DIAMOND TIMES – ઘણા વર્ષો પછી વિક્રમ સવંત 2077 એટલે કે ગત વર્ષ સમગ્ર હીરાઉદ્યોગ માટે હીરા જેવુ ચળકાટ ભર્યુ સારું ગયું,હીરાના કારોબારમાં માઈન્સથી માર્કેટ સુધીની કડીમા સામેલ દરેક સભ્યો હેપી રહ્યા,અગાઉનાં કેટલાક વર્ષોની વાત કરીએ તો કાચો અથવા તૈયાર માલનો પુરવઠો જે કારોબારી પાસે જામ થઈ જાય તેને નુકશાની ભોગવવાનો વારો આવતો હતો.પરંતુ ગત વર્ષેએ ચિલો ચાતરી દીધો,જેમા જે કારોબારી પાસે રફ કે પોલિશ્ડનો સ્ટોક પડ્યો હતો તેમને વધુ નફો મળતા લાભ થયો.એટલે સ્ટોક બાબતે દર વર્ષે હીરા ઉદ્યોગમાં જે ચિંતાઓ રહેતી હતી તેવી ચિંતા ગત વર્ષે ન હતી.જે સમગ્ર ઉદ્યોગ માટે ચોક્કસપણે એક સારા સમાચાર કહી શકાય.
લોકડાઉનની સમાપ્તિની સાથે જ હીરા ઉદ્યોગમાં તેજીનું કાઉન્ટડાઉન શરૂ થયુ હતુ.
કોરોના પર કાબુ આવી જવાના કારણે લોકડાઉન સમાપ્ત થતા જ માત્ર હિરા ઉદ્યોગમાં જ નહીં પરંતુ મોટાભાગના દરેક વ્યવસાયમાં તેજીએ ટકોરા મારવાની શરૂઆત કરી દીધી હતી.વૈશ્વિક અર્થતંત્રમાં પણ V શેપ રિકવરી જોવા મળી હતી.V શેપ અર્થાત જે રીતે ઉદ્યોગ માં મંદી આવી એટલી જ તીવ્રતાથી વ્યાપાર ઉદ્યોગોનું તેજી તરફ પ્રયાણ.મોટાભાગના ઉદ્યોગ ધંધામાં દિવાળીનું વેકેશન અને રજા આવતી હોય છે.પરંતુ લોકડાઉનમાં લાંબો સમય ધંધા રોજગાર બંધ રાખવાની નોબત આવતા લોકડાઉન ખુલ્યા બાદ દરેક વ્યાપાર ઉદ્યોગોમાં તેજીનાં લીધે વેકેશન અને રજાઓ ટૂંકાવી દેવામાં આવી હતી.
સુરતમાં હીરાઉદ્યોગની સમાંતર ટેક્સટાઇલ પણ મોટો ઉદ્યોગ છે. જેમાં મિલ અને વિવિંગ યુનિટો સહીત સહુ કોઇ દિવાળીથી લાભપાંચમ સુધી રજા રાખતા હોય છે.ત્યારબાદ લાભ પાંચમ ના દિવસે મુર્હૂત બાદ કારોબારની ગાડી ધીમે ધીમે પાટે ચડતી હોય છે.પરંતુ ચાલુ વર્ષે તેજી અને કાપડ માર્કેટમાં સારી ઘરાકીને લીધે ઓર્ડરોને પહોંચી વળવા ભાઈબીજના દિવસે બપોરથી જ વિવિંગ યુનિટ અને મિલો કાર્યરત થઈ ગઈ હતી ટૂંકમાં લાભપાંચમના મુર્હૂતની રાહ જોયા વિના કાપડ ઉદ્યોગે શુભ શરૂઆત કરી દીધી હતી.
હીરા ઉદ્યોગની વાત કરીએ તો પોલિશ્ડ ડાયમંડમાં નેશનલ અને ઈન્ટરનેશનલ બંને માર્કેટમાં ખુબ જ સારી તેજી જોવા મળી છે.પરંતુ કારખાનેદારો માટે રંગમાં ભંગ પાડવાનું કામ કામ માઈનિંગ કંપનીઓએ કર્યું છે.રફ કંફનીઓએ પોતાની મનમાની શરૂ રાખતા કાચા માલમાં 30 % સુધીનો વધારો કર્યો.જેના કારણે કારખાનેદારો દિવાળી પહેલા જ સાવચેત થઈ ગયા હતા,કોઈપણ ઉદ્યોગમાં વપરાતા કાચામાલમાં 2થી 5 % સુધીનો ભાવ વધારો થાય તો તેને સહન કરી શકાય છે.પરંતુ 30% સુધીનો ભાવ વધારો અસહ્ય હોય છે.
પોલિશ્ડ ડાયમંડની કિંમતને જાળવી રાખવા રફ હીરાની કીંમત સ્થિર રહેવી જરૂરી છે.બાળકોને કાબુમાં રાખવા તેમની સાથે પ્રેમ અને હુંફથી વર્તન કરવામાં આવે તો શક્ય બને છે.પરંતુ તેઓની સાથે વધારે પડતું કડકાઈપણું અથવા સખ્તાઈ દાખવતા તેની સ્પ્રિંગ છટકે છે.એમ પોલિશ્ડ ડાયમંડમાં વ્યાપારી અથવા વિદેશી બાયરની આ નાના બાળક જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.2 થી 3 ટકા સુધીનો ભાવ વધારો માંગી શકાય પરંતુ કોઈ આર્ટિકલ્સમાં સીધો 30%નો ભાવ વધારો આવતા તેઓએ પોલિશ્ડની ખરીદી સ્થગિત કરી દીધી હતી.જેના પરથી કહી શકાય કે કોઈપણ વ્યાપાર ઉદ્યોગ માં વ્યાજબી માંગણીઓ શક્ય છે.પરંતુ ગેરવ્યાજબી માંગણીઓ સ્વીકારવી શક્ય હોતી નથી.
પોલિશ્ડ માલનાં સ્ટોકીસ્ટો માટે સારા સમાચાર
રફમાં થયેલો ભાવ વધારો પોલિશ્ડ માલનાં સ્ટોકીસ્ટો માટે સારા સમાચાર છે.દીવાળી વેકેશનના પગલે પોલીશ્ડ હીરાના પુરવઠામા ઘટાડો થતા પોલીશ્ડ હીરાના ભાવ વધવાની અપેક્ષા છે.લાંબા વેકેશન બાદ પણ આગામી દિવસોમાં લગ્ન સરાની સિઝન પણ શરૂ થવાની હોવાથી રત્નકલાકારોના માથે સામાજીક વ્યવહારો સાચવવાની પણ જવાબદારી હોય છે.વેકેશન સમાપ્તિ પછી પણ પુર્ણ ક્ષમતા સાથે હીરા ઉત્પાદન મેળવવામાં વધુ વિલંબ થવાની પણ સંભાવનાઓ ઘણી છે.હીરા ઉદ્યોગમાં ત્રણ અઠવાડીયા દિવાળી વેકેશનના પગલે પોલિશ્ડ હીરાની કિંમતોમાં વધારો થશે.કારણકે વિદેશમાં તૈયાર હીરાની માંગ છે.તો બીજી તરફ દીવાળી વેકેશનના પગલે સુરતના અંદાજીત 6000 જેટલા નાના મોટા કારખાના ઓમાં હીરાનું ઉત્પાદન બંધ છે.પરિણામે માંગ અને પુરવઠાની સ્થિતિ પોલિશ્ડ માલનાં સ્ટોકીસ્ટોની ફેવરમાં થવાની સંભાવના છે.જેને લીધે હીરા ઉદ્યોગમાં લાંબા વેકેશનના પગલે પોલિશ્ડ હીરાની માંગ અને કિંમતોમાં વધારો થવાની દિવાળી બાદ અપેક્ષા છે.
કારખાનેદારો માટે કપરી પરિસ્થિતિ
નાના કારખાનેદારો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.રફની કીંમતમાં જે રીતે વધારો થયો છે એ રીતે પોલિશ્ડ હીરાની કીંમત મળતી નથી,પોલિશ્ડ હીરાની ડિમાન્ડ છે પરંતુ એમાં 2-3 ટકા વધીને ભાવ આવે છે . માટે નવી રફો લેવી પોસાય તેમ નથી.બીજી બાજુ કારખાનામાં રત્નકલાકારોથી લઈને મેનેજર સુધી બધું સેટ અપ કર્યું હોય એ ટીમને જાળવી રાખવા થોડું નુકશાન ભોગવીને પણ કારખાનું ચાલું રાખવું પડતું હોય છે.જેના ભાગરૂપે દિવાળી નાં બે મહિના પહેલા સમય કાપનો અમલ શરૂ થઈ ગયો હતો,વધુ નુકશાન નહી થાય અને ટીમ જળવાય રહે એ હેતુથી દિવાળીની રજાઓમાં તો બધું સચવાય ગયુ છે.પરંતુ હવે વેકેશન ખુલતામાં જો રફનાં ભાવ નહીં ઘટે તો નાના યુનિટો માટે સમય મુશ્કેલીભર્યો રહેશે.
મોટાભાગની કંપનીઓને ઓવર ટાઈમ બંધ કરવાની પડી હતી ફરજ
આ વખતે હીરાઉદ્યોગમાં તેજીની સ્થિતિ હોવા છતાં મોટાભાગની કંપનીઓ દ્વારા તેમના નિયમિત સમય દરમિયાન જ પ્રોડક્શન કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતુ.ઘણી કંપનીઓ એવી છે કે જેમણે દિવાળી પહેલા ઓવરટાઈમ કે રજાના દિવસે પણ રત્નકલાકારોને બોલાવ્યા નથી.જેની પાછળનું મુખ્ય કારણ રફ ડાયમંડના વધેલા દરો હતા,ઉદ્યોગના દિગ્ગજોનાં મતે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે વૈશ્વિક માર્કેટ જ નહીં,પણ લોકલ માર્કેટ પણ સારું છે.જો કે કોરોના પછી માઈનીંગ કંપનીઓ દ્વારા રફ ડાયમંડના દરોમાં કરવામાં આવેલો વધારો ઈન્ડસ્ટ્રીઝ માટે વધારાનો ભાર ઉભો કર્યો છે સરેરાશ 15 થી 30 ટકા સુધીનો રફ ડાયમંડના દરો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
રફ હીરાના ભાવમાં થયેલા વધારાએ મોટો પડકાર ઉભો કર્યો
સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરીયે તો કોરોના સ્થિતિ વચ્ચે પણ જેમ & જવેલરી ઉદ્યોગ માટે ખુબ સારો સમય રહ્યો છે.નાણાંકીય વર્ષ 2020-21 નાં પ્રથમ 6 માસમાં પાછલા વર્ષ કરતા 19000 કરોડની વધુ નિકાસ થઈ છે.જો કે તેની તુલનાએ રફ ડાયમંડની કીંમતમાં થયેલો મોટો વધારો નફાની જગ્યાએ હીરા ઉદ્યોગકારોને નુકશાન કરી રહ્યા હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે.દિવાળી પહેલા તો એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે 3 મહિના સ્વૈચ્છિક રીતે રફ ડાયમંડની ખરીદી બંધ રાખવી જોઇએ.
કોરોનાના કારણે સુરતથી હોંગકોંગમાં થતી હીરાની નિકાસમાં મોટો વધારો નોંધાયો છે.બીજી તરફ કોરોનાની બંને લહેર માં જ્યાં અન્ય ઉદ્યોગમાં પ્રોડક્શન બંધ હતું,એવા સમયે હિરાઉદ્યોગમાં સતત પ્રોડક્શન શરૂ રાખવામાં આવ્યું હતું.જો કે જેમ & જવેલરી કંપનીઓમાં પ્રોડક્શન થતું હોવા છતાંય રફ ડાયમંડની ખરીદી કોરોના દરમિયાન ઘટી જતાં માઈનીંગ કંપનીઓને અસર થઈ હતી.પરંતુ હીરા ઉદ્યોગમાં તેજી આવતા તકનો લાભ ઉઠાવી માઈનિંગ કંપનીઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી રફ ડાયમંડની કીંમતોમાં સતત 15 થી 30 ટકા સુધીનો વધારો કર્યો છે.જેની તુલનાએ પોલિશ્ડ હીરાની કીંમતમાં નહીવત્ત વધારો થયો છે.
રફ અને પોલિશ્ડ હીરાની કીંમતમાં થયેલા વધારાની વિસંગતતા અંગે સ્થાનિક હીરા ઉદ્યોગકારો કહે છે કે આ પ્રકારની વિકટ પરિસ્થિતિના કારણે 5% જેટલું નુકશાન વેઠવું પડી રહ્યું છે.જાડા હીરાના દરોમાં પણ વધારો થયો છે.જેની અસર કેટલીક મોટી કંપનીઓને પણ થઈ છે.કોરોનાની પ્રથમ લહેર બાદ એક મહિના સુધી રફ ડાયમંડની ખરીદી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવી હતી.તે પ્રમાણે દિવાળી પછી રફ ડાયમંડની ખરીદી બંધ રહે તો હીરાઉદ્યોગ માથે આવનારો વધારાનો બોજ દૂર થઈ શકે છે.થોડા સમય પૂર્વે પણ રફ ડાયમંડની ખરીદી થોડા સમય બંધ રાખવા ચર્ચા ઉઠી હતી.
દિવાળી પછી એ મૂડ જળવાય રહ્યો હોવાથી રફ ડાયમંડના વધેલા દરની અસર વેકેશન પર પણ પડી છે.અન્ય વ્યાપાર ઉદ્યોગમાં દિવાળી પછી જ્યારે મુર્હૂત પણ નથી જોવાયા જ્યારે કારખાનેદારો રફ હીરાની કિંમત ઘટે એના મુર્હૂતની વાટે છે.કોરોનાની સ્થિતિ વચ્ચે પણ સુરતમાં હીરા ઉદ્યોગકારોને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ સારો વેપાર નોંધાયો છે.પરંતુ સપ્ટેમ્બર માસથી સતત રફ હીરાના વધી રહેલા દર હીરા ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.હજુ પણ રફ ડાયમંડનાં દરો નહીં ઘટે તો નાના કારખાનેદારોને મોટું નુકસાન થઈ શકે છે.