NRFના સર્વેક્ષણમાં થયેલા ખુલાસા મુજબ અમેરીકન ગ્રાહક વેકેશનમાં કરશે આટલા રૂપિયાનો ખર્ચ .

24

DIAMOND TIMES – નેશનલ રિટેલ ફેડરેશન (NRF) અને પ્રોસ્પર ઇનસાઇટ્સ એન્ડ એનાલિટિક્સના સંયુક્ત વાર્ષિક સર્વેક્ષણ અનુસાર આગામી વેકેશનમાં અમેરીકન ગ્રાહક જ્વેલરી સહીતની લકઝરી ભેટ-સોગાદ ખરીદવા અંદાજીત રૂપિયા 75 હજાર (997.73 ડોલર)ખર્ચ કરવાની યોજના ધરાવે છે.જો કે તેમા જ્વેલરીનો હિસ્સો કેટલો રહેશે તે અંગે કોઇ વિગત આપવામાં આવી નથી.પરંતુ અમેરીકન હીરા જડીત જ્વેલરીના શોખિન હોવાથી પછાસ ટકાથી પણ વધુ હિસ્સો જ્વેલરીનો રહેવાની જાણકારો ધારણા વ્યકત કરી રહ્યાં છે

નેશનલ રિટેલ ફેડરેશન (NRF)ના પ્રમુખ અને સીઇઓ મેથ્યુ શેએ પ્રતિભાવ આપતા કહ્યુ કે જ્વેલરી સહીત સિઝનેબલ લકઝરી પ્રોડક્ટની સંભવિત ખરીદીને ધ્યાનમાં રાખી રિટેલર્સ અને અમેરીકન અગાઉથી આયોજન કરે છે.પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમેરીકન નાગરીક આગામી વેકેશનની ઉજવણી કરવા તૈયાર છે.પાછલા કેટલાક વર્ષોની તુલનાએ આ વર્ષે પરસ્પર મોંઘી ગિફ્ટ આપવાનું પ્રમાણ વધવાની પ્રબળ સંભાવનાઓ છે.જેને ધ્યાનમાં રાખી રજાઓમાં કારોબારની તેજ ગતિને પહોંચી વળવા રિટેલ ઉદ્યોગ,લેબર,શિપર્સ અને ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડર્સ અત્યારથી જ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે.

મેથ્યુ શેએ ઉમેર્યુ કે આ વર્ષે પુખ્ત વયના 90% અમેરીકન નાગરીક ક્રિસમસ,હનુક્કાહ અને ક્વાન્ઝા તહેવારને ધામધુમથી ઉજવવાનું આયોજન કરી ચુક્યા છે. જેને અનુલક્ષીને સગા-સબંધીઓને ભેટ આપવા માટે તેમને પસંદ પડે તેવી ચીજની ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે.કુલ ગ્રાહક વર્ગ પૈકી 49% ગ્રાહકો નવેમ્બર પહેલા ખરીદીની શરૂઆત કરી શકે છે.જો કે કેટલાક લોકો ઑક્ટોબર મહીનાના અંત સુધીમા ખરીદીનું કાર્ય પુર્ણ કરી ચુક્યા હશે.તેઓ માને છે કે તહેવાર અગાઉ ખરીદીનો નિર્ણય લઈ તેઓ છેલ્લી મિનિટના તણાવને ટાળવા માંગે છે.