણ કેટલાક પડકારો અડીખમ

અર્થતંત્રમાં નાટ્યાત્મક ઉછાળો આવ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક પડકારો હજુ પણ અડીખમ છે. વધતો ફુગાવો, ઉત્પાદન પાછળ ઊંચો ખર્ચ, અને ક્રુડ ઓઈલની કિંમત ઉપરાંત કોરોના વાઈરસના નવા વેરિયન્ટ વગેરે આર્થિક મોરચે મોટા પડકારો તરીકે ઉભરી રહ્યા છે

મહત્વના સેક્ટરમાં વૃદ્ધિ 7.5 ટકા નોંધાઈ

  • દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા આઠ સેક્ટરમાં ઓક્ટોબર દરમિયાન 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધી દરમિયાન -0.5 ટકા હતી, તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.
  • કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી એમ કુલ આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઉત્પાદન ઓક્ટોબર,2020 દરમિયાન -0.5 ટકા હતો. આ વર્ષના સપ્ટેમ્બરમાં ચાવીરૂપ સેક્ટરમાં વૃદ્ધિ 4.5 ટકા રહી હતી.

રેટિંગ એજન્સીઓએ કેવા અંદાજ દર્શાવેલા

  • બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન તમામ એજન્સીઓએ GDP ગ્રોથ 7થી 9 ટકા વચ્ચે અંદાજ લગાવવામાં આવેલો. RBIએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 7.9 ટકા રહેવાનો અંદાજ હતો. ઈન્ડિયા રેટિંગ એજન્સીએ બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ 8.3 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો. એજન્સી પ્રમાણે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન GDPમાં સતત 9.4 ટકા રહી શકે છે.
  • જ્યારે ICRAએ નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા માટે પોતાનો GDP ગ્રોથનો અંદાજ વધી 7.9 ટકા રહ્યો હતો. ICRAના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક ક્ષેત્રે પ્રવૃત્તિઓને ઔદ્યોગિક અને સેવા સેક્ટરમાં વોલ્યુમમાં નોંધપાત્ર વધારો થયો છે.