આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયુ આમંત્રણ,સોનાના વૈશ્વિક ભાવ પર રહેશે આ એક્સચેન્જની નજર,વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને સાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે.હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવી રહ્યું છે. ભારતમાં પ્રથમ વાર આવુ એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.
DIAMOND TIMES – ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના પ્રથમ ઓક્ટોબરના રોજ સ્થાપના દિવસે જ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે.આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો એક મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે.અન્ય દેશોની તુલનાએ ભારતમાં સોનાની માંગ સૌથી વધુ છે.જેને ધ્યાનમાં રાખીને આ એક્સચેન્જ શરૂ કરવા માટે મોટું પગલું ભરવામાં આવ્યુ છે . ઉલ્લેખનિય છે કે ભારતીય ઘરોમાં 22000 ટન સોનું પડ્યું છે,જે નિષ્ક્રિય છે.વિશેષજ્ઞો કહે છે કે ભારત વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ કરે છે.
આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો મોટો ફાયદો એ થશે કે આ એક્સચેન્જ દ્વારા સોનાનો ભાવ નિર્ધારીત થશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે. દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સોનાના ભાવમાં પ્રવર્તમાન વિસંગતતા એટલે કે તફાવત દુર થતા જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતા આવશે.તેમજ સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનું નિરાકરણ થશે.
બજારમાં પ્રાઇસ મિકેનિઝમનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે.આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં પાંચ ગ્રામના ગુણાંકમાં અને મેક્સિમમ એક કિલોગ્રામ સુધી સોનાનું ટ્રેડિંગ થઇ શકશે.આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે,જેને સેબી રેગ્યુલેટ કરશે.ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે સોનાનું ટ્રેડીંગ થશે.
ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની આગેવાની બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) કરશે.જ્યારે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX),નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE), CDSL અને NSDL સ્ટેક હોલ્ડર્સ હશે.નાણામંત્રી નિર્મલા સિતારમણે ફેબ્રુઆરીમાં બજેટમાં સેબીને ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની રેગ્યુલેટરી બોડી બનાવવાની જાહેરાત કરી હતી.
દેશના પ્રથમ ગોલ્ડ એક્સ્ચેન્જ શરૂ કરવા માટે પોલિસી IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે.પોલિસીને લગતા તમામ સૂચનો એકઠા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ની સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી.IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે.