મંદીના મિસાઈલ એટેક સામે મજબુત ઢાલ બની ઉભા છે લડવૈયા લેબગ્રોન

DIAMOND TIMES – તારીખ 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ દાગેલી પ્રથમ મિસાઈલ યુક્રેનના મીલીટ્રી બેઝ પર ખાબકી તેની સાથે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રો ઘાયલ થયા છે. તો મોટા ભાગના દેશોના શેરબજારો પણ ઉંધા માથે પટકાયા છે.

બીજી તરફ ક્રુડ, સોના ચાંદી, પેલેડીયમ,પ્લેટિનિયમ,નિકલ,તાંબુ,બ્રાસ અને લોખંડ સહીતની ધાતુઓની કિંમત મિસાઈલની જેમ હવામાં ઉંચે ઉડી રહી છે.કાચા માલની કિંમતો આકસ્મિક રીતે વધી જતા અનેક ઉદ્યોગોની ઉત્પાદન કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

એમ કહી શકાય કે રશિયાની મિસાઈલે યુક્રેનના મીલીટ્રી બેઝની સાથે અનેક દેશોના અર્થતંત્રના પણ ફૂરચા ઉડાવી દીધા છે.યુધ્ધની આર્થિક મોરચે પડેલી અસર એટલી વ્યાપક છે કે વિશ્વના અનેક દેશમાં બેરોકગારીની સમસ્યા વિકટ બનવાની ભીતી છે.

જ્યારે કાચા માલની કિંમતો અચાનક વધી જાય ત્યારે તેને આધારીત ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાઈ જતા હોઈ છે. આપણા હીરા ઉદ્યોગની વાત કરીએ તો પાછલા કેટલાક મહીનાઓ દરમિયાન રફની ની કિંમતોમાં સરેરાશ 50 ટકા જેટલો વધારો થયો છે.

જેના માટે મુખ્યત્વે વૈશ્વિક બજારમાં હીરા ઝવેરાતની માંગ અને રફ હીરાના પુરવઠાની અછત જવાબદાર ગણવામાં આવે છે.હાલ પણ રફ હીરાની કિંમતો રાજાની કુંવરીની જેમ વધી રહી છે.જેના કારણે નાના અને મધ્યમ કક્ષાના હીરા યુનિટો માટે તો રફ હીરાની ખરીદીની વાત તો દુર રહી પણ રફના દર્શન પણ દુર્લભ થઈ ગયા છે.

આવી સ્થિતિ વચ્ચે આવી પડેલી યુક્રેન કટોકટી પડ્યા પર પાટા સમાન છે.રફની સતત વધતી કિંમત તેમજ અન્ય નકારાત્મક પરિબળોના કારણે હીરાના નાના યુનિટોને તો ક્યારનાય અલીગઢી તાળા લાગી ગયા હોત.જો તેમ થયુ હોત તો હીરા ઉદ્યોગમાં 2008 જેવી ભયંકર મંદી પણ આવી હોત.

જેના કારણે રત્નકલાકારોની બેરોજગારીની સમસ્યા પણ વિકટ બની હોત.પરંતુ સદ્દનશીબે હીરાઉદ્યોગ આ તમામ સંભવિત તકલીફને બાયપાસ કરી હેમખેમ છે.કારણ કે મંદીના મિસાઈલ મારા સામે લડવૈયા લેબગ્રોન મજબુત ઢાલ બની ઉભા રહ્યાં છે. નોંધનિય બાબત તો એ છે કે શરૂઆતમાં હીરા ઉદ્યોગ જેને મોટો દુશ્મન સમજતા હતા એ લેબગ્રોન હીરા તો દોસ્ત સાબિત થયા છે.

લેબગ્રોન હીરા ભારતના ડાયમંડ ઉદ્યોગ માટે તારણહાર બન્યા છે.

જ્યારે સુરતના હીરા ઉદ્યોગની સકારાત્મક બાબતોની નોંધ લેવાની વાત આવે ત્યારે કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. આ પંક્તિ ભારતના હીરા ઉદ્યોગ માટે બેધડક અને સહેજ પણ નિસંકોચ વારંવાર દોહરાવવી પડે છે.

કારણ કે ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ લડાયક મિજાજ ધરાવે છે. જ્યારે હીરા ઉદ્યોગની સામે કોઇ મોટા પડકારો આવ્યા છે ત્યારે હીરા ઉદ્યોગની ચમક -દમકમા અનેક ગણો વધારો થયો છે.કારણ કે કોઇને કોઇ સકારાત્મક પરિબળ ભારતના હીરા ઉદ્યોગની મદદે આવે જ છે.વર્તમાન સમયની વિકટ સ્થિતિમાં લેબગ્રોન હીરા ભારતના ડાયમંડ ઉદ્યોગ માટે તારણહાર બન્યા છે.

કોરોના મહામારી વચ્ચે રફ ઉત્પાદનમાં વિપેક્ષ થતા પુરવઠાની તંગી ઉભી થઈ હતી.બીજી તરફ યુએસ અને યુરોપના દેશોમાં હીરા અને ઝવેરાતની માંગ વધી હતી.આવા તેજી તરફી સકારાત્મક માહોલમાં અલરોઝા, ડીબિયર્સ સહીતની મોટા ભાગની રફ ઉત્પાદક કંપનીઓએ રફ હીરાની કિંમતોમાં તબક્કાવાર સરેરાશ 40 થી 50 ટકાનો વધારો કરી મોકો જોઇ ચોકો ફટકાર્યો છે.પરિણામે નાની અને મધ્યમ કક્ષાની હીરાની કંપનીઓ માટે રફ હીરાની ખરીદી કરી તેમાથી હીરા તૈયાર કરવા અસંભવ વાત છે.ત્યારે હીરા ઉદ્યોગ માટે લેબગ્રોન તારણહાર બન્યા છે.

લેબગ્રોન ડાયમંડનું કદ આગામી વર્ષોમાં નવી ઊંચાઈને આંબી જવા તૈયાર

વર્તમાન સમયમા લેબગ્રોન હીરાનો કારોબાર વિશ્વમાં જેટ ગતિએ વિસ્તરી રહ્યો છે.ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ રહી છે. ખાસ બાબત તો એ છે કે હવે સુરત સહીત ગુજરાતના અન્ય નાના શહેરો અને ગામડાઓમાં કાર્યરત કારખાનાઓમાં લેબગ્રોન હીરા તૈયાર કરતા યુનિટોની સંખ્યા વધુ છે. હજુ પણ નાની કંપનીઓની સાથે હીરાની મોટી કંપનીઓ પણ લેબગ્રોન હીરાના મેન્યુફેકચરીંગના ક્ષેત્રમાં આવી રહી છે.જેનાથી રોજગારીને કોઇ અસર થઈ નથી.

લેબગ્રોન હીરાના મેન્યુફેકચરીંગ સાથે સંકળાયેલી કંપનીઓ હવે કુદરતી રફ હીરાના પુરવઠા પર નિર્ભર નથી.સુરતમાં લેબગ્રોન રફ હીરા તૈયાર કરનારી કંપનીઓની સંખ્યા પ્રતિદીન વધી રહી છે.જેથી આસાનીથી યોગ્ય ગુણવત્તા ધરાવતી લેબગ્રોન રફ વ્યાજબી ભાવે ઘર આંગણે ઉપલબ્ધ બની છે.વળી લેબગ્રોનની કિંમતોમાં કુદરતી રફની તુલનાએ મોટા ઉતાર ચડાવ આવતા નથી.લેબગ્રોન હીરાની સ્થિર કિંમતો એક ખુબ મોટો પ્લસ પોઈન્ટ છે.

લેબગ્રોન દાગીનનું વેંચાણ દર વર્ષે લગભગ 20 ટકાના દરે વધી રહ્યુ છે.પરંતુ 2020 અને 2019 ની સરખામણીમાં વર્ષ 2021માં લેબગ્રોનના વેંચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.તહેવારોની સિઝન દરમિયાન લેબગ્રોન દાગીનાના વેંચાણમાં 2020ની સરખામણીમાં 60 ટકા અને અગાઉના વર્ષ કરતાં 45 ટકાનો વધારો થયો છે.લેબગ્રોન હીરાના વૈશ્વિક બજાર અંગે ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચનો લેટેસ્ટ અહેવાલ પ્રકાશિત થયો છે.જે અનુસાર આગામી વર્ષ 2027 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 7.2 ટકાની વૃદ્ધિ સાથે 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

યુક્રેન કટોકટીથી હીરાઉદ્યોગમાં રફના પુરવઠાની તંગી થવાની ભીતી છે : હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજીભાઈ ધોળકિયા

કુદરતી રફ હીરા પણ યુક્રેન કટોકટીની ઝપટે ચડી ગયા છે.કારણ કે રફ હીરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી રફ ઉત્પાદક કંપની અલરોઝા રશિયામાં આવેલી છે. રફ હીરાના કુલ વૈશ્વિક ઉત્પાદનમાં રશિયાનો હિસ્સો લગભગ 40 ટકાની આસપાસ છે. હજુ પણ રફ હીરાના પુરવઠા અને કિંમતોમાં ભારે ઉથલ પાથલની સંભાવનાઓ છે. યુક્રેન કટોકટીના કારણે હીરા ઉદ્યોગમાં રફ હીરાના પુરવઠાની તંગી ઉભે થવાની ભીતી છે.

હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજીભાઈ ધોળકિયાએ મીડીયા અહેવાલમાં કહ્યુ છે કે અમારી જરૂરીયાતના લગભગ 40 ટકા રફ હીરા રશિયામાંથી સપ્લાય કરવામાં આવે છે.આ હીરાની ખરીદીના બદલામાં પેમેન્ટની ચુકવણીનો મુદ્દો અમારા માટે ગંભીર ચિંતાનો વિષય છે. જો યુદ્ધ જલ્દી સમાપ્ત નહી થાય તો હીરા ઉદ્યોગ પર મોટી અસર પડી શકે છે.અલરોઝા હૈયા ધરપત આપી રહ્યું છે કે યુધ્ધની સ્થિતિ અને રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધ વચ્ચે પણ હીરાનો કારોબાર હંમેશની જેમ યથાવત રહેશે.પરંતુ કટીંગ અને પોલિશિંગ ઉત્પાદકોને ડર છે કે બેન્કિંગ પ્રતિબંધો અલરોઝાના રફ હીરા ની ખરીદીમાં અવરોધ ઉભો કરી શકે છે.

તેમણે ઉમેર્યુ કે યુરોપિયન યુનિયન,અમેરીકા અને યુકેએ હાલ તો રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂક્યો નથી.પરંતુ રશિયાની અનેક બેંકોને SWIFTમાંથી સ્થગિત કરી દીધી છે. જેથી રફ હીરા માટે પેમેન્ટ ની ચૂકવણી મુશ્કેલ બની છે. રશિયા રફ હીરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે.તો અમેરીકા હીરા ઝવેરાતનું સહુથી મોટૂ બજાર છે. રશિયા પરના આર્થિક પ્રતિબંધના કારણે ભારત અને રશિયા વચ્ચે રફ હીરા સહીતના અન્ય તમામ દ્વિપક્ષીય કારોબાર થંભી જાય તેવી સંભાવનાઓ છે.