લાખોના હીરા લૂંટનાર માસ્ટર માઇન્ડ સહિત પાંચ ઝબ્બે : 39 લાખના હીરા માત્ર 8 લાખમાં વેચી માર્યા

119

DIAMOND TIMES : કતારગામ જેરામ મોરારની વાડીમાં ત્રણ મહિના અગાઉ સાંજે કારખાનું બંધ કરીને પરત જઇ રહેલા કારખાનેદારનું ગળું દબાવી અને મોંઢામાં ડૂચો મારી રૂ. 11 લાખના હીરાની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલતા ક્રાઇમ બ્રાંચે ટીપ આપનાર કારખાનાના જૂના કારીગર અને લૂંટના માસ્ટર માઇન્ડ સહિત પાંચની ધરપકડ કરી 22.47 કેરેટના 41 નંગ હીરા કબ્જે લીધા છે.

કતારગામ જેરામ મોરારની વાડીના હીરાના કારખાનેદાર કનૈયાલાલ ઉર્ફે કનુ પ્રજાપતિ ગત 12 સપ્ટેમ્બરે સાંજે કારખાનું બંધ કરી હીરા બેગમાં મુકી લોકરમાં મુકવા જઇ રહ્યા હતા. ત્યારે કારખાનાના પાર્કીંગમાં લૂંટારૂઓએ કનૈયાલાલનું ગળું દબાવી અને નાક તથા મોંઢાના ભાગે ડૂચો મારી રૂ. 11 લાખના હીરા વાળી બેગ લૂંટીને ભાગી ગયા હતા.જેરામ મોરાર જેવા ભરચક વિસ્તારમાં કારખાનેદારને લૂંટી લેનાર લૂંટારૂઓનું પગેરૂ મેળવવા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને સફળતા મળી ન હતી.

પરંતુ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્રુમન ઇન્ટેલીજન્સના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે લૂંટની ટીપ આપનાર કારખાનાના જૂના કારીગર રવિન્દ્ર ઉર્ફે બાબર રામજી કંડોડીયા (ઉ.વ. 33 રહે. તેજેન્દ્ર પાર્ક, વરાછા અને મૂળ. ચોગટ આથમની વાડી, તા. ઉમરાળા, ભાવનગર), લૂંટના માસ્ટર માઇન્ડ કાળુ ઉર્ફે દાઉદ નાનજી જેતાણી (ઉ.વ. 38 રહે. ઇડબ્લ્યુએસ આવાસ, કરજણ કેનાલ પાસે, વડોદરા અને મૂળ. શિવમ નગર, ગઢેચી વડલા, ભાવનગર) ઉપરાંત રાજેશ ઉર્ફે રાજુ મનુભાઇ ભીલ (ઉ.વ. 30 રહે. ગોકુળનગર, રચના સર્કલ, કાપોદ્રા અને મૂળ. સરતાનપર, તળાજા, ભાવનગર), શૈલેશ નટવરલાલ વાઘેલા (ઉ.વ. 41 રહે. નંદપાર્ક સોસાયટી, મીની બજાર, વરાછા અને મૂળ. નારી, ભાવનગર) અને મેહુલ ઉર્ફે શૈલેશ બટુક દોંડા (રહે. બજરંગ નગર સોસાયટી-1, લસકાણા અને મૂળ. ભાવનગર) ને ઝડપી પાડી તેમની પાસેથી 22.47 કેરેટના 41 નંગ હીરા કિંમત રૂ. 12.84 લાખના કબ્જે લીધા છે.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર ત્રણેક વર્ષ અગાઉ કનૈયાલાલના કારખાનામાં બે મહિના નોકરી કરી હોવાથી કારખાનું બંધ કરે ત્યારે કારખાનેદાર લાખ્ખોના હીરા અને રોકડ પોતાની સાથે લઇને જાય છે તે બાબતથી વાકેફ હોવાથી કાળુને ટીપ આપી રાજેશ અને શૈલેશને લૂંટમાં સામેલ કરી અંજામ આપ્યો હતો. જયારે રવિન્દ્રના મિત્ર એવા મેહુલ ઉર્ફે શૈલેશ ડોંડાએ લૂંટના હીરા વેચવામાં મદદ કરી હતી.

રૂપિયા 39 લાખના લૂંટેલા હીરા માત્ર રૂપિયા 8 લાખમાં વેચી બબ્બે લાખ સરખા હિસ્સે વહેંચ્યા

કારખાનેદાર કનૈયાલાલ પ્રજાપતિએ લૂંટની ઘટના અંગે જયારે ફરીયાદ નોંધાવી હતી તેમાં માત્ર 11 લાખના હીરાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે કનૈયાલાલની લૂંટની ઘટના સંદર્ભે ડિટેઇલ પૂછપરછ હાથ ધરી ત્યારે રૂ. 11 લાખના નહીં પરંતુ રૂ. 39 લાખના હીરા લૂંટાયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માસ્ટર માઇન્ડ કાળુ ઉર્ફે દાઉદ જેતાણીની ધરપકડ બાદ એક પછી એક ચાર લૂંટારૂની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં લૂંટની ટીપ આપનાર રવિન્દ્ર કંડોડીયાએ તેના મિત્ર મેહુલ ઉર્ફે શૈલેશ ડોંડા હસ્તક માત્ર રૂ. 8 લાખમાં વેચી તે રકમ ચારેય જણાએ સરખે હિસ્સે એટલે કે બબ્બે લાખ રૂપિયા વહેંચી લીધા હતા. જયારે મેહુલને કમિશન પેટે માત્ર રૂ. 10 હજાર આપ્યા હતા.

માસ્ટર માઇન્ડ કાળુ ઉર્ફે દાઉદ હત્યા અને અપહરણ કરનાર રીઢો ગુનેગાર

લાખ્ખોના હીરાની લૂંટની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા કાળુ ઉર્ફે દાઉદ જેતાણી રીઢો ગુનેગાર છે. વર્ષ 2011-12 માં ભાવનગરમાં અશ્વીન ગઢવી અને જયરામ વચ્ચેની અંગત અદાવતમાં હમીર વશરામની હત્યા કરી હતી. બે જણાની દુશ્મનાવટમાં હમીર વશરામની હત્યાની ઘટનાએ જે તે વખતે ભારે ચકચાર મચાવી હતી અને કાળુ આ હત્યા કેસમાં ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. જયારે ભાવનગર ખાતે અપહરણ ઉપરાંત દારૂના કેસમાં પણ પકડાય ચુકયો છે.